ક્ષણ તો ક્ષણમાં સરકી જાય. . .
ક્ષણની આવન-જાવન જોઈ, પાંપણ ફરકી જાય. .
નીજની અંદર નીજના રાખે અકબંધ સઘળા ભેદ,
ગુબ્બારો થઇ ઉડતી ક્ષણતો જીવને રાખે કેદ,
ગેરસમજને ભ્રમનાં તોરણ બાંધી લટકી જાય. . .
ક્ષણ તો ક્ષણ માં સરકી જાય.
ભાર હતો જે ક્ષણનો એના પૂછ્યા હાલ-હવાલ,
એ વાતે તો ક્ષણની, ક્ષણમાં બદલી ગઇ’તી ચાલ,
મૌન અડાબીડ ઉગાડી ક્ષણ મીઠું મલકી જાય. . .
ક્ષણ તો ક્ષણ માં સરકી જાય.
ભીડ મહીં આ ક્ષણ તો શોધે પોતીકું એકાંત,
પીડાનો સથવારો મળતાં ક્ષણને થાય નિરાંત,
શમણાંમાં સતરંગી રંગો પૂરી છટકી જાય. . .
ક્ષણ તો ક્ષણ માં સરકી જાય.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply