આદર્શ સ્ત્રી ની કેફિયત. . .
આજે અચાનક જ
અરીસાએ મને સવાલ પૂછ્યો કે,
‘આ, જે દેખાય છે, એ ખરેખર તું જ છે. . . ?
હું ચમકી ગઈ
અલબત્ત, ઘણી વાર હું ખુદ પણ મને આ જ પ્રશ્ન પૂંછું છૂં. . .
થાય છે કે ‘ખરેખર હું જે છું એ હું જ છું ?’
મન માં વલોપાત શરૂ થાય છે. . .
સુખી હોવા માટે નાં બધાં જ કારણો હોવા છતાં. . સુખ ક્યાં છે ?
ને
દુખી થવા માટે દેખીતું એક પણ કારણ નથી, છતાં
મારી ચોપાસ ઉદાસીનું આવરણ કેમ હોય છે. . . ?
અંદર નું મનોમંથન ચાલુ જ છે
હું જોઉં છું કે. . . આ તો દિલ અને દિમાગ વચ્ચે ની લડાઈ છે
બુધ્ધિશાળી દિમાગે પોતાની ‘આગવી ઓળખ’ માટે
ઊભા કરેલા ખોખલા અસ્તિત્વ ના માળખામાં
મારા દિલ ની નાની નાની ઈચ્છાઓ હોમાઈ ગઈ છે. . .
દંભી સમાજ માં પોતાનું સ્થાન જમાવવા
દિમાગ ચતુરાઈપૂર્વક પોતાના દંભ ને પોષીને
કહેવાતાં માન-સન્માન મેળવે છે
પણ
લોકો ને સારું લગાડવાના
મેઘધનુષી રસ્મો-રિવાજથી
દિલ નું સફેદી પોત તાર-તાર થઈ ગયું છે
સુખ અને સગવડના અસબાબ વચ્ચે
મનની શાંતિ ઘૂટન અનુભવે છે. . .
મનમાં એક અહેસાસ આકાર લે છે
કે આ બધા ડોળ અને આડંબર ફેંકી ને,
હું માત્ર હું ન બની શ્કું. . . ?
કાશ. . . !
દિમાગે ઊભા કરેલા દુન્યવી સંદર્ભો હું ભૂલી શકું. . .
હું ભૂલી શકું. . . . મારી સ્થૂળ હાજરી ને. . .
અને. . . દૂર દૂર પહોંચી જાઉં
એક એવા ટાપુ ઉપર જયાં. . હું માત્ર હું જ હોઉં. .
પરંતુ
દિમાગ ને એ મંજૂર નથી. . . ને એટલે
વાસ્ત્વિકતા ની કરવત વડે એણે મારી કલ્પના ની પાંખો કાપી નાખી. . .
બીજી જ ક્ષણે. . . હું વર્તમાન માં પટકાઉં છું
કે, જ્યાં દિમાગે પોતાના તર્ક ની જાળ બિછાવી”તી
બરફ જેવી ઠંડકથી દિમાગે મને
મારા આદર્શો અને સંસ્કારો યાદ કરાવ્યા ને,
‘આદર્શ-સ્ત્રી’ ની ‘ઈમેજ’ દ્વારા
આપોઆપ દોરાઈ જતી ‘લક્ષ્મણ-રેખા’ ની અંદર
રહેવાની મને ફરજ પાડી.
તરત જ. . . . મારી ટેવ મુજબ,
મેં મારો આદર્શતાનો અંચળો ઠીક-ઠાક કર્યો. . .
મન ને મનમાં જ મનાવ્યું કે,
હવે તો આજ મારી ‘ઓળખ’ છે. . !
મન ને એ વાત માનવી જ પડી, ને અંતે
દિલ-દિમાગ ના આ તુમુલ યુધ્ધ વચ્ચે
હું માત્ર હું બની ને નહિં. . .
પણ
‘આદર્શ સ્ત્રી’ બની ને જીવ્યે જાઉં છું. . . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply