સમય…
તું મારી સામે નહીં પણ સાથે છો…
એવું જોવાની દ્રષ્ટિ જ્યારથી કેળવાઈ છે
ત્યાર થી…
તને સમજવામાં સરળતા રહે છે.
ને, એટલે જ
તારી કસોટીને હવે હું આમ મૂલવી શકું છું કે…
તું કસોટી કરે છે તો જાણ્યું
કે છે શ્રધ્ધા તને ય મારામાં
આ જાત પ્રત્યેની શ્રધ્ધાના મહિમાથી
તારા પડકારો ઝીલવાની હામ હૈયાવગી થઈ છે
ક્યારેક તો તારા સંદર્ભે હું તને એમ પણ કહું છું કે…
આ રોજની કસોટીથી સાબિત થયું સમય
થોડો-ઘણો તો તું ય તરફદાર હોય છે !
હું જ્યાં છું ત્યાંથી સહેજ આગળ અને ઉપર લઈ જવાની તારી નેમ છે..હેં ને ?
તારો આ હેતુ સિધ્ધ થાય એ માટે
હું યે મારી અંદરની સંભાવનાઓ ને બહાર લાવવા તને સાથ આપું છું
આ રીતે કે….
લે, સમય તારું બધું સાભાર આપી દઉં તને
સ્થિર તારી સામે થઈ પડકાર આપી દઉં તને !
બસ, આમ તારું હોવું સાર્થક થાય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply