નથી ગમતું એને
મોડી રાતે બાળકનું રુદન
અંધકારથી ડરનારી એ
મહા મહિનાની અડધી-રાતે
ઊંઘ તૂટતા ….
હોય છે, પરસેવે રેબઝેબ.
જ્યારે એક-ક્ષણ માટે ઉભરાય છે
માતૃત્વ-ભાવ. …
ત્યારે નથી સહી શકતી એ
ધાત્રીપીડા…
અવિકસિત છાતીમાં આવતા
દૂધના ભરાવાની…
હાંસીપાત્ર બની છે એ ,
સપનામાં આવતી પરીઓ વચ્ચે….
બોરીમાં બંધ, માળિયે મૂકેલ
એની ચોપડીઓ,
નાનકાના દફતરની જેમ
ખીંટીંએ ટંગાવા તલસાટ તરસી રહી છે…
લાદી દેવાયો છે પ્રતિબંધ એના પર
સખી-સહેલીને મળવા માટે
ઘરના ખૂણે રઝળતી વ્હાલી ઢીંગલી
હવે નથી બેસતી માંડવે ,
રોજ સજીધજીને …
નથી ગવાતા હવે કોઈ મંગળ-ગીતો ઢીંગલીના…
મીઠી ગાળો દેતી બુઢ્ઢી દાદી
અચાનક મૌન થઈ ગઈ છે
વ્હાલ નિતરતી બાપુની આંખો
હોય છે હવે સતત ભીની ને,
શૂન્યમસ્ક…
અફસોસના હાયકારા કરતો, કાકો..
કોસે છે પોતાની જાતને
રક્ષણ ન કરી શકવા બદલ…
સૂગ ચડે છે એને
પેટના જણ્યાના પોતિયા ધોવામાં.
ખેતરમાં લહેરાતું ધાન
લલચાવે છે એને રમવા માટે.
પણ ડરે છે હવે એ, ત્યાં એકલી જતા. .
શંકાશીલ આંખોને
ધીમો ગણગણાટ, વ્યથિત કરે છે એને
ગામના આ ખોરડે જન્મેલું
અનિચ્છનીય બાળક,
હર્ષ નહી પણ શોક નિમિત્ત છે.
દી’રાત વેંઢારે છે આ ઘર
અવહેલનાનો ભાર.
અંધારિયા ઘરમાં, એકાંત ખૂણે હીંબકતી
નવ વર્ષની આ બાળકી
નથી પૂછતી કોઈ સવાલ. ..
નથી માંગતી, કોઈ અધિકાર
બસ…
જોયા કરે છે અન્યમન્યસક થઈને
આત્મમુગ્ધ આંધળા કાયદાને
~ હેમશીલા માહેશ્વરી’શીલ’
Leave a Reply