સ્વૈરવિહાર માત્ર દૈહિક ના હોવો જોઈએ. એ આત્મીય અને આંતરમનથી થાય એ અત્યંત જરૂરી છે. આવો પ્રવાસ જયારે થાય ત્યારે ખરો
આપણે નેટ પર ફરવું પણ ઘણું જ સારું છે. હમણાં હમણાં નેટમાં સ્વૈરવિહાર કરતાં કરતાં આ એક સુંદર માહિતી હાથવગે થઇ છે. જે તમને સૌને ઉપયોગી થશે એમ માનીને તમને પીરસું છું !!! ક્યારેક કયારેક સારું શોધવાનું પણ આહલાદક લાગે છે. જેનાથી આપણને જે જોઈએ છે તે આવશ્ય પ્રાપ્ત થઇ શકે છે !!! આવી માહિતી મંથન અને મનન કરવા માટે પુરતી છે. ક્યારેક મારાં સહિત તમને પણ ત્યાં જવાનું મન થાય પણ ખરું… એ શુભ આશયથી જ આ તમારી સમક્ષ મુકું છું. આશા છે કે તમને સૌને ગમશે જ ગમશે !!!
જ્યારે પાટણની રાણકી વાવને હેરીટેજનો દરજ્જો મળ્યો, ત્યારે માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વ ઝૂમી ઉઠ્યું હતું !!!
વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે. ગુજરાતને દરેક ગામ અને શહેર કે પછી વિવિધ ભૂભાગોમાં આપણને ક્યાંકને ક્યાંક વાવનું નિર્માણ કરેલું જોવા મળી જશે. બેનમૂન કલા કારિગરી સાથે તૈયાર કરવામાં આવેલી આ વાવો ચોક્કસપણે પ્રવાસન આકર્ષણ સ્થળ બની જાય છે. ગુજરાતનનાં એવા અનેક જળ મંદિરો અર્થાત વાવો અને કૂવાઓ અંગે આછેરી માહિતી પ્રાપ્ત થઇ છે. પણ આ જળમંદિરો જે પોતાની બેનમૂન કલા કારિગરીના કારણે તો જાણીતા જ છે. પરંતુ તેનો ઉપયોગ વિતેલા પ્રાચીન સમયમાં લોકોને પાણીની સમસ્યાથી દૂર કરવા અને લોકોની તરસ છિપાવવા માટે કરવામાં આવતો હતો.
હવે એ વાવોની અલપઝલપ માહિતી
👉 રૂડીબાઇ વાવ
આ વાવ અમદાવાદથી દૂર મહેસાણા જવાના માર્ગે આવેલી છે. આ વાવને અસાધારણ રીતે શણગારવામાં આવી છે. વાવના ગોખ પણ કોતરણીવાળા છે, જેમાં સમાજ જીવનની આછેરી ઝલક આપવામાં આવી છે. નવગ્રહ પલંગ પાણી કમળાકૃતિ વગેરે અનેક હિંદુ પ્રતિક કોતરવામાં આવ્યા છે !!!
👉 રાજબાઇ વાવ
આ વાવ રામપુરા ખાતે આવેલી છે. સાયલાથી વઢવાણ તરફ જતી વેળા તમે આ વાવને નિહાળી શકો છો. આ વાવનું નિર્માણ વિજયરાજ પરમારના વંશજ દ્વારા કરવામાં આવ્યું છે. આ વાવ ૫૩.૮૫ મીટર લાંબીઅને ૪.૬૦ મીટર પહોળી છે. આ વાવમાં તમે સક્કરપારા ભાત, ચૈત્યાંકન ભાત, અધોમુખી પલ્લવ, વેલભાત, કુડચલ ભાત જોઇ શકો છો. આ ઉપરાંત અનેક કળાકૃતિ અહીં દૃષ્ટિગોચર થઇ શકે છે.
👉 દાદા હરિની વાવ
આ વાવ અમદાવાદ નજીક માતા ભવાનીની વાતથી થોડેક દૂર આવેલી છે. આ વાવને મહમૂદ બેગડાના અંતઃપુરની સર્વાધિકારિણી હરીર નામની બાઇ દ્વારા બંધાવવામાં આવી હતી. વાવની લંબાઇ ૨૪૧.૫ ફૂટ છે. આ વાવના મંડપ ઉંચા નથી. થાંભલા પણ સાદા છે, પરંતુ વાવમાં કોતરણી વિશેષ માત્રામાં કરવામાં આવી છે, જે તેમને આકર્ષિત કરી શકે છે!!!
👉 અડી-કડી વાવ
આ વાવ જૂનાગઢ ખાતે આવેલી છે. અડી-કડી વાવ 81 મીટર લાંબી, ૪.૭૫ મીટર પહોળી અને ૪૧ મીટર ઉંડી છે. શિલ્પ- સ્થાપત્યની દ્રષ્ટિએ બીજી વાવોની તુલનામાં આ વાવમાં જોઇએ તેવું સુશોભન જોવા મળતું નથી. પરંતુ અહીં ખડકોનું એક અદ્ભૂત સૌંદર્ય જોવા મળે છે
આ વાવના નામ પાછળ એક રોચક કહાણી છે, એવું કહેવાય છે કે આ વાવ બનાવતી વખતે અડી અને કડી નામની બે સેવિકાઓએ પોતાનું બલિદાન આપ્યું હતું. કારણ કે વાવમાં પાણી આવ્યું નહોતું અને તે સમયે એક પંડિતે રાજાને કહ્યું હતું કે બે કુંવારિકાઓનો ભોગ આપવામાં આવે તો જ આ વાવમાં પાણી આવશે. જે જાણી રાજાની આ બે સેવિકાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી
👉 અમૃતવર્શિની વાવ
અમદાવાદ શહેરમાં પાંચ કૂવા દરવાજાની દક્ષિણે આ વાવ આવેલી છે. સરળ ઢાંચામાં બનેલી આ વાવ એલ આકારની છે, વાવના સ્થાપત્ય કામમાં સંસ્કૃત અને પર્શિયન ભાષામાં લખાણો જોવા મળે છે. આ વાવ ૧૭૨૩માં બનાવવામાં આવી હતી. આ વાવને ઇસવીસન ૧૯૬૯માં રાજ્ય સરકારના પુરાતત્વખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી.
👉 માધા વાવ
વઢવાણ શહેરમાં પશ્ચિમમાં કરણ ઘેલાના નામે પ્રખ્યાત કર્ણદેવ વાઘેલાના મંત્રી માધાના નામ પરથી આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વાવમાં આજે પણ માધા અને તેની પત્નીની પ્રતિમાઓ દ્રશ્યમાન થાય છે. આ વાવ અંગે એવી લોકવાયકા પણ પ્રચલિત છે કે માધાની વાવ દર ત્રીજા વર્ષે એક વ્યક્તિનો ભોગ લે છે. આ વાવ ૫૫ મીટર લાંબી છે.
👉 માત્રી વાવ
સુરેન્દરનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કનકાવટી ખાતે આ વાવ આવેલી છે. આ વાવ તળાવમાં ભળી ગઇ છે, પણ તેના તમામ લક્ષણો વાવ જેવા જ છે. આ વાવ મોટાભાગે તળાવના પાણીમાં ડુબેલી રહેતી હોવા છતાં આ વાવ બાંધવા પાછળનું કારણ દુકાળમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે છે. આવો શુભ હેતુ આજે બીજીકોઈ વાવોમાં કયાંય જોવાં મળતો નથી. શુભ હેતુસર બનાવેલા સ્મારકો લોકોની વાહ વાહ મેળવે જ મેળવે અને એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અવશ્ય બની જાય એ સ્વાભાવિક જ છે.
👉 મીનળ વાવ
રાજકોટ જિલ્લાના વિરપુર ગામે આ વાવ આવેલી છે. આ વાવ સિદ્ધરાજ જયસિંહ અને તેમના પત્ની મીનળ દેવીએ બંધાવી હતી. આ વાવમાં બેઠી મુદ્રામાં ભૈરવે ડમરુ અને ઉંચા હાથમાં હરણ ધારણ કર્યું છે. પોઢેલી મુદ્રામાં વિષ્ણુ છે. જો કે ગામની કન્યાઓ આ સ્થાપત્યને મીનળદેવીનું સ્થાપત્ય કહે છે. તેની નાભિ પર બાળક ધારણ કરેલું અને તેમના પગ આગળ ગર્ભવતી મહિલા હોવાનું કહેવામાં આવે છે. આ વાવ એના શીપ સ્થાપત્યને કારણે અવશ્ય જોવાં જેવી છે. સિદ્ધરાજ જયસિંહના યુગને કેમ સુવર્ણયુગ કહેવામાં આવે છે, તે આનાં પરથી તમને ખ્યાલ અવશ્ય આવી જશે.
👉 છત્રાલની વાવ
અમદાવાદ મહેસાણા રોડ પર આવેલા છત્રાલ ગામે આ પ્રાચીન વાવ આવેલી છે. દીવાલના ઉપરના ભાગે અર્ધગોળ પથ્થરોની ધાર છે. ફાંસના ઘાટ તરીકે ઓળખાતું છાદ્ય અંદરથી અર્ધવૃત્તાકાર છે. અહી ફૂલવેલ ભાત અને ગણેશનું શિલ્પ જોવા મળી શકે છે.
👉 બત્રીસ કોઠાની વાવ
આ વાવ કપડવંજ શહેરની વચ્ચે આવેલી છે. આ વાવમાં બત્રીસ માળ હોવાના કારણે આ વાવને બત્રીસ કોઠાવાળી વાવ કહેવામાં આવે છે. આ વાવમાં રાજાસેનેકા, વેદિકા, આસનપટ્ટા અને કાકસન્નાની રચના અંકોલ માતા અને માતા દાદા ભવાનની વાવ જેવી જ છે. આ વાવના સ્થાપત્ય, પિલ્લર અને પગથિયાં પરથી અનુમાન લગાવી શકાય કે આ વાવ ૧૩મી સદીમાં બાંધવામાં આવી હશે.
👉 લિંબોઇની વાવ
આ વાવ ઇડરની ટેકરીઓમાં આવેલી છે. આ વાવમાં પડથારની લંબાઇ ૪૨ મીટર છે. વાવમાં શંકુ આકારનો ઘુમ્મટ છે. વાવમાં તમે ગરૂડ પર સવાર વિષ્ણુ, લક્ષ્મી, નંદી પર સવાર શિવ અને પાર્વતીની પ્રતિમાઓ જોઇ શકાય છે જે બેનમુન છે !!!
👉 માતા ભવાનીની વાવ
આ વાવ અસારવામાં આવેલી છે. બાંધકામની દ્રષ્ટિએ જોઇએ તો આ વાવનું બાંધકામ શહેરની સ્થાપના પહેલાંનું છે, તેથી આ વાવ ૧૪મી સદીમાં બનાવવામાં આવી હશે તેવું માનવામાં આવે છે. તેનું કોતરકામ પણ દર્શાવે છેકે આ વાવ ૧૪મી સદીની છે.
👉 ભ્મ્મરિયો કૂવો
ખેડાથી ૧૧ કિ.મી દૂર મહેમદાવાદમાં આ કૂવો આવેલો છે. તેની રચનામાં શૈલગૃહની પદ્ધતિ જોવા મળે છે. ત્રણ માળની આ ઇમારત સવિશેષપણે મુસ્લિમ સલ્તનત કાળની એક સિદ્ધિને પ્રદાન કરે છે. મહેમુદ બેગડાએ આ બંધાવ્યો હતો અને આ એની આગવી વિશેષતા હતી એમ જરૂરથી કહી શકાય !!!
👉 રોહાની વાવ
પાલનપુરના સરોત્રાથી૭ કિ,મી દૂર આવેલા રોહા ગામ ખાતે આ વાવ આવેલી છે. આ વાવ ચાર નાના અભિલેખોવાળી છે. આખી વાવ સફેદ આરસની બનેલી છે. પ્રવેશની બન્ને બાજુ એક એક નાની દેરી બનાવવામાં આવી છે.
👉 ચૌમુખી વાવ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ચોબારી ગામે આ વાવ આવેલી છે. શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટીએ આ વાવ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ વાવ વિજયા પ્રકારની વાવ છે. વાવની દક્ષિણે શામિયાણો આવેલો છે. શામિયાણાની છતનો આધાર હારબંધ ઉભેલા ચાર થાંભલાઓ પર જોવા મળે છે
👉 માંડવાનો કૂવો
માંડવાનો આ કૂવો ભમરિયા કૂવાને મળતો આવે છે. આ કૂવામાં પાણી ખેંચવા માટે સાંકડી કમાન બનાવેલી છે, તેમજ કેટલાક ઓરડા બનાવેલા છે, જે ભમરિયા કૂવાને મળતા આવે છે. ઓરડાઓ માટેની સીડી ભમરીવાળી છે. દીવાલોમાં અનેક ગોખલા કરવામાં આવ્યા છે. જેથી ઉનાળા વખતે આ સ્થળનો ઉપયોગ આરામ કરવા માટે કરવામાં આવતો હશે કદાચ !!!
👉 માણસાની વાવ
આ પ્રાચીન વાવ માણસામાં આવેલી છે, આ વાવમાં શિલાલેખ ૨૮ પંક્તિનો છે. અહીંના ગવાક્ષોમાં ભારવ અને અંબાજીની દેરીઓ બનાવવામાં આવેલી છે. વાવમાં આવેલા કૂવાનો ઘેરાવો ૫.૪૦ મીટરનો છે.
👉 મોઢેરાની વાવ
મોઢેરા ખાતે સૂર્ય મંદિર જવાના માર્ગમાં આ વાવ આવેલી છે. આ વાવ તેના કેટલાક વિશિષ્ટ ભાગોના કારણે નોંધપાત્ર છે. આ વાવમાં કોઇ અલંકરણ નથી, ભિતાસ્તંભોની કુંભી સાદી છે. આ વાવમાં કૂટિર જેવી રચના નોંધપાત્ર છે. આ વાવના ઘાટ શિલ્પાંકન સ્પષ્ટ રીતે સોલંકી યુગના હોવાનું જણાઇ આવે છે !!!
👉 બોતેર કોઠાની વાવ
આ વાવ મહેસાણામાં આવેલી છે. આ વાવમાં ગાયકવાડી સમયમાં સુધારા વધારા થયા હોવાનું જાણવા મળે છે. આ વાવ અગિયાર મજલા ધરાવે છે, તેમજ એક બીજા સાથે જોડાયેલા કૂવાની રચના પણ અહીં જોઇ શકાય છે !!!
👉 રાખેંગારની વાવ
પાટણના સમકાલીન શાસક અને જૂનાગઢના રાજા રાખેંગારના નામ પરથી વંથળીમાં આવેલી આ વાવનું નામ રાખવામાં આવ્યું છે. કૂવાની ગોળાકારે આવેલા થાંભલાઓની કલાત્મકતા વાવના સ્થાપત્યને ચાર ચાંદ લગાવી દે છે. વાવની રચનાને જોતા એવું લાગે છેકે અહીં ત્રણ શામિયાણા હશે. આ વાવમાં પણ ઘાટપલ્લવ શૈલીની બાંધણી જોવા મળે છે !!!
👉 ખેડબ્રહ્માની વાવ
ખેડબ્રહ્મામાં બ્રહ્માજીના મંદિર પાસે આ ૬૦૦ વર્ષ જૂની વાવ આવેલી છે. આ વાવમાં આજે ૨૭ ગોખ મોજૂદ છે, ગોખમાં એકપણ દેવ-દેવીઓની મૂર્તિ જોવા મળતી નથી. આ વાવ કોણે બનાવી તે એક સંશોધનનો વિષય છે !!! દર વર્ષે દિંગબર જૈનો અને ખેડાવળ બ્રાહ્મણો દ્વારા આ વાવમાં તેમના અધિષ્ઠતા દેવનું પૂજન કરવામાં આવે છે.
👉 સાસુ-વહુની વાવ (લુણાવ)
પંચમહાલ જિલ્લાના લુણાવાડાના લવાણા ગામે આ વાવ આવેલી છે. વાવમાં તમને બે મહિલાઓને શિલ્પો જોવા મળે છે. આ શિલ્પો પૈકી એક કૃશ મહિલા બાળકને જન્મ આપી રહી છે, તો બીજી પ્રતિમામાં દેવી ગદર્ભ પર સવારી કરતા દર્શાવવામાં આવ્યા છે. તેમજ વાવમાં નવગ્રહ, વિષ્ણુના દશાવતાર તેમજ ચામુંડા, વિરભદ્ર, બ્રહ્માણી, વૈષ્ણવી, ગણેશ વિગેરેની પ્રતિમાં જોવા મળે છે.
હજી ઘણી બધી વાવો વિગતવાર લખાણ માંગે જ છે. કેટલીક વાવોનો આમાં ઉલ્લેખ જ નથી, જેને વિષે જાણવું અને લખવું અત્યંત આવશ્યક છે. કારણ કે સમગ્ર ગુજરાતમાં કુલ ૧૨૦ જેટલી વાવો છે, સમાયંતરે આ બધી વાવો અવિશે વિગતવાર લખવામાં આવશે જ. જે એક ઐતિહાસિક અને સંસ્કૃતિક દસ્તાવેજ બની રહેશે. અને એ બહાને આપણે આપણે આપણા ગુજરાતને ઓળખી શકીશું, અને એનાં સમૃદ્ધિપૂર્ણ વારસાનો આપને ગર્વ લઇ શકીશું. માન્યું કે માહિતી અલપઝાલાપ છે અને અપૂરતી છે, પણ થોડો સમય જવા દો પછી આ બધાં વિષે વિગતવાર ઊંડા અભ્યાસપૂર્ણ લેખો આવશ્ય લખીશું.
હેતુ માત્ર માહિતગાર અને ઝાંખી કરાવવાનો જ છે, જે જે વાવો રહી ગઈ છે એવિષે પણ લખીશ જ !!!
અત્યારે આટલું પુરતું છે !!!!
સંકલન ~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply