એથી લાગે સારું. . .
‘હું’ ને બાદ કરું તો સઘળે, તારું હોવું ધારું. . !
એથી લાગે સારું. . .
ચપટીક અંધારે જ્યાં ખુદ્દને, પડછાયા વિણ ભાળું,
ફાંટભરીને રેલાતું ત્યાં, અંદરથી અજવાળું,
ક્ષણના ઘાવને ઝીલવા કાજે, ક્ષણથી જાત મઠારું. . !
એથી લાગે સારું. .
ચૈતરના દનૈયા દરિયો આકાશે પહોંચાડે,
આષાઢી વ્હાલપ ધરતીના, હૈયાને ખંખાળે,
ઓટ અને ભરતીની લીલા, આમ સહજ સ્વીકારું. . !
એથી લાગે સારું. .
સાંજ-સવારી વેળા ખીલવું ખરવું શીખવી દે છે,
આપે છે ઉદાર થઈ બસ. . ઝાડ કશું ક્યાં લે છે ?
કાલને સોંપી દેવાને આ આજને હું શણગારું. . !
એથી લાગે સારું. .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply