એક્સટ્રીમ સિનેમાઃ હિંસા અને વિકૃતિની રેલમછેલ જોવી કે ન જોવી?
——————–
એક્સટ્રીમ સિનેમાનો એક જ આશય છેઃ હિંસાને એટલી આંચકાજનક રીતે, એટલી ગ્રાફિકલી પેશ કરો કે પ્રેક્ષક હચમચી જાય, એનું પેટ ચૂંથાવા લાગે, એની ભીતર બેઠેલો જંગલી જાનવર સળવળીને બેઠો થઈ જાય…
———————————-
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
———————————-
અ ન્યુ લેન્ડમાર્ક ઇન એક્શન સિનેમા… ધ મોસ્ટ વાયોલન્ટ એન્ડ ગોરીએસ્ટ ફિલ્મ ઇન્ડિયા હેઝ એવર પ્રોડયુસ્ડ…
આજકાલ જેની ખાસ્સી ચર્ચા છે તે ‘કિલ’ નામની હિન્દી ફિલ્મના ટીઝરમાં આ શબ્દો ચીસો પાડતા હતા. ભારતમાં ક્યારેય કોઈએ બનાવી ન હોય એટલી હિંસક અને રક્તરંજિત ફિલ્મ… ફિલ્મનું ભયાનક હદે હિંસક હોવું એ તેનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ ગણાવવામાં આવ્યો. આ ઠાલા શબ્દો નહોતા. કરણ જોહરે આ ફિલ્મના પ્રોડયુસર છે. એમણે ડિરેક્ટ કરેલી સુંવાળી સુંવાળી ફિલ્મો કરતાં તદ્દન વિરુદ્ધ તાસીર ધરાવતી ‘કિલ’ ખરેખર અત્યંત વાયોલન્ટ ફિલ્મ છે. આ ફિલ્મ જોતી વખતે રીતસર હબકી જવાય છે. કાચાપોચા દર્શકો આંખો મીંચી દે છે. આંખો બંધ હોય તોય એ સાઉન્ડ ઇફેક્ટ્સના આધારે અનાયાસ એ કલ્પના કરી લે છે કે સ્ક્રીન પર કેવાં ઘાતકી દ્રશ્યો ચાલી રહ્યાં હશે. ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં દિમાગ સુન્ન થઈ જાય છે. એને થાય કે આ ફિલ્મની સામે ‘એનિમલ’ની હિંસા તો નર્સરીમાં ભજવાતાં બાળનાટક સમાન હતી.
‘કિલ’ ધાર્યું નિશાન પાર પાડે છે. અત્યાર સુધી બોલિવુડ અંગ્રેજી અને અન્ય વિદેશી ફિલ્મોની બેઠ્ઠી (કે ઓફિશિયલ) નકલ કરતું આવ્યું છે. આ વખતે પહેલી વાર એવી બનશે કે હોલિવુડ એક હિન્દી ફિલ્મને ગ્લોબલ ઓડિયન્સ માટે નવેસરથી બનાવશે. ‘જોન વિક’ જેવી અત્યંત સફળ ફ્રેન્ચાઇઝી બનાવનાર એઇટસેવનઇલેવન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ‘કિલ’ની રીમેકના રાઇટ્સ ખરીદ્યા છે. નિખિલ નાગેશ ભટ નામના ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટરે બનાવેલી ફિલ્મની સફળતાનું આ સૌથી મોટું પ્રમાણ છે.
———————-
આત્યંતિક સિનેમાની એબીસીડી
———————-
સહેજે વિચાર આવે કે ‘કિલ’ જેવી ફિલ્મો બનાવવાનો મતલબ શો છે? સ્ક્રીન પર આટલી ભયંકર ખૂનામરકી પેશ કરીને ‘કવિ’ કહેવા શું માગે છે? જવાબ છેઃ કશું જ નહીં. અહીં કશું સત્ત્વશીલ કે વિચારોત્તેજક કે એવું કશું પીરસવાનો ઉપક્રમ જ નથી. આ એક્સટ્રીમ સિનેમા છે અને તેનો એક જ આશય છેઃ હિંસાને એટલી આંચકાજનક રીતે, એટલી ગ્રાફિકલી પેશ કરો કે પ્રેક્ષક હચમચી જાય, એનું પેટ ચૂંથાવા લાગે, એની ભીતર બેઠેલો જંગલી જાનવર સળવળીને બેઠો થઈ જાય ને ધી એન્ડ થયા પછીય ક્યાંય સુધી એ ફિલ્મની અસરમાંથી બહાર ન આવી શકે.
જેમ કોમેડી, રોમેન્ટિક, ઐતિહાસિક, બાયોપિક એ બધા ફિલ્મોના જુદા જુદા પ્રકાર છે એમ એક્સટ્રીમ સિનેમા પણ એક જૉનર છે, જે દાયકાઓથી અસ્તિત્ત્વ ધરાવે છે. આપણે ત્યાં એક્સટ્રીમ બહુ ઓછી બની છે, પણ વિદેશમાં આવી ફિલ્મો ખૂબ બને છે, જે ભારત સહિત દુનિયાભરમાં ફેલાયેલા એક નિશ્ચિત પ્રેક્ષકવર્ગ દ્વારા ખાસ્સી જોવાય છે. એક્સટ્રીમ સિનેમાની વ્યાખ્યા જ એ છે કે હિંસા અથવા સેક્સને અથવા બન્નેને હદ બહાર, પ્રચુર માત્રામાં દેખાડવા. ૨૦૦૪માં રિલીઝ થયેલી ‘સૉ’ (એસએડબલ્યુ સૉ એટલે કરવત) સૌથી પોપ્યુલર એક્સટ્રીમ ફિલ્મોમાં શિરમોર છે. આ ફિલ્મમાં પોતાના પરિવારને બચાવવા માગતા એક માણસને કરવતથી ખુદનો પગ કાપતાં બતાવ્યો છે. અરેરાટી થઈ જાય એવાં દ્રશ્યો છે. માત્ર ૧.૨ મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૪ કરોડ મિલિયન ડોલરની કમાણી કરી નાખી હતી. પછી તો આ સિરીઝમાં એક પછી એક આઠ ફિલ્મો બની, જેણે સંયુક્તપણે એક બિલિયન કરતાં વધારે બિઝનેસ કર્યો. ફિલ્મ રિવ્યુઅર્સે આ આખેઆખી સિરીઝને ધીબેડી નાખી હતી એ અલગ વાત થઈ.
એક યુરોપિયન ભાષામાં બનેલી ફિલ્મમાં તો સેક્સ્યુઅલ હિંસાનાં એવાં એવાં દ્રશ્યો હતાં કે ‘ક્રિયેટિવ એક્સપ્રેશન’માં માનતા ઇંગ્લેન્ડ સહિત પશ્ચિમના કેટલાય દેશોએ પણ પ્રતિબંધ મૂકવો પડયો. આપણને થાય કે આ ફિલ્મના રાઇટર-ડિરેક્ટરના મનમાં આવા વિકૃતિની પરાકાષ્ઠા જેવા વિચારો આવતા શી રીતે હશે? ને પછી તે વિચારોને પડદા પર એક્ઝિક્યુટ કેવી રીતે કરતા હશે? સીધાસાદા દર્શકો તો ઠીક, એક્સટ્રીમ ફિલ્મોના શોખીનો સુધ્ધાં આ યુરોપિયન ફિલ્મ જોઈને હલી ગયા હતા. ફિલ્મના ડિરેક્ટરનું કહેવું હતું કે મેં જે એક્સટ્રીમ સેક્સ્યુઅલ વાયોલન્સ દેખાડયું છે તેની પાછળ ચોક્કસ વિચારધારા છે. મારા દેશની સરકાર જે રીતે પ્રજા પર બળાત્કાર કરી રહી છે તે મેં મારી ફિલ્મમાં પ્રતીકાત્મક રીતે દેખાડયુું છે! લો, બોલો. આ કઈ ફિલ્મની વાત થઈ રહી છે? ના, એનું ટાઇટલ અહીં નથી જ લખવું.
પોર્નોગ્રાફીને એક્સટ્રીમ સિનમા ન કહેવાય. હા, એક્સટ્રીમ સિનેમામાં પોર્નોગ્રાફિક શેડ્ઝ બિલકુલ હોઈ શકે છે. માઇકલ હાનેકા નામના અવોર્ડવિનર જર્મન ડિરેક્ટર, કે જે ‘આમોર’ નામની અત્યંત સંવેદનશીલ બનાવી ચૂક્યા છે, તેમણે એક્સટ્રીમ ફિલ્મો પર પણ હાથ અજમાવ્યો છે. લાર્સ વોન ટ્રિઅર નામના ડેનિશ ફિલ્મમેકર તો અતરંગી અને એક્સટ્રીમ ફિલ્મો માટે જ જાણીતા છે (‘એન્ટિક્રાઇસ્ટ’, ‘નિમ્ફોમેનિએક’). લાર્સની ખાસિયત એ છે કે તેઓ પોતાની ફિલ્મોમાં કલાકારો ઊંચા માંહ્યલા લીધા હોય, તેમાં ઊંચી પ્રોડક્શન વેલ્યુ, હ્મુમર અને ગ્લેમરનો વઘાર કર્યો હોય. પરિણામે એમની ફિલ્મો એક્સટ્રીમ હોવા છતાં ‘સેફ’ અને પ્રમાણમાં કલાત્મક લાગે છે. એક્સટ્રીમ સિનેમાના ડિરેક્ટરો પણ ઇચ્છતા નથી હોતા કે ઓડિયન્સ એમની ફિલ્મ અધૂરી છોડીને નાસી જાય. હા, તેઓ એવું જરૃર ઇચ્છતા હોય છે એમની ફિલ્મ જોતી વખતે પ્રેક્ષકો પર માત્ર માનસિક નહીં, શારીરિક સ્તરે પણ પ્રભાવ પડે.
——————–
પસંદ અપની અપની
——————
આપણે ખુદને એક મેચ્યોર અને ઠરેલ દર્શક ગણતા હોઈએ તો પણ શું આપણે આવી એક્સટ્રીમ ફિલ્મો જોવી જોઈએ? આ સવાલનો કોઈ નિશ્ચિત જવાબ ન હોઈ શકે. સિનેમા અને રંગભૂમિ વિશે પૂરી ગંભીરતાથી એકાધિક સુંદર પુસ્તકો લખનારા એન્ટોનિન આર્ટોદ નામના એક ફ્રેન્ચ લેખક ‘થિયેટર ઓફ ક્રુઅલ્ટી’ નામના લેખમાં દલીલ કરે છે કે સ્ક્રીન પર હિંસા જોવી તે કંઈ અનિવાર્યપણે નેગેટિવ વસ્તુ નથી. મહત્ત્વનું એ છે કે આપણે જેને ‘ક્રૂરતા’ કહીએ છીએ તે ડિરેક્ટરે કઈ સ્ટાઇલિસ્ટિક ટેકનિકનો ઉપયોગ કરીને દર્શાવી છે. સામે છેડે સ્ક્રીન પર અતિ હિંસા અને વિકૃતિ જોવાનો સ્પષ્ટ વિરોધ કરનારાઓ કહે છે કે આ પ્રકારનું ‘મનોરંજન’ તદન ભ્રષ્ટ છે, અર્થહીન છે. તમે જ્યારે સ્ક્રીન પર હિંસાચાર કે વિકૃતિની રેલમછેલ નિહાળો છો ત્યારે તમારૃં સબકોન્શિયસ માઇન્ડ વાસ્તવિકતા અને વર્ચ્યુઅલ વર્લ્ડ વચ્ચે ભેદ કરી શકતું નથી, અને તે માની લે છે કે તમે કશીક જોખમી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છો. તેથી દિમાગમાં આવેલું એમિગ્ડેલા નામનું અંગ એક્ટિવ થઈ જાય છે અને એડ્રિનાલિન નામનો હોર્મોન ઝરવા લાગે છે. જો તમે લાંબા સમય સુધી ડિસ્ટર્બિંગ દ્રશ્યો જોતાં રહો (જેને નેગેટિવ સ્ટિમ્યુલસ કહે છે), તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર થયા વગર રહેતી નથી. તમે ડિપ્રેશન અનુભવી શકો છો, તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તેથી જો તન-મનથી સાજાસારા રહેવું હોય તો નેગેટિવ સ્ટિમ્યુલસથી, આ લેખના સંદર્ભમાં કહીએ તો એક્સટ્રીમ ફિલ્મોથી, દૂર જ રહેવું. બાકી અંતે તો… જેવી જેની ચોઇસ. ખરૃં કે નહીં?
– શિશિર રામાવત
#extremecinema #Chitralok #GujaratiSamachar
Leave a Reply