ગુજરાતની પવિત્ર પાવન ભૂમિ એ પૌરાણિક ભૂમિ છે. અઢારેય પુરાણમાં ગુજરાતના વર્ણનો મન મુકીને થયાં છે. ગુજરાત એટલે માત્ર ગુજરાતીઓ એવું તો સાવ નહોતું એ વખતે. આમેય ગુજરાતમાં શક્તિપીઠો પણ સ્થિત છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારિકા પણ ગુજરાતમાં જ સ્થિત હતી.
બે જ્યોતિર્લિંગો પણ ગુજરાતમાં જ આવેલાં છે. ભગવાન હનુમાનજી અને ભગવાન શનિદેવનાં ઘણા પૌરાણિક મંદિરો પણ ગુજરાતમાં સ્થિત છે. ઘણી બધી માતાઓનાં મંદિરો પણ ગુજરાતમાં આવેલાં છે. જેની પૂજા અને દર્શન લોકો આજે હોંશે હોંશે કરે જ છે. આવાં કેટલાંક મંદિરો ભલે જાણીતા ના હોય પણ એ જગ્યા અને એ સ્થાન પૌરાણિક કાળ સાથે જોડાયેલું છે. એ તો આપણે જ્યારે ત્યાં જઈએ કે એને વિષે વાંચીએ ત્યારે જ ખબર પડે છે. કે આ જગ્યા કેટલી જૂની છે. દેવાધિદેવ મહાદેવનાં આવાં ઘણાં મંદિરો અને શિવલિંગો ગુજરાતમાં આવેલાં છે.
જેને વિષે કદાચ આપણને ખ્યાલ નથી અથવા અપને એ વિષે ઓછું જાણીએ છીએ. જાણવું એ એક બાબત છે અને ત્યાં જઈને જોઈને એ વિષે જાણવું-માણવું એ બીજી બાબત છે. સારી વસ્તુ એ ગણાય કે જાતે ત્યાં જઈને એ વિષે વધુને વધુ જાણકારી પ્રાપ્ત કરવી. નેટનાં વ્યાપક ઉપયોગ અને સોશિયલ મીડિયાની જાગરુકતાને કારણે આ શક્ય બન્યું છે. ન્યુઝ ચેનલો અને છાપાંઓ અને હવે એ સંસ્કૃતિની ઝાંખી કરાવતી વેબસાઇટો પણ આપણને ત્યાં જવાં,જોવાં અને જાણવાં માટે પ્રેરે છે. ત્યાં જઈને જયારે જોઈએ છે. ને ત્યારે ખબર પડે છે. કે આ જગ્યા તો ખરેખર સુંદર અને પૌરાણિક છે. ત્યારે આપણું મન ખુશીઓથી ભર્યુંભર્યું થઇ જાય છે અને આજ ખુશી આપણા મનમાં લાંબો સમય સુધી રહેતી હોય છે.
ગુજરાતમાં દરીયા કિનારો બહુ જ લાંબો છે. પણ પહાડોમાં ગુજરાત પાછળ પડે છે. એટલે પહાડો કે બહુ ઉંચી જગ્યાએ આ શિવમંદિરો સ્થિત નથી પણ દરિયાકિનારે કે નદી કિનારે એવં બે નદીનાં સંગમ સ્થાને આવાં શિવ મંદિરો સ્થિત છે. ક્યારેક આપણે દરીયાનાં પાણીમાં થઈને આ મંદિરોમાં જવું પડતું હોય છે. તો કયારેક નદીનાં પાણીમાં થઈને આવાં મંદિરો જોવાં કે દર્શન કરવાં જવું પડતું હોય છે. જેની મજા અનેરી જ હોય છે. આવી મજા કે એ પ્રવાસનો લુફ્ત કોઈએ પણઉ ઠાવવો જ જોઈએ.
આપણે દેશમાં ઘૂમીએ છીએ દરમહિને પુનમો ભરીએ છીએ, વિદેશયાત્રાઓ કરીએ છીએ, ચીન-જાપાન કે થાઈલેન્ડના બૌદ્ધ મંદિરો જોઇને આપણે અભિભૂત થઇ જઈએ છીએ પણ આપણે જે ધર્મના છીએ કે જે સંસ્કૃતિ આપણી જ છે. એ વિષે એક ઉદાસીનતા મનમાં પ્રવર્તે છે. એ જોવાંમાં કે એ વિશે જાણવામાં આપણે ઢીલ કરતાં હોઈએ છીએ. આવું તો ન જ થવું જોઈએ અને ના જ કરવું જોઈએ કોઈએ પણ. આવાં સ્થાનો ભલે ઐતિહાસિક ના હોય કે ભલે એ એ પૌરાણિક ના હોય પણ મંદિર એ મંદિર છે. અને લોકોની આસ્થા અને શ્રધા જ આપણને તો અન્યોનન્યને ત્યાં જવા માટે પ્રેરતી જ હોય છે. આવા સ્થાનો આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી બહુ દૂર હોતાં જ નથી. અમદાવાદ હોય કે ભાવનગર હોય રાજકોટ હોય કે જામનગર હોય, જુનાગઢ હોય કે સુરેન્દ્રનગર હોય, હિંમતનગર હોય કે મહેસાણા હોય, ભરૂચ હોય કે સુરત હોય આવાં સ્થાનો ત્યાંથી નજીક જ છે અને એ એકદિવસીય પીકનીક કે દર્શન માટે યથાયોગ્ય જ છે.
સપ્તેશ્વર એ અમદાવાદથી હિંમતનગર થઈને ઇડર જતાં ત્યાંથી મહેસાણા જિલ્લાની સરહદને અડીને આ ઇડર તાલુકાનું જ ગામ છે. જે વિજયનગર તરફ રસ્તામાં એક ફાંટો આવે છે. ત્યાંથી નજીક પડે છે. સપ્તેશ્વર ઇડરથી ૩૩ કી.મી. અને હિંમતનગરથી ૩૦ કી.મી અંતરે આવેલું છે. ઇડરથી દાવડ થઇને આરસોડીયા અને ત્યાંથી ૨ કી.મી. અંતરે આવેલુ છે. આ અંતર એટલાં માટે આપું છું કે કોઈને ત્યાં જવું હોય તો તે જઈ શકાય, જયારે હિંમતનગરથી ઇલોલ થઈને દાવડ આવવું પડે છે. એટલે કહેવાનો મતલબ એ છે. કે આ મદાવાદ્થી માંડ ૧૨૦-૧૨૫ કિલોમીટર જ દૂર હશે. સપ્તેશ્વર નામ જોતાં જ એ મહાદેવજીના મંદિર સાથે સંકળાયેલું નામ હશે એ ફલિત તો થઇ જ જાય છે. આ નામ સાંભળતાં જ આપણા મનમાં સહેજે ખ્યાલ આવે કે હિન્દૂ ધર્મમાં સાતનો આંકડો બહુજ પવિત્ર માનવામાં આવે છે. સાત વાર….સપ્તપદી અને સપ્તર્ષિ (સાત ઋષિઓ ) મહાદેવજીને વાર સાથે તો સંકળાય નહીં અને સપ્તપદી સાથે પણ ના જ સંકળાય એટલે સહેજે આપણાં મનમાં સપ્તર્ષિનો ખ્યાલ આવ્યાં વગર રહે જ નહીં
👉 આ મંદિર એ ખરેખર સપ્તર્ષિ સાથે જ સંકળાયેલું છે. પહેલાં એ જાણી લેવું અત્યંત આવશ્યક ગાણાય કે એ સાત ઋષિઓ જે આકાશગંગામાં સપ્તર્ષિ તારા રૂપે પ્રકાશમાન છે. એમના નામ ક્યાં છે. આ રહ્યાં એ નામો
[૧] ક્રતુ [૨] પુલહ [૩] પુલસ્ત્ય [૪] અત્રિ [૫] અંગિરા [૬] વસિષ્ઠ [૭] મરીચિ
👉 પણ અહીં જેમણે તપશ્ચર્યા કરી હતી એ આપણા પવિત્ર હિંદુ ધર્મગ્રંથ પ્રમાણે જે સાત ઋષિઓ છે. એમનાં નામ આ પ્રમાણે છે.
[૧] કશ્યપ [૨] વસિષ્ઠ [૩] વિશ્વામિત્ર [૪] ભારદ્વાજ [૫] અત્રિ [૬] જમદગ્નિ [૭] ગૌતમ
આ સ્થળ એવું કહેવાય છે. કે એવું માનવામાં આવે છે. કે એ ત્રેતાયુગનું છે. કારણ કે આ ઋષિઓ એ યુગમાં થયાં હતાં અને એ સમયમાં પ્રચલિત ખગોળવિદ્યા સાથે સંકળાયેલું છે. જો કે એ સમયની ખગોળવિદ્યા એ અત્યારનાં જ્યોતિષ કરતાં વધારે સારી, પણ ત્રેતાયુગમાં ખગોળ હતું. પણ ખગોળવિદ્યા કેટલી પ્રચલિત હતી તે સંશોધનનો વિષય બને ખરો…
કદાચ એવું હોય કે આ જગ્યા જ્યોતિષશાસ્ત્ર માટે અનુકુળ હોય અથવા જાણીતી હોય, એટલે જ એ જ્ઞાન મેળવવાં માટે કે તપશ્ચર્યા કરવાં માટે કારગત સાબિત થઇ હશે એમ માનવું પણ જરાય ખોટું નથી.
આકાશના સાત તારાઓ સપ્તર્ષિઓ. સમય આજથી ૩૪૦૦ વર્ષ પહેલાંનો જ્યારે આ તારાઓ એ આકાશગંગાનો જ એક ભાગ છે. એટલે તાળો મેળવવા માટે એમ કહી દેવાયું છે. કે અહી આ સાતેય ઋષિઓએ ખગોળવિદ્યાનું જ્ઞાન મેળવ્યું હતું. આ ઋષિઓ તારાઓ પછી થયાં છે. અને બાય ધ વે એમનાં ખગોળીય જ્ઞાનને લીધે તારાં નથી બન્યાં. ખેર જે હોય તે હોય પણ આ જગ્યા પૌરાણિક છે. જ એમાં કોઈ બેમત નથી. એટલાં જ આ સાતેય ઋષિઓએ આ સ્થળે તપસ્યા કરી હતીઅને અહીં શિવલીંગની સ્થાપના કરી હતી. આ સાતેયઋષિઓએ એકસાથે આ સમયકાળ દરમિયાન અહીં તપશ્ચર્યા કરી હતી એટલે એને સપ્તેશ્વર મહાદેવ કહેવાય છે. આ મંદિરને સપ્તનાથ મહાદેવ પણ કહેવાય છે.
જગ્યા પૌરાણિક હોય એનો અર્થ શું ? એનો અર્થ એક જ કે આ જગ્યાનો ઉલ્લેખ પુરાણોમાં કે આપણા પવિત્ર ધર્મગ્રંથોમાં થયો છે. એટલે કે એને લગતી કથાઓ પણ હોય જ આવી કથાઓ આ સ્થળ માટેની પણ છે. જ
મહાભારતનાં આદિપર્વ અનુસાર આ સાતેય ઋષિઓ અતિરથી અર્જુનના જન્મ સમયે ઉપસ્થિત હતાં. એ તો જાણીતી જ વાત છે. કે અર્જુન એ ઈન્દ્રપુત્ર હતો. પછી જયારે કુરુક્ષેત્રમાં યુદ્ધની નોબત આવી અને યુદ્ધ અનિવાર્ય બની ગયું. ત્યારે આ સાતેય ઋષિઓએ એકસાથે ભેગાં મળીને આ કુરુક્ષેત્રનું યુદ્ધ ના થાય એ માટે દ્રોણાચાર્યને વિનંતી કરી હતી. જ્યારે મહાભારતનાં અનુશાસન પર્વમાં એ વાત પણ આવે છે. કે આ સપ્તર્ષિઓ મહામયી પિતામહ ભીષ્મની બાણશય્યા વખતે પણ તેઓ ત્યાં ઉપસ્થિત હતાં
જ્યારે મહાભારતનાં આદિપર્વમાં એક વાત આવે છે. જયારે રાજા વ્રષધરણીએ યજ્ઞથી કૃત્યા નામે એક રાક્ષસણી પેદા કરી હતી, તેને સપ્તર્ષિઓએ પોતે પોતાની સાચી ઓળખ આપીને તેનાથી છૂટકારો મેળવ્યો હતો. વળી આ ઋષિઓ ઈન્દ્રએ જેટલી સભાઓ ભરી હતી એમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બધાં ઋષિઓ એ ઉઉત્ત્ર દિશા તરફના ઋષિઓ હોવાથી એક ધારણા એવી પણ બાંધવાનું મન થાય છે. કે આ સાત ઋષિઓનો સંબંધ આકાશમાં આવેલ સપ્તર્ષિ તારામંડળ સાથે તો નથીને…? આ માત્ર એક ધારણા જ છે. ધારણા કરવાનું મન એટલાં માટે થાય છે. કે અહી એમણે તપશ્ચર્યા તો એક સ્વયંભુ શિવલીંગની જ કરી હતી. પણ એમની તપશ્ચર્યા પૂરી થઇ અને એમણે જે બ્રહ્મજ્ઞાન લાધ્યું એની ફલશ્રુતિ રૂપે એમણે અહીં સાત શિવલિંગની સ્થાપના કરી.
આ સાતેય શિવલિંગ જો ઉપરથી જોઇને કે એને નજીકથી જોઈએને તો એ આકાશગંગામાં જે રીતે સપ્તર્ષિઓ આવેલાં છે. અને જે રીતે દેખાય છે. એવાં જ આ શિવલિંગો લાગે છે. તેઓએ એક સાથે તપશ્ચર્યા કરી હતી કે જુદાજુદા સમયે તે આનાથી તો ફલિત થતું જ નથી. પણ એવું માનવામાં આવે છે. કે કદાચ આ સાતેય ઋષિઓએ એકસાથે તપશ્ચર્યા કરી હોય. માનવું એક બાબત છે. અને હકીકત એ બીજી બાબત છે. પણ આપણે માની માની લઈએ છીએ કારણકે એ આપણા ધર્મ સાથે સંકળાયેલું છે. ધર્મમાં બહુ પડપૂછ સારી નહીં. હા ઈતિહાસ હોય તો વાત જુદી છે.
આનો ઉલ્લેખ થયેલો હોવાથી એ ખોટું છે. એવું માનવાની જરાય ભૂલ ના જ કરાય. બીજી એક બાબત ધ્યાન ખેંચે એવી એ છે. કે જો મહાભારતમાં ઉલ્લેખ થયો હોય કે પુરાણોમાં ઉલ્લેખ થાય હોય એવાં સ્થળો કે મંદિરો કે શિવલિંગો સૌરાષ્ટ્રમાં વધારે છે. કે સૌરાષ્ટ્રને જોડતાં રસ્તાઓ પર વધારે છે. જેમ કે ધોળકા, ગણપતપુરા, ભીમપુરા વગેરે…
સૌરાષ્ટ્રમાં તો ઠેર ઠેર ઠેકાણે પૌરાણિક સ્થળો છે. હવે જો ઉત્તરગુજરાતમાં આવું સ્થળ હોય તે તે નાવીન્ય જ ગણાય. આ પૌરાણિક સ્થળ છે. એવું સંશોધન હમણાં હમણાં જ થયું છે. થોડાંક જ વર્ષો પહેલાં ગુજરાત સરકારનાં ગઠબંધન આયુક્તે આ જગ્યાનો પ્રવાસ કર્યો હતો એમણે આ સ્થળની પુરતી તપાસ કરી અને એ તારણ કાઢયું કે આ જગ્યા ત્રેતાયુગની છે અને સીધો સંબંધ જયોતિષ સાથે છે. સાત સાત શિવલિંગો જે રીતે સ્થિત છે. એ બિલકુલ સપ્તર્ષિઓજે રીતે આકાશમાં જોવાં મળે છે. બિલકુલ એ જ રીતે અહીંયા જોવાં મળે છે. એ જ દિશામાં, એ જ આકારમાં… એટલે કદાચ આ સ્થળ સાથે પૌરાણિક નામો જોડી દેવામાં આવ્યાં હોય એવું પણ બને. સ્વયંભુ શિવલિંગો તો આમેય ગુજરાતમાં ઘણાં જ છે. એ બધાં કયારે પ્રગટ થયાં એ વિષે અનેક દંતકથાઓ અને કિવદંતીઓ પ્રચલિત છે.
સોમનાથ અને નાગેશ્વર તો જ્યોતિર્લિંગ છે. એ સીવાય પણ ત્યાં ઘણી પૌરાણિક જગ્યાઓ છે. બાકી… કુરુક્ષેત્ર -હસ્તિનાપુર અને ઉત્તરગુજરાતનાં આવાં પૌરાણિક સ્થળો સાથે મેળ ખાતો નથી. હા એક સિદ્ધપુર આવું સ્થળ છે. એનો સીધો સંબંધ ઋષિઓ સાથે છે. પણ સિદ્ધપુરમાં પણ કથાઓ જ વધારે છે અને તથ્ય ઓછું… પણ ધર્મની વાત છે એટલે આપને માની લઈએ એ સ્થળનો પુરાણોમાં ઉલ્લેખ જરૂર થયો છે. પણ એમાં કપિલ મુનિનો ઉલ્લેખ વધારે થયો છે.
જ્યારે અહીં વસિષ્ઠ, વિશ્વામિત્ર,અત્રિ ,ગૌતમ,કશ્યપ, ભારદ્વાજ અને જમદગ્નિ જેવાં મહાન ઋષિઓ અને તપસ્વીઓનો ઉલ્લેખ થયો છે. જો કે ખરેખર તેઓ સાતે અહી ઉપસ્થિત હતાં તે એક સવાલ જરૂર પેદા થાય છે મનમાં. તેમાં વળી આ લોકોએ એવું પણ સાબિત કર્યું કે આ જગ્યા એ ઇસવીસનનાં ૧૫૦૦ વર્ષ પહેલાની છે. એટલે કે ૩૪૦૦ વર્ષ પુરાણી. જ્યારે મહાભારતકાળ એ ૫૦૦૦ થી ૫૫૦૦ વર્ષ પુરાણો છે. મહાભારત જ જો પહેલાં થયું હોય તો આ ઋષિઓ પાછળથી ક્યાંથી થયાં ?
ગાયત્રી મંત્રની રચના પણ ૫૦૦૦ વર્ષ પૂર્વે થઇ હતી, વસિષ્ઠ મુનિ તો રામાયણકાળમાં પણ હતાં. જ્યારે જમદગ્નિ તો ભગવાન પરશુરામજીનાં પિતા થાય અત્રિ ઋષિ તો વેદકાળ જેટલાં પુરાણા છે. અને એજ ઋગ્વેદનાં દ્રષ્ટા છે. હા… એમનો ઉલ્લેખ જરૂર પુરાણોમાં અને મહાભારતમાં થયેલો છે. રામાયણમાં પણ એક અધ્યાય એમનાં વિષે છે. ભારદ્વાજ ઋષિ પણ અતિ પુરાણા છે અને એમ કહેવાય છે કે તેઓ પ્રયાગના પ્રથમ વાસી હતાં. જ્યારે ગૌતમ ઋષિ પણ અતિપ્રાચીન હતાં અને કશ્યપ ઋષિ પણ વેદકાલીન હતાં
હવે વાત મહાભારત મહાકાવ્યની રચનાકાળની તો એ વિષે મતમતાંર પ્રવર્તે છે. મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત ઈસવીસનનાં ૩૧૦૦ વર્ષ પહેલાં રચ્યું હતું. બીજી વાર વૈશમ્પાયને લગભગ આ જ સમય માં પરીક્ષિત પુત્ર જનમેજયને અને ત્યાં ઉપસ્થિત રહેલાં તમામ ઋષિઓને આ કથા સંભળાવી હતી. ત્રીજી વાર વૈશમ્પાયને ઇસવીસનની ૨૦૦૦ વર્ષ પહેલાં રચ્યું હતું, એની પછી એ ઇસવીસનનાં ૧૨૦૦થી ૬૦૦ વર્ષ પહેલાં સુતજી એ આ વાર્તા ઋષિમુનિઓને કહી હતી. આ મહાભારત કથા પુરાણ છોડી દઈએ તો પણ એ સાબિત નથી નથી થતું કે આ બધાં ઋષિઓ ૩૪૦૦ વર્ષ પહેલાં થયાં હોય. તાત્પર્ય એ કે એ બધાં ૫૦૦૦ થી ૫૫૦૦ વર્ષ પ્રાચીન છે.
જો કે આ બધાં ઋષિઓ દિર્ઘકાળ સુધી જીવતાં હતાં એ વાત તો સાચી પણ એનાથી એ સાબિત તો નથી થતું કે એમણે આ સપ્તેશ્વારમાં જ તપસ્યા કરી હતી અને એમણે જ્યોતિષનું વધુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ૩૪૦૦ વર્ષ આ સ્થળ એટલેકે શિવલિંગ પુરાણું હશે એ વાત સ્વીકાર્ય છે. આમ તો પણ એમાં આ સપ્તર્ષિઓની વાત બિલકુલ સ્વીકાર્ય નથી. ક્યાંય કશો ઉલ્લેખ છે ખરો આ સ્થળનો કે કોઈ નક્કર પુરાવો છે ખરો કે આ જ સ્થળે આ સાતેય ઋષિઓએ તપસ્યા કરી હતી ?
શિવલિંગની સ્થાપના કોણે કરી એ કહેવું ખરેખર કઠીન છે કે કઈ રીતે કે કોના કહેવાથી અહીં પ્રગટ થયું એ બધી વાર્તાઓ જ છે. અને અહી છે એટલુ જ મહત્વનું છે અને એ જ આસ્થા અને શ્રધાનું પ્રતિક પણ છે. વધારે મહત્વનું આ છે અને બીજું જો મહત્વનું હોય તો આ રમણીય સ્થાન એને જ પ્રાધાન્ય આપાય વળી. અહીંનાં સ્થાનિક લોકોએ આહીં મંદિર બાંધ્યું છે અને અહી સાત શિવલિંગો હોવાથી એને સપ્તેશ્વર મહાદેવ એવું નામ આપ્યું છે.
આપણે પૌરાણિક કથાઓને મહત્વ આપીએ છીએ જે જરાય ખોટું નથી. પણ આ ભગવાન શંકરનું અતિપ્રાચીન સ્થળ છે એટલે થોડુંક ભગવાન શિવજી વિશે પણ જાણી જ લેવું જોઈએ
👉 ભગવાન શિવ
દેવાધિદેવ મહાદેવ હિંદુ ધર્મનાં પ્રમુખ દેવતાઓમાંનાં એક છે. ભગવાન શિવજીનું શૈવવાદની અંદર જ એમનું અસ્તિત્વ છે. આ શૈવવાદ એ સમકાલીન હિન્દુધર્મની પ્રમુખ પરંપરાઓમાંની એક મુખ્ય પરંપરા છે. ભગવાન શિવજીને ત્રિમૂર્તિ અંતર્ગત “વિદ્વંસક અને ટ્રાન્સફોર્મર”રૂપે ઓળખવામાં આવે છે. હિંદુ ટ્રીનીટીએટલે કે ત્રિદેવ જેમાં ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ પણ સામેલ છે. શૈવવાદ પરંપરામાં ભગવાન શિવજી જ સર્વોચ્ચ છે. જે બ્રહ્માંડના નિર્માતા છે.અને એ જ સમગ્ર સૃષ્ટિને સંરક્ષિત કરે છે. અને એને જરૂર પડે તો બદલી પણ નાંખી શકે છે. શક્તિવાદએ દેવી અથવા દેવી નામની હિંદુ ધર્મની પરંપરામાં સર્વોચ્ચરૂપમાં વર્ણિત છે. તેમ છતાં પણ ભગવાન શિવજીને ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુસાથે સમ્માનિત કરવામાં આવ્યાં છે. દેવીને પ્રત્યેકની ઉર્જા અને રચનાત્મક શક્તિ (શક્તિ) કહેવામાં આવે છે. જેમાં દેવી પાર્વતી (સતી)ભગવાન શિવજીની પુરક સાથી હોય છે. અને એમની પત્ની પણ… જે હિંદુ ધર્મની સમારતા પરંપરાની પંચાયતન પૂજામાં પાંચ સમકક્ષ દેવતાઓમાંનાં એક છે.
શૈવવાદ સંપ્રદાય અનુસાર ભગવાન શિવજીનું ઉચ્ચતમ રૂપ નિરર્થક, અસીમિત, ઉત્કૃષ્ટ અને અપરિવર્તનીય પૂર્ણ બ્રાહ્મણ છે અને બ્રહ્માંડનો પ્રારંભિક આત્મા (આત્મા, સ્વયં) છે. ભગવાન શિવનું બહુજ ઉદાર અને ભયભીત ચિત્રણ છે. ઉદાર પહેલુઓમાં એમને એક સર્વજ્ઞાની યોગીનાં રૂપમાં ચિત્રિત કરવામાં આવ્યાં છે. જેઓ કૈલાશ પર્વત પર એક તપસ્વી જીવનની સાથોસાથ પત્ની પાર્વતી અને માં બે મહાન બાળકો ભગવાન ગણેશજી અને ભગવાન કાર્તિકેયજી સાથે એક ગૃહસ્થ જીવન પણ વિતાવે છે. પોતાનાં અતિભયંકર સ્વરૂપમાં એમને પ્રાય: રાક્ષસોને મારવાનું પણ ચિત્રણ થયેલું છે.
ભગવાન શિવજીને યોગયોગીશિવ પણ કહેવામાં આવે છે. જેમને યોગ, ધ્યાન અને કલાનાં સંરક્ષક દેવતાનાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીને ભ્રામન કહેવા આવે છે. જેમને પરભ્રમન એટલેકે પરિભ્રમણ કરનારાંપણ કહી શકાય છે. શિવનો એક અર્થ શૂન્યતા પણ છે. શબ્દ શિવોહમનો અર્થ થાય છે એક વ્યક્તિની સંવેદના. ભગવાન કહે છે કે એ સર્વજ્ઞ છે અને સર્વવ્યાપી છે. કારણ કે એ કોઈનામાં પણ ચેતનારૂપે મૌજુદ છે.
તામિલમાં ભગવાન શિવજીને શિવાન સિવાય જુદાં જુદાં નામોથી બોલાવવામાં આવે છે. નટરાજા (શિવજીનું તાંડવનૃત્ય સ્વરૂપ) રુદ્ર (શિવનું ગુસ્સાવાળું રૂપ) અને ઢક્ષિનમોર્થી(શિવનું યોગ રૂપ) નટરાજ શિવનું એકમાત્ર રૂપ છે. જે માનવ આકૃતિ પ્રારૂપમાં પૂજવામાં આવતાં હોય છે. તો ક્યાંક લિંગમ આકૃતિમાં પૂજવામાં આવે છે. પંચ ભારત બુઢ મંદિર દક્ષિણ ભારતમાં સ્થિત છે. પંચ ભટ્ટા સ્ટાલમ જે તામિલ સાહિત્ય સમૃદ્ધ ભક્તો દ્વારા સમૃદ્ધ છે. જેને ૬૩ નયનમાર (નયનાર) કહેવામાં આવે છે.
સંસ્કૃત શબ્દ શિવ નો અર્થ થાય છે શુભ, પ્રવીણ, દયાળુ, સૌમ્ય, દોસ્તાના. લોક વ્યુત્પત્તિ વિજ્ઞાનમાં શિવની જડો છે એનો અર્થ થાય છે અનુગ્રહનો અવતાર. ભગવાન શંકર જે ડમરું વગાડતાં હતાં અને એમાંથી જે કર્ણપ્રિય અવાજ આવતો હતો તે જ છે. “ઓમ”. ભગવાન શિવજી વિશે બીજી વાતો હજી જે જ્યોતિર્લીંગો બાકી છે. એમાં અથવા બીજાં શિવમંદિરો વિષે વાત કરીશું ત્યારે કરીશું અત્યારે આટલું પુરતું છે. આ અહી લખવાનું કારણ એ છે કે પુરાણોમાં જે કથા હોય એ કથા જ છે. જ્યારે ભગવાન શિવજી એ ભગવાન શિવ જ છે. કોઈ તુલના માટે આ નથી લખ્યું માત્ર આ જાણકારી બધાં મેળવે એ હેતુસર જ લખ્યું છે.
આ મંદિર એ કુદરતી સૌન્દર્યથી ભરપુર એવી જગ્યાએ સ્થિત છે. ડાભોલઅને સાબરમતી નદીના સંગમસ્થાને આવેલું છે. એટલે પણ એનું મહત્વ વધી જાય છે. આ મંદિર તરફ જવાનો રસ્તો સીધો સાદો અને કુદરતી સૌન્દર્યથી ભરેલો છે. રરતો જ્યાં પૂરો થાય છે. ત્યાં જ આ મંદિર સ્થિત છે. પછી સીધી નદી જ આવે છે. ગાડી કે દ્વિચક્રી વાહનો પાર્ક કર્યા પછી આજુબાજુ બે ચા અને ભજીયાની દુકાનો પસાર કર્યા પછી આજુ બાજુ બે નાનાં મંદિરો છે. એની વચમાં દસેક પગથિયાં ઉતરીને નદીમાં જ આ મંદિર સ્થિત છે. મંદિર આમ તો સીધું સાદું છે. પણ એનું પૌરાણિક મહત્વ અને માનતા બહુજ છે. સામે કિનારે ટેકરીઓ પર વનરાજી આપની રાહ જોતી હોય એવું લાગે છે. આજુબાજુનાં દ્રશ્યો પણ મનમોહક છે. જો નદીમાં પાણી હોય તો પાણીમાં થઈને જ આ મંદીરમાં જઈ શકાય છે.
આ મંદિર નદીમાં ચારેબાજુએથી થાંભલા પર એને ઉભું કરવામાં આવ્યું છે. જો નદીમાં પાણી આવે તો થાંભલા પાણીમાં ડૂબી જાય છે. અને મંદિરનાં ગર્ભગૃહમાં પણ પાણી ભરાઈ જાય છે. આ મંદિરની એક વિશેષતા એ એ થાંભલાઓની બરોબર ઉપર બંધાવેલી અગાસીમાંથી એ વચ્ચે ઉભું કરાયેલું છે. આ મંદિરની અગાસીમાંથી આજુબાજુની રમણીયતા માણી શકાય છે. અને સાબરમતીને મનભરીને જોઈ શકાય છે. મંદિરની ટોચ સુધી પણ શકાય છે. કારણકે એક સીડી ત્યાં પણ મુકવામાં આવેલી જ છે. આ મંદિર પહોળું નથી પણ ઊંચું છે. જે પહેલી નજરે જુઓ તો તમને પંઢરપુરના વિઠોબા મંદિરની યાદ આવ્યાં વગર રહે નહિ બિલકુલ એ રીતે જ મંદિર બનાવવામાં આવ્યું છે. ફર્ક એટલો જ છે કે એ ગોદાવરી નદીના કિનારે છે. અને આ તો ડાભોલ- સાબરમતીના સંગમ સ્થાને એટલે કે નદીમાં જ છે.
આ મંદીરમાં સામેથી નહી પણ પાછળથી જવાય છે. એક કુંડ છે. જેમાં ગૌમુખ દ્વારા પાણી પડતું હોય છે. તેમાં નહિ પણ શકાય છે. એ કુંડ અને આ મંદિર વચ્ચે થોડાંક પગથિયાં ઉતરીને આ મંદીરમાં જવાય છે. પગથિયાં બન્ને બાજુએ છે. પગથીયાં જ્યાં પુરા થાય છે. ત્યાં પણ એ કુંડમાંથી ગૌમુખમાંથી પાણી પડે છે. જે આ મંદીરમાં પણ જાય છે. કોઈ ગુફામાં દાખલ થઈએ એમ આપણે આ મંદીરમાં દાખલ થવું પડે છે. રસ્તો સાંકડો છે. એમાં પણ ડાબી બાજુએથી ગૌમુખમાંથી પાણી પડે છે. પછી જ ગર્ભગૃહ આવે છે. એ પણ કોઈ ગુફા જેવું જ છે. એમાં દાખલ થતાં જ આપણે જાણે પૌરાણિક જગ્યાએ ના આવ્યાં હોઈએ એવું લાગ્યાં વગર રહેતું નથી, જે આપણે માનીએ છીએ ખરેખર એવું જ છે.
અહીં પણ ૨-૩ ઠેકાણેથી ગૌમુખમાંથી જળધારા પડે છે. જેમાંની એક સીધી શિવલિંગ પર પડે છે. આ મુખ્ય શિવલિંગ એ સ્વયંભુ છે. સપ્તેશ્વર મહાદેવના આ પવિત્ર સ્થાનમાં મંદિરના શિવલિંગની ઉપર ગૌમુખમાંથી સતત પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે. અને કુદરતી રીતે શિવલિંગને શુધ્ધ કરે છે. આ ધારાઓ ક્યાંથી આવે છે. તે આજસુધી કોઈને ખબર નથી. જળધારાનું આ પાણી વહીને બહારના એક કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે છે. આમાં નદીના પાણી કરતાં કુંડનું પાણી જે ગૌમુખ દ્વારા બહાર આવે છે. એ વધારે મહત્વનું છે. માત્ર એટલું જ નહિ પણ મંદિરની અંદર પણ એ ધારાઓ વહેતી રહેતી હોય છે. જે જયાએ પાને ચાલીને અંદર જઈએ છીએ તે જગ્યાએ પાણી સતત પડતું હોય છે. એટલે આપને પાણીમાં ચાલીને જવું પડતું હોય છે. પગ થોડાં આપણા ડૂબેલાં રહે છે. એટલે અને જો નદીમાં પાણી આવે તો એનાથી આપણે પણ પાણીમાં ચાલીને જ મંદિરનાં ગર્ભગૃહમાં શિવલિંગ કે શિવલિંગોનાં દર્શન કરવાં જવું પડતું હોય છે.
અંદરનું દ્રશ્ય બિલકુલ ગુફા જેવું જ છે. એ જોતાં આપણને એની પ્રાચીનતાનો એહસાસ થયાં વગર રહે નહીં દર્શન ખરેખર અદભૂત છે. સાત સાત શિવલિંગો અને સાતેય પર જલધારાઓ પડતી હોય એ દ્રશ્ય જ મનભાવક હોય છે. એક સાથે સાતેય શિવલિંગોનાં દર્શ કરવાં એ આકાશગંગાનાં સપ્તર્ષિઓને નજીકથી જોવાં બરોબર જ છે. એક નવોજ અનુભવ અને ઈશ્વર સાથેનું તાદાત્મ્ય સધાય છે. એપણ એટલી જ સાચી વાત છે. આ પાણી ક્યાંથી આવે છે. એ એક પ્રશ્ન છે ખરો સૌનાં મનમાં, લોકોએ આ જળધારાનું નામ “શિવગંગા ” રાખ્યું છે. પણ અંદરના શિવલિંગોનાં દર્શન કરવાં એ ખરેખર એક લ્હાવો છે.
હવે તો મહેસાણા અને સાબરકાંઠાને જોડતો એક પુલ પણ થઇ ગયો છે. અહી નજીકમાં જ એક રાધા-કૃષ્ણનું કાચનું મંદિર પણ છે. એક વૃધ્ધાશ્રમ પણ અહી બાંધવામાં આવ્યો છે. જ્યાં લોકો રહે જ છે. સૌથી મહત્વની વાત તો એ છે. કે અહી એક અતિસુંદર ધર્મશાળા પણ બાંધવામાં આવી છે. જ્યાં રાતવાસો કરીને આ સુંદરતા માણી શકાય છે. અને એકાંતનો અનુભવ કરી જ શકાય છે. અવ સ્થળોએ સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ પીકનીક પર વધુ આવતાં જતાં થયાં છે. પણ એ લોકોને અહી લાવતાં પહેલાં આ સ્થળ કે અજુઅજુના સ્થળો વિષે થોડાં માહિતગાર કરીને લાવવાં જોઈએ એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે. તો જ આ પેઢીને પૌરાણિક સ્થળોમાં રૂચી વધશે. હવે આ સ્થળે વધુને વધુ લોકો આવતાં થયાં છે. આમતો કેટલાંય વર્ષોથી અહી લોકો આવે જ અને દર્શન કરીને પોતાની જાતને ધન્ય મને છે. આસ્થળે શ્રાવણ મહિનામાં મેળો પણ ભરાય છે. જેમાં મોટી સંખ્યમાં લોકો હોંશે હોંશે ભાગ લે છે. મહાશિવરાત્રીએ પણ અહી ઉત્સવનું આયોજન થાય છે. ઉત્સવપ્રિય ગુજરતી પ્રજા આવો અનેરો અવસર કયારેય જવા ન જ દે
આ સ્થળ અત્યંત રમણીય છે. વારંવાર માણવા જેવું છે. પૌરાણિકતામાં માનવું હોય તો માનવાનું અને ન માનવું હોય તો નહીં માનવાનું બાકી એ પ્રાચીન તો છે. જ અને આ પ્રાચીનતાના સ્પર્શનો એહસાસ જ એક નવી અનુભૂતિ કરાવવા માટે પુરતો છે. આવાં સ્થળો જેટલી માણવા મળે એટલીવાર માણી લેવા જોઈએ એ જ જીવનભરનું ટોનિક બની જાય કોને ખબર ? આ સ્થળ મહત્વનું છે. એની પ્રાકૃતિક્તાને કારણે અને એ માણવા અને અને દર્શન કરી પવન થવાં તો જીવનમાં એક વાર તો આવાં સ્થળે જવું જ જોઈએ તો જઈ આવજો બધાં…
સંકલન ~ જનમેજય અધ્વર્યુ
વિષય : ટ્રાવેલિંગ ટોક
Leave a Reply