“કાંચી… એ પછી તે ક્યારેય પ્રેમ ન કર્યો…?”, મેં સિગારેટ પગ નીચે દબાવી, બુજવતા પૂછ્યું.
“કર્યો ને… અલબત એ હવે હું તને આગળ કહીશ એમાં વધુ સારી રીતે સમજી શકાશે…”, કહી એ ગાડીમાં ગોઠવાઈ. ગાડી ફરી હાઇવે પર સડસડાટ કરી પસાર થવા લાગી.
“હવે મારો ટાર્ગેટ, ગાડી નાગપુર સુધી કોન્સ્ન્ટલી ચલાવવાનો છે. અને ત્યાં સુધી પંહોચતા થોડો સમય જશે, એટલે હું સ્પીડ વધારે રાખીશ. સો પ્લીઝ એ બાબતે મને ટોકતો નહી !”
“હા, વાંધો નહી. પણ છતાંય જરા ધ્યાનથી ચલાવજે… !”
“કાંચી પછી શું થયું…?”, મેં પૂછ્યું. એ મને જોઈ હસી અને બોલી, “તને ખરેખર મારી વાતમાં કંઇક વધારે જ પડતો રસ પાડી રહ્યો છે હં….”
મેં કઈ જવાબ ન આપ્યો, બસ એક સ્મિત કરી એને જોઈ રહ્યો.
“હા, તો આપણે ક્યાં હતા…?”
“નોકરી… ! તને નોકરી મળી ત્યાં વાત પંહોચી હતી…”, મેં ઉત્સુકતા સાથે જવાબ આપ્યો.
“હા, યાદ આવ્યું….”
“હા, એ પછી મેં એર ઇન્ડીયામાં નોકરી કરવાનું શરુ કર્યું. મારી એ સફળતાથી મારાથી પણ વધારે ખુશ મારા બાબા હતા ! એમની દીકરી હવે પોતે પગભર થઇ ચુકી હતી, હવામાં ઉડતી થઇ ચુકી હતી ! મને શરૂઆતના થોડાક સમય માટે તકલીફ પણ પડી…. અને ક્યારેક ઇન્ટરનેશનલ લેવલ પર ટ્રાવેલ કરવાનું થતું ત્યારે ખાસ ! અને એ તકલીફ ખાસ કરીને કોમ્યુનીકેશન બાબતે થતી… પણ જેમ બાબાની નોકરીના કારણે હું દેશ આખામાં ફરી હતી, એમ મારી આ નોકરીને કારણે મને દુનિયા આખીમાં ફરવા મળતું હતું !
જાતજાત ના લોકો પ્લેનમાં મુસાફરી કરતા… કોઈક શરીફ તો કોઈક લુચ્ચા પણ ! કોઈક સારી રીતે વર્તતું, તો કોઈક અણગમતો સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરતા ! એવા લોકો માટે એરહોસ્ટેસીસ જાણે માણસ નહી, પણ કોઈ સુંદર ઓબ્જેક્ટ હતી !
ખૈર, એ માર્ગ મેં જાતે પસંદ કર્યો હતો, એટલે વચ્ચે આવતી દરેક મુશ્કેલીઓ પણ મને મંજુર હતી ! અને મને મારી મુશ્કેલીઓ પર રડવું ક્યારેય ગમ્યું પણ નથી !
હું હવે અઠવાડિયા ના ચાર દિવસ ફ્લાઈટમાં જ કાઢતી ! ક્યારેય બે ફ્લાઈટ બદલવી પડતી ત્યારે વિદેશી બજારોમાં પણ ફરવાનો મોકો મળતો… અને એમ હું ફ્રેંચ અને સ્પેનીશ પણ બોલતી થઇ ! હા, બરાબર બોલતા કદાચ ન પણ ફાવે, પણ સમજી શકાય એટલું તો આવડી જ ગયું હતું !
પ્લેનમાં જેમ ખરાબ લોકો પણ મળતા એમ સારા લોકો પણ મળતા. અને મને પ્લેનમાં જ એવા એક સારા માણસ નો પરિચય થયો. અંશુમન ! અંશુમન કપૂર !”
મેં એની તરફ જોયું, એ સહેજ સહેજ હસી રહી હતી… એના વિશેની મારી બધી ધારણાઓ એક પછી એક ખોટી સાબિત થઇ રહી હતી ! માટે હવે કાંચી માટે કોઈ પણ આગોતરું અનુમાન ન કરવું, એમ મેં મનોમન નક્કી કર્યું !
એણે આગળ ચલાવ્યું,
“અંશુમન, મૂળ ચંડીગઢ નો વતની હતો. અને દિલ્હીમાં એ ‘પોતાનો’ બીઝનેસ ચલાવતો હતો ! એ અવારનવાર બીઝનેસ ટુર ના સંદર્ભે વિદેશયાત્રાઓ પર આવ-જા કરતો. અવારનવાર અમે એક જ ફ્લાઈટમાં મુસાફરી કરતા !
શરૂઆતમાં માત્ર એકબીજા ને ચેહરા થી ઓળખતા હતા, અને પછી નામથી ઓળખતા થયા… ધીરે ધીરે અમારી વચ્ચે દોસ્તી થઇ ! એ મારી તરફ આકર્ષણ અનુભવતો હતો, અને મને પણ એનો ખ્યાલ હતો જ ! પણ હવે ‘ઇશાન’ ના ગયા બાદ, હું ફરી આ પ્રેમ, પ્યાર, ઈશ્ક ના ચક્કરોમાં નહોતી પડવા માંગતી ! એક વખત તો દિલ ઘવાયું જ હતું, હવે ફરી એ જ થતું નહોતું જોવા માંગતી. હા, પણ એ મારો સારો મિત્ર બની ગયો હતો !
અમે ક્યારેક વિદેશી બજારોમાં સાથે શોપિંગ કરવા પણ જતા. અમે અવારનવાર ફોન પર વાતો કરતા. એ એની નાની નાની બાબતો વિષે મારી પાસે સુઝાવ માંગતો, મને કહેતો, ‘કાંચી જો તું ના હોત, તો મારું શું થાત..!’
અને હું બસ હસી દેતી. પણ એની વાતમાં કેટલું ગાંભીર્ય છુપાયેલું હતું એ તો મને એ દિવસે ખબર પડી જયારે એ અચાનક જ ઘરે આવી ચડ્યો ! બાબાની મુલાકાત માટે ! હું એને ત્યાં જોઈ લગભગ ચોંકી ઉઠી હતી, અને ત્યાં જ એણે બીજો ધમાકો કર્યો ! એણે બાબા સામે મારી સાથે લગ્ન ની ઈચ્છા દર્શાવી !
હું શરમ ના મારે પાણી પાણી થઇ ગઈ ! મારાથી બાબા સામે એક શબ્દ પણ ન બોલી શકાયો. બાબાએ એને સહેજ ધીરજ રાખવા કહ્યું. અને વિદાય આપી દીધી ! એમણે તેમની રીતે અંશુમન ની તપાસ કરાવી ! અને ‘ઘર-બીઝનેસ’ બધું વેલ-સેટલ્ડ લાગ્યા બાદ, મારી સાથે વાત કરી. અને મારી ઈચ્છા જાણી.
“કાંચી, છોકરો સારો છે. એને પોતાનો બીઝનેસ પણ છે… અને દેખાવડો પણ છે…”
“પણ બાબા…”
“જાણું છું, એ ઇશાન નથી… પણ હવે તારે એમાં ઇશાન ને શોધવાની પણ કોઈ જરૂર નથી ! એ અંશુમન છે, અને અંશુમન જ રેહશે ! જો તારી ઈચ્છા હોય તો હું વાત આગળ વધારું…”
“બાબા… જેમ તમને ઠીક લાગે તેમ…”, કહી હું શરમાઈ ગઈ.
અંશુમન ના ઘરમાં માત્ર એની મા હતી. એ ચંડીગઢમાં રેહતા હતા. અને તેમને અમારા સંબંધથી કોઈ વાંધો ન હતો ! લગભગ એ વાતના બે મહિના બાદ અમારા લગ્ન લેવાયા. અને હું અને અંશુમન પરણી ગયા !
“વ્હોટ…? કાંચી, તું મેરીડ છો… !?”, મેં આંખો ફાડીને એને જોઈ રેહતા પૂછ્યું.
“હા…”, એણે ટૂંકમાં જવાબ આપ્યો.
“હેપ્પીલી મેરીડ.. !?”, મેં ફરી પૂછ્યું. આ સવાલ પૂછ્યા બાદ મને લાગ્યું કે પ્રશ્ન જ તદ્દન વહીયાત હતો !
“હા… એવું કહી તો શકાય જ… !”, સહેજ વિચારીને એણે જવાબ આપ્યો.
“મેં ધાર્યું જ નહોતું, કે તું મેરીડ પણ હોઈશ…!”, મેં નિસાસો નાખતા કહ્યું.
“લેખક સાહેબ, હજી તો એવું ઘણું છે… જે તમે મારા વિષે ક્યારેય વિચારી પણ ન શકો…!”, અને એ ખડખડાટ હસવા માંડી.
“પછી? પછી શું થયું…?”, મેં પૂછ્યું.
“હા, તો હું અને અંશુમન પરણી ગયા. ‘હું તેની મા સાથે ચંદીગઢ રહું’, એવો અંશુમન નો આગ્રહ હતો ! પણ શરૂઆતમાં મને ત્યાંથી નોકરી માટે જવામાં થોડી અગવડ પડતી. પણ મેં ધીરે ધીરે એડજસ્ટ કરવા માંડ્યું !
અંશુમન ને દર બે ત્રણ અઠવાડિયે વિદેશ જવાનું થતું, અને બાકીના દિવસો એ દિલ્હીમાં રેહતો ! મને તેની મા સાથે સેટ થતા, બહુ ઝાઝી અગવડ ન પડી ! અને તેમને પણ મારી સાથે ફાવી ગયું હતું !
થોડો સમય નોકરી કર્યા બાદ, મેં સ્વેચ્છાએ મારી નોકરી છોડી દીધી ! અંશુમન અને તેની મા, બંને એ મારો એ બાબતે વિરોધ પણ કર્યો… પણ હું એક સામાન્ય ગૃહિણી ની જિંદગી જીવવા માંગતી હતી, પોતાની ગૃહસ્થીને વધુ સમય આપવા માંગતી હતી !
ચંડીગઢમાં મને અંશુમન ની મા સ્વરૂપે પોતાની મા મળી હતી. અને એક ભાઈ પણ ! એનું નામ ચાંદ હતું ! ચાંદ શેખ !
ઉંચાઈએ છ ફૂટની કદકાઠિ ધરાવતો, તેમજ મજબુત શરીર બાંધા નો માલિક… ચાંદ શેખ ! એ અમારા પડોશમાં રેહતો હતો. એ થોડાક આડા અવડા કામ કરતો, અને પોતાનું ગુજરાન ચલાવતો ! પણ એ એક નેકદિલ ઇન્સાન હતો… અને અંશુમન ના ઘર સાથે એને સારા સંબંધ હતાં ! અંશુમનની મા ને એ ‘અમીજાન’ કહી બોલાવતો હતો ! ચાંદ, અંશુમન નો નાનપણનો મિત્ર પણ હતો, અને પછી એ મારો પણ મિત્ર બન્યો ! મારા લગ્ન બાદના પહેલાં રક્ષાબંધન પર આવીને એ મને કહે, “કાંચી, મારી કોઈ બહેન નથી. શું તું મારી બહેન બનીશ..?” બસ એ ક્ષણ, એ ક્ષણથી જ એ મારો મિત્ર ની સાથે ભાઈ બન્યો !
ચાંદ, અંશુમન ની મા, હું, અને ચંડીગઢ ! બધું જ વ્યવસ્થિત હતું. અંશુમન પણ રજાઓના સમયે ઘરે આવતા, અને અમે સાથે સમય વિતાવતા. એ ખુબ જ જુસ્સાથી મને ‘પ્રેમ’ કરતા, જાણે કાચી જ ખાઈ જવા માંગતા હોય એમ…!”
એની એવી વાત થી હું જરા શરમાયો, પણ એણે મને અવગણી આગળ ચાલુ રાખ્યું…
“અમારું લગ્ન જીવન એમ જ સુખી રીતે ચાલતું હતું. લગભગ થોડા વર્ષો બાદ મને ગર્ભ પણ રહ્યો ! મા મારું વધારે ધ્યાન રાખવા માંડ્યા. અને અંશુમન પણ બાપ બનવાની ખુશીમાં લગભગ ગાંડો જ થઇ ચુક્યો હતો ! ચાંદ પણ એના આવનારા ભાણેજ માટે ખુબ ઉત્સાહિત હતો ! પણ હું…! હું આ બધાના સ્વપ્ન પુરા ન કરી શકી !
નવ મહિના ના લાંબા ઈન્તેજાર બાદ પણ ઘરે ખુશીઓ ન આવી શકી. મને કસુવાવડ થઇ હતી ! મેં એક મરેલી દીકરી ને જન્મ આપ્યો હતો… !”
એ સાથે કાંચી ની આંખો વહેવા માંડી !
મારાથી એને પૂછવાની હિંમત ન થઈ, કે ‘કાંચી પછી શું થયું…?’
હું બસ એને જોઈ રહ્યો. હમણાં મારી સામે કોઈ સ્ત્રી, કોઈની દીકરી, કે કોઈની પત્ની નહોતી રડી રહી… પણ એક મા રડી રહી હતી !
મન તો થઇ આવ્યું, કે એનું માથું મારી છાતીમાં દબાવી લઉં, અને એને રડવા માટે ખભો પણ આપું ! પણ હું એવું કંઇ પણ કરી શકવા માટે પોતાને હકદાર ગણતો ન હતો ! આખરે ક્યા હકથી હું એને એ ખભો આપતો? કાંચી મારી કોણ હતી? હું એનો શું હતો? એની જિંદગીના એટલા બધા પાત્રો, અને પાસાઓ વચ્ચે હું ક્યાં હતો…? અને જવાબ હતો, ‘ક્યાંય નહી… !’
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |
Leave a Reply