એક તરફ રાઠોડને નોકરી ગુમાવવાનો ડર તો હતો જ, પણ જોડે એક નિરાંત હતી કે હવે તેની કામગીરીમાં મઝહબીનો ભાઈ ક્યાંક કોઈ પ્રકારની દખલગીરી નહીં કરે. તેણે મઝહબીના ભાઈને પોલીસચોકીમાં જઈને FIR રજીસ્ટર કરાવી આવવાનું સૂચન આપ્યું, જેથી ભવિષ્યમાં આ તપાસને ઇલલીગલ ઠરાવવામાં ન આવે, અને વધારે કોમ્લીકેશન થતાં અટકાવી શકાય. મઝહબી નો ભાઈ પણ ઝડપથી સ્વસ્થ થયો અને એક કોન્સ્ટેબલ તેને લઈને સ્ટેશન ચાલ્યો ગયો.
તેના અમ્મી અબ્બુ એ સહકાર આપવાની તૈયારી બતાવી. રાઠોડને અજાણતા જ મનના એક ખૂણે ભાવ ઉઠવા માંડ્યા હતા કે કાશ, આ લોકોએ આવી સહમતી, આવો સહકાર મઝહબી-ધરમ માટે બતાવી હોત… તો આજે પરિણામ કંઇક અલગ હોત !
પણ ખૈર જે થઇ ચુક્યું હતું એને તો રાઠોડ બદલી શકવાનો ન હતો, માટે તેણે ઝડપથી પોતાની ભાવનાઓ પર કાબુ મેળવી લીધો. કારણકે આ સમય લાગણીઓ તણાઈને વિચારવાનો નહી, પણ પ્રેક્ટીકલી એકશનમાં આવવાનો હતો…!
રાઠોડે ઝડપથી બાથરૂમને બહારથી સીલ કરાવ્યું અને એક કોન્સ્ટેબલને મોકલીને મઝહબીની લાશ જે હાલતમાં પડી હતી એ વિષે નોંધ ટપકાવી લેવા કહ્યું. બંદર આખુ બાથરૂમ પાણી પાણી થઇ ચુક્યું હતું. માટે તેણે જાતે બાથરૂમની અંદર જઈ વહી રહેલ નળ બંધ કર્યો, અને એ સમયે વહી રહ્યું પાણી જાણે તેની પર હસીને વહી જતું હોય એમ તેને લાગ્યું… જેમ આ પાણી વહી રહ્યું હતું, તેમ જ આ કેસ એના હાથમાંથી વહી રહ્યો હતો.
તેણે બહાર આવી ખાલા અને પેલી છોકરીને બોલાવી તેમનાથી પૂછપરછ કરવાની શરુ કરી…
“તો હવે મારે તમને કંઈ પૂછવું પડશે કે તમે જાતે જ બોલવા માંડશો…?”
“પણ સર અમે શું કર્યું આમાં…?”, બંને એકીસાથે બોલી ઉઠ્યા,
“મેં ક્યાં કહ્યું કે તમે બંનેએ કંઇ કર્યું છે… પણ હું જયારે આવ્યો ત્યારે તમે બંને કંઇક ગુસપુસ કરી રહ્યા હોવ એવું મને લાગ્યું હતું… અને જે રૂમમાં એક લાશ પડી હોય અને એને જોઈ બધા હતાશામાં સરી ગયા હોય, ત્યાં આવી રીતે ગુસપુસ..? વાત જરા હજમ ન થઇ..!”, રાઠોડે નાટકીય અંદાજમાં કહ્યું… એ હવે પૂરી રીતે પોતાના અફસરી અંદાજમાં આવી ચુક્યો હતો.
“સર… અમે તો એની મોત વિષે જ વાત કરી રહ્યા હતા…”, ખાલાએ નજર ચુરાવતા કહ્યું.
“નહિ સર… અમે કંઇક અલગ વાત કરી રહ્યા હતા..”, પેલી છોકરી બોલી ઉઠી, અને ખાલા ભોંઠપ અનુભવતા નીચું જોઈ રહી.
“તમે બંને જે કંઈ પણ વાત કરી રહ્યા હોવ એ હવે સાફ સાફ બોલવા માંડો…”, રાઠોડે કડકાઈથી કહ્યું. બેશક આ કેસમાં એ બંને એટલી અગત્યની ન હતી, પણ ક્યાંક ને ક્યાંક રાઠોડને લાગી રહ્યું હતું કે એમની પાસેથી કંઇક તો એવું જાણી જ શકાશે કે જેથી નવી કડીઓ મેળવી શકાય.
“જી સર…”, કહેતાં પેલી છોકરીએ બંને શું વાત કરી રહ્યા હતા એ કહી સંભળાવ્યું, જેનો સારાંશ એ હતો કે જયારે ખાલા વતન માટે રવાના થઇ અને એ છોકરીને એની જગ્યાએ ગોઠવવામાં આવી એ વચ્ચે મઝહબીને લગભગ અડધો પોણો કલાક મળ્યો હતો, અને બની શકે એ સમય દરમ્યાન જ એણે કોઈ પ્લાનિંગ કર્યું હોય. અને એમની વાતમાંથી ચોંકાવનારી માહિતી તો એ મળી હતી કે જયારે એ છોકરી પહેલી વખત રૂમમાં આવી ત્યારે મઝહબી કોઈક કાગળને સ્ટેપલર મારતી બાથરૂમના બારણા પાસે ઉભી હતી, અને એને ત્યાં જોઈ ફરી અંદર ચાલી ગઈ હતી !
વાત વાતમાં જ એ છોકરી રાઠોડને કેસમાં વધુ એક કડી જોડી આપી હતી. અલબત્ત મઝહબીની લાશની નોંધ લેવાઈ જાય, અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી લેવામાં આવે ત્યારબાદ એ મઝહબીના મોતનું કારણ જાણવા બાથરૂમની તપાસ કરવાનો જ હતો, પણ હવે એ તપાસ વધારે અગત્યની બની જતી હતી. કારણકે બની શકે કે કદાચ ધરમની મોતનું કારણ પણ ત્યાંથી મળી શકે !
એ પૂછપરછ પૂરી થઇ ત્યાં સુધીમાં મઝહબીની લાશને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. આખરે આજે આટલા દિવસ બાદ બંને પ્રેમીઓ એક છત નીચે મળી શકવાના હતા… પણ અફસોસ એકબીજા સાથે વાત કરવી તો દુર, એકબીજાને જોઈ પણ નહીં શકે !
રાઠોડે દેસાઈને હોસ્પિટલ જવા જણાવ્યું, પણ તેને અહીં જ રેહ્વામાં વધારે રસ હતો. તેને પર્સનલી હવે આ કેસમાં રસ પડતો જતો હતો, અને એમ પણ દેસાઈ ત્યાં રહે તો રાઠોડને મદદરૂપતો થવાનો જ હતો, માટે તેણે ઝાઝો વાંધો ન ઉઠાવ્યો.
રાઠોડે બાથરૂમની તપાસ શરુ કરાવી અને પોતે પણ એ કામમાં જોડાયો. આમ તો બાથરૂમ હોવું જોઈએ એ કરતા થોડું વધારે મોટું હતું, અને એક ખૂણે બાથટબ પણ ગોઠવવામાં આવ્યું હતું. અને બાથરૂમ આખાના ફરશ પર જાત જાતનો કોસ્મેટીક સમાન વેરવિખેર પડ્યો હતો. અને એ જોતા અંદાજ આવી શકે કે મઝહબી પોતાના શરીરની કેટલી કાળજી લેતી હશે.
મઝહબીની લાશ જ્યાં પડી હતી એનાથી થોડેક જ દુર રેટ પોઈઝનની ખાલી શીશી પડી હતી. માટે એક વાત તો દીવા જેવી ચોખ્ખી હતી કે મઝહબીએ આત્મહત્યા માટે એ પોઈઝનનો જ ઉપયોગ કર્યો હશે. આ ઉપરાંત પણ ત્યાં શેમ્પુની બોટલો, સાબુની ગોટીઓ, અત્તરની શીશીઓ, એસીડ તેમજ બાથરૂમ ક્લીનર, મીણબત્તી ના ટુકડા, યુઝડ ટીસ્યુ પેપરના કટકા, થોડાક કાગળના ટુકડા જેવી ચીજો વેરવિખેર પડી હતી, માટે જે કોઈ વસ્તુ શંકાસ્પદ લાગે તેને કલેશન બેગમાં ભેગી કરવામાં આવી રહી હતી.
પણ એ તપાસ દરમ્યાન રાઠોડને જે વસ્તુઓ મળી હતી એ ખરેખર નવાઈ પમાડે તેવી હતી. બાથટબની બાજુમાં એક ખૂણે નાનકડી વાટકી જેવું કંઇક પડ્યું હતું, અને એમાં કોઈક પ્રવાહી કાઢવામાં આવ્યું હોય એમ લાગી રહ્યું હતું, જે હમણાં સુકાઈને પાવડર સ્વરૂપમાં આવી ચુક્યું હતું. તેની જ બાજુમાં એક કાચની શીશી હતી, અને એ પણ પોઈઝનસ કેમિકલની શીશી હતી.
દેસાઈએ એને ધ્યાનથી ચકાસીને એ ચોખવટ કરી કે મઝહબીએ જે પોઈઝન પોતાને માટે વાપર્યું હતું એનાથી પણ એ શીશીમાંનું પોઈઝન કેટલુંય ઘણું કોન્સન્ટ્રેટેડ હતું, અને એની થોડીક જ માત્રા વધારે મોટી અસર કરી જતી હતી. અને એ બંનેએ આશ્ચર્ય વચ્ચે ત્યાં જ નીચે ફરશ પર બે ખાલી ગયેલી સ્ટેપલર પીનો જોઈ હતી. અને એટલું ઓછું હોય એમ ત્યાં જ થોડેક દુર સ્ટેપલર પણ હાજર હતું…! હવે કોઈના બાથરૂમમાં સ્ટેપલર તો ન જ હોય એ સ્વાભાવિક વાત છે, એનો એક જ અર્થ હતો કે ધરમને પહોચાડવામાં આવેલ પરબીડિયા પર લગાવેલ સ્ટેપલર પીનોના છેડા મઝહબીના બાથરૂમ સુધી આવી પંહોચતા હતા !
પણ દેસાઈ અને રાઠોડ આ અંગે માત્ર અટકળો જ લગાવી શકતા હતા… કારણકે એમના તર્ક વિતર્કોને સમર્થન કે જાકોરો આપી શકે એવું કોઈ હાજર ન હતું, જે આખી ઘટનાથી વાકેફ હોય. રાઠોડે જે કોઈ થોડી ઘણી આશાઓ મઝહબી પર સેવી હતી એની પર પણ હવે પાણી ફરી વળ્યું હતું…!
એણે વધુ એક વખત બારીકાઇથી બાથરૂમનું નીરીક્ષણ કર્યું અને બહાર રૂમમાં આવ્યો. બહાર તરફ ગીરધર રૂમની તપાસ કરી રહ્યો હતો, અને જે કોઈ વસ્તુ શંકાસ્પદ લાગે તેનું કલેક્શન કરી રહ્યો હતો. ખાલા અને પેલી છોકરી એક ખૂણો પકડી બેસી ગયા હતા, અને મઝહબીના અમ્મી અબ્બુ રાઠોડની જ જાણે રાહ જોતા હોય એમ બાથરૂમના બારણે ઉભા હતા, તેમના ચેહરા પરનો પ્રશ્ન સાફ વાંચી શકતો હતો, અને એ જોઈ રાઠોડે નકારમાં માથું ધુણાવતા ઈશારામાં જ જવાબ આપી દીધો, પણ હજી એનામાં એ કહી શકવાની હિમ્મત ન હતી કે એમની દીકરી તેના જ પ્રેમીના મર્ડરમાં સંડોવાયેલી હતી !
એ વાત પોતે કોઈને કહી જ કઈ રીતે શકે, જો કેસ કોર્ટમાં જાય તો પણ ત્યાં ગવાહ જોઇશે, સબુત જોઇશે, અને કોર્ટ આવી રીતે કડીઓ જોડીને કરાયેલા તર્કને એક કાલ્પનિક કથા કહેતાં પળનો પણ વિલંબ ન કરે… માટે હવે રાઠોડે પોતાની નોકરી ગુમાવવી જ પડશે એ વાત એણે સ્વીકારી જ લીધી હતી.
દેસાઈ ગીરધર અને અન્ય કોન્સ્ટેબલ જવાની તૈયારીમાં જ હતા ત્યાં પેલી છોકરીએ તેમને રોક્યા અને રાઠોડને ઉદ્દેશીને કહ્યું,
“સર… મારે હજી એક વાત જણાવવી છે. કદાચ આ વાત એટલી અગત્યની છે કે નહી એ મને નથી ખબર… પણ હવે હું તમારાથી કંઈ છુપાવા નથી માંગતી. રાત્રે હું જયારે ઊંઘી ગઈ હતી, ત્યાર બાદ થોડીક વારે મારી ઊંઘ તૂટી હતી, અને ત્યારે મઝહબી પલંગ પર બેસીને કંઇક લખી રહી હોય એવું મને લાગ્યું હતું, પણ હું એટલી ભયાનક ઊંઘમાં હતી કે મેં એ તરફ ઝાઝુ ધ્યાન ન આપતા ફરી સુઈ ગઈ… મણે ક્યાં ખબર હતી કે એક રાતમાં આટલું બધું પલટાઈ જશે…!”
તેણે એ વાક્ય પૂરું કર્યું અને ત્યાં જ ગીરધર બોલી ઉઠ્યો,
“સ્યુસાઈડ નોટ…! સર, બની શકે એણે સ્યુસાઈડ નોટ લખી હોય…!”
“જો એ સાચું હોય તો રાઠોડ તારી નોકરી બચવાના ચાન્સ ખરા…!”, દેસાઈ બોલ્યો. દેસાઈએ એ ત્યાં ઉભા સીવીલીયન્સ સામે તેની નોકરી જવાનો ભય જાહેર કર્યો એ તેને સહેજ ન ગમ્યું, પણ એની વાત સાચી હતી… કદાચ એ નોટમાં મઝહબીએ ધરમ મર્ડર કેસ અંતર્ગત કોઈ ફોડ પડ્યો હોય કે પછી કોઈ કબુલાત પણ કરી હોય, તો રાઠોડની નોકરી બચી શકે ખરી !
“તો પછી એ આપણને મઝહબીની ડેડ બોડી પાસે મળવી જોઈતી હતી ને…? પણ ત્યાં તો એવું કંઈ પણ નહોતું…!”, રાઠોડે ગૂંચવાતા પૂછ્યું.
“હવે તો તું સાવ નાંખી દેવા જેવી વાતો કરે છે…!”, દેસાઈએ તેની મજાક કરતા કહ્યું અને ઉમેર્યું,
“જો રાઠોડ, સમજ ! બોડી આપણને બાથરૂમમાંથી મળી છે, અને એક વાત નોંધમાં લેવા જેવી એ કે જયારે એ બાથરૂમમાં દાખલ થઇ ત્યારથી એણે નળ ખુલ્લો રાખ્યો હતો, તો હવે જો એ સ્યુસાઈડ નોટ અંદર લઇ જાય તો એ કાગળ ભીના ના થઇ જાય !”
“વાત તો તારી સાચી છે દેસાઈ… એનો અર્થ એમ થયો કે જો એણે એવી કોઈ નોટ લખી હોય, તો…, તો એ આ રૂમમાં જ હશે…!”
“એકઝેટલી…! લેટ્સ સર્ચ ફોર ધેટ…!”, કહેતાં દેસાઈ તરત જ કામગીરીએ વળગ્યો. રાઠોડ પોતે પણ એ કામગીરીમાં જોડાયો.
દેસાઈ, ગીરધર, રાઠોડ, અને બીજા બે કોન્સ્ટેબલ આખુ રૂમ ફેંદી વળ્યા, રૂમની તિજોરીઓ, કબાટ, દ્રોવર, ડ્રેસિંગ ટેબલના ખાનાઓ, પલંગની ઉપર નીચે, ગાદલાની નીચે, અને ઇવન રૂમની નાનકડી છાજલી પર પણ એક કોન્ટેબલને ચડાવવામાં આવ્યો. રાઠોડ જયારે તકિયાને ઉઠાવીને બાજુએ મુકવા જતો હતો ત્યાં જ એને તકિયા પર ચડાવેલ ચાદરના બનેલા કવરની અંદર કંઇક ચીજ જેવું મહેસુસ થયું, અને તેણે તરત જ કવરની ચેઈન ખોલી અંદર હાથ સરકાવ્યો.
અને બધાના આશ્ચર્ય વચ્ચે અંદરથી એક પરબીડિયું નીકળ્યું… જેના પર મોટા અક્ષરોથી લખેલ હતું… ‘મારા છેલ્લા શબ્દો…’ !
રાઠોડે દૃજતા હાથે એ પરબીડિયું ખોલ્યું અને અંદરથી કાગળ ખેંચ્યો. અને હજી એ કાગળની ગળીઓ ખોલીને વાંચે એ પહેલા જ મઝહબીનો ભાઈ અને તેની જોડે ગયેલ કોન્સ્ટેબલ આવી ચડ્યા. બંને હાંફી રહ્યા હતા, અને મઝહબીના ભાઈને કપાળ પાસેથી લોહી નીગરતું હતું. અમ્મી તરત એના દીકરાની મદદે પંહોચી.
રાઠોડે પેલા કોન્સટેબલને બાજુ પર બોલાવી વાતની માહિતી મેળવી… અને એણે જણાવ્યું કે,
“સર, ધરમ અને મઝહબીની મોતના સમાચાર આખા ગામમાં ફેલાઈ ચુક્યા છે, અને એટલું જ નહિ બંને કોમો એકબીજા પર આરોપો લગાડતા, ગામના ચોકમાં હથીયારો સાથે સામસામે મારામારી કરવા પર ઉતરી આવી છે ! અને સ્ટેશનથી વળતી વખતે મઝહબીના ભાઈને તેની કોમના થોડાક આગેવાનોએ પોતાની સાથે ચાલવા કહ્યું, પણ એણે સાફ ઇનકાર કરતા કહી દીધું કે એ પોતાની બહેનને ગુમાવી ચુક્યો છે, જે હવે ફરીથી પાછી નથી જ આવવાની, માટે હવે એ કોઈ પણ રીતે તેમનો સાથ નહી જ આપે… અને ત્યાં જ ચર્ચમાં હિંસા ભળી અને એને ઈજાઓ કરવામાં આવી… મહાપ્રત્યને અમે અહીં તમને ખબર પંહોચાડવા આવી શક્યા છીએ…! હવે સર જલ્દીથી આપ ચાલો… અન્યથા ગામનાં ચોકમાં અનર્થ સર્જી ઉઠશે…!”
એની વાત જેટલી સાચી હતી એટલી જ ભયાનક હતી… જો સમયસર એક્શન લેવામાં નહી આવે તો ધર્મનાં નામે લોકો લડી મરતા લોકો લોહીની નદીઓ વહાવવામાં એક પળનો પણ વિલંબ ન કરે !
તેણે તરત એક્શન લેવાનું નક્કી કરી લીધું અને પોતાની જીપગાડી તરફ ધસ્યો. પણ એ નીચે ઉતરે એ પહેલા તેણે હાથમાં રહેલ મઝહબીની સ્યુસાઈડ નોટ ખોલી હતી અને એક ઉડતી નજર મારી હતી. જેમાં પહેલી જ લાઈનમાં સંબોધન કરેલ હતું, ‘રીસ્પેકટેડ ઇન્સ્પેકટર રાઠોડ’ !
ફરીથી કોમી રમખાણો છેડાયા નો આઘાત હજી રાઠોડના મનમાં જ હતો ત્યાં આ સંબોધન રાઠોડ માટે બીજો ઝટકો હતો ! અને એને સંબોધનથી વાંધો ન હતો… પણ એ જે સમયે અને જે જગ્યાએ ઉપયોગમાં લેવાયું હતું એનાથી વાંધો હતો !
મઝહબીની સ્યુસાઈડ નોટમાં પોતાનું નામ વાંચતા જ રાઠોડના શરીરમાંથી કરંટની જેમ એક ધ્રુજારી પસાર થઇ ગઈ ! કારણકે કોઈની ‘સ્યુસાઈડ નોટ’ માં પોતાનું નામ હોવું એ કોઈ નાનુસુની વાત થોડી છે…!!
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply