મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ,
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.
અંધારું અંધારે બાંધી
અજવાળે અજવાળું,
ચાલ ખોલીએ કૂંચી લઈને
વાદળ નામે તાળું,
તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.
જળ પર વ્હેતા લીસ્સા લીસ્સા
તરંગ વસ્ત્રો ખેંચી,
કયું કામ કોને કરવાનું
ચાલો લઈએ વ્હેંચી,
કૂણી કૂણી કમળ-પાંદડી વચ્ચે ઘર ઘર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.
– અનિલ ચાવડા
Leave a Reply