ખાલીપાનો ભાર ખમી લે, એવી ક્ષણ અવતારું. . !
મૂળનું બંધન સ્વીકારીને, જાત સહજ વિસ્તારું. . !
એવી ક્ષણ અવતારું. . !
ઈચ્છાવેલ તો બારે મહિના, રહેછે ફળતી ફૂલતી,
ટાણે-ક-ટાણે દસ્તક દેવા, મન-દ્વારે એ ઝૂલતી,
આજમાં ઝીણી ભાત કરીને, કાલનું પોત મઠારું. . !
એવી ક્ષણ અવતારું. . !
ક્ષણને જેવી વાવો તેવી. ઊગે મન આંગણિયે,
તર્ક બધા તડકે મૂકીને, ઝીણો રવ સાંભળિયે,
પડછાયાથી મુક્ત થવાને, પોંખી લઉં અંધારું. . !
એવી ક્ષણ અવતારું. . !
નાજુક નમણાં મોરની ઉપર, પીંછાનો છે ભાર,
જાત-બળૂકી કરવા આમ જ, તત્વ તણો લઉં સાર,
લેખા-જોખા સાથે ‘હુ’ ને, માફકસર કંડારું. . !
એવી ક્ષણ અવતારું. . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply