કેમ કરું ફરિયાદ. . . ? હરિ હું કેમ કરું ફરિયાદ. . ?
હાથ જરી લંબાવું ત્યાં તું, સાધી લે સંવાદ. . . !
પછી હું કેમ કરું ફરિયાદ. . ?
વાત અભાવની માંડી ત્યાં, એક ઝાડ વહારે આવ્યું
ખીલવું-ખરવું હોય સહજ એ, તથ્ય મને સમજાવ્યું !
આષાઢી વ્હાલપથી ઠરતા, વૈશાખી વિષાદ. . .
પછી હું કેમ કરું ફરિયાદ. . . ?
શગ પીડાની સંકોરીને, અજવાળું વિસ્તાર્યું,
ઘાટ ઘડે છે એ ઘટનામાં, તારું હોવું ધાર્યું,
સાદ કરું છું જ્યારે જ્યારે, આપે છે તું દાદ. . .
પછી હું કેમ કરું ફરિયાદ. . ?
સાંજ-સવારી વેળના રંગો, એક સરીખા ભાળી,
સમતાના બી વાવીને મેં, ઓટ સમયની ખાળી,
હોવું મારું આમ નિખાર્યું, હું ને રાખી બાદ. . .
પછી હું કેમ કરું ફરિયાદ. . . ?
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply