વરસાદી મોસમમાં કઈ હલકીફૂલકી ફિલ્મો જોશો?
————————————-
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
————————————-
કોણે કહ્યું કે કાયમ ઊંચા માંહ્યલી, અઘરી અઘરી કે બ્લોકબસ્ટર ફિલ્મો જ જોવાની હોય? ક્યારેક એમ જ મોજ ખાતર હલકીફુલકી ફીલ-ગુડ ફિલ્મ જોઈ નાખવામાં કશો વાંધો નથી. આજે આવી જ બે હળવીફૂલ ફિલ્મોની વાત કરવી છે. બન્ને હોલિવુડની ટિપિકલ રોમેન્ટિક કોમેડી છે. બન્ને નેટફ્લિક્સ પર ‘ડ્રોપ’ થઈ છે, એટલે કે સ્ટ્રીમ થઈ છે. ચાંપલા રિવ્યુઅર્સ આ બેમાંથી એકેય ફિલ્મ પર ઓળઘોળ થયા નથી, નેચરલી, પણ તમે જો રોમેન્ટિક વરસાદી માહોલમાં કશુંક ઇમોશનલ, રમૂજી અને હળવું જોવા માગતા હો તો આ ફિલ્મો પર પસંદગી ઉતારી શકો છો. બન્નેની વાત કરીએ.
—————-
લવ અગેનઃ પ્રિયંકા રોક્સ!
—————-
બીજું બધું ભૂલી જાઓ, આ ફિલ્મ જોવાનું એક જ સોલિડ કારણ છે – પ્રિયંકા ચોપડા! અરે સાહેબ, આપણી દેસી ગર્લ હોલિવુડ જઈને ત્યાંની મેઇનસ્ટ્રીમ ફિલ્મમાં લીડ હિરોઈનનો રોલ કરે ત્યારે જો આપણે એને નહીં વધાવીએ તો બીજું કોણ વધાવશે? તમે ફિલ્મ જોશો તો તરત સમજાશે કે હોલિવુડની કોઈ પણ સારા માંહ્યલી વ્હાઇટ હિરોઈનને આ ફિલ્મમાં કાસ્ટ કરાઈ શકી હોત, પણ એને બદલે મેકરોએ આપણી પ્રિયંકા ચોપડા જોનસને પસંદ કરી. ફિલ્મ જોવાનું બીજું સોલિડ કારણ છે, સેલિન ડિઓન. આ સુપર સિંગર-પર્ફોર્મરે ‘ટાઇટેનિક’ (૧૯૯૭) ફિલ્મ માટે ગાયેલું ‘માય હાર્ટ વિલ ગો ઓન’ ગીત તો અમર થઈ ગયું છે. ‘લવ અગેન’માં સેલિને પહેલી વાર એક્ટિંગ કરી છે અને આ ફિલ્મ માટે અલાયદાં પાંચ ગીતો પણ ગાયાં છે.
સ્ટોરી એવી છે કે પ્રિયંકાનો પ્રેમી એની આંખો સામે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છે. આ દુર્ઘટનાને બે વર્ષ વીતી ચૂક્યાં છે, પણ હજુ સુધી એ આઘાતમાંથી બહાર આવી શકી નથી. એણે પોતાનાં હૃદયના દરવાજા એવી ચુસ્ત રીતે ભીડી રાખ્યા છે કે કોઈ નવો પુરુષ એમાં પ્રવેશ કરી શકતો નથી. પ્રિયંકા હજુય પોતાના દિલની વાતો પોતાના મૃત પ્રેમી સાથે શેર કરે છે – એના મોબાઇલ નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલીને. એને ખબર છે કે આ મેસેજીસ કોઈ વાંચવાનું નથી, તો પણ જાણે પર્સનલ ડાયરી લખતી હોય તે રીતે એ પોતાની અંતરંગ લાગણીઓ ટેક્સ્ટ મેસેજમાં લખી લખીને સેન્ડ કરતી રહે છે.
…પણ ના, એના આ મેસેજીસ કોઈક તો વાંચી રહ્યું છે. પ્રિયંકાને ખબર નથી કે એના પ્રેમીનો મોબાઇલ નંબર હવે રોબ (સેમ હ્યુગન) નામના એક અજાણ્યા હેન્ડસમ યુવાનને એની ઓફિસ તરફથી અલોટ કરવામાં આવ્યો છે. એ એક એન્ટરટેઇનમેન્ટ મેગેઝિનનો પત્રકાર છે. રોબ વિચારે છે કે આ કોના દર્દભર્યા સંદેશા મને વારેવારે મળ્યા કરે છે? રોબ પોતે દુખિયારો છે. એની પ્રેમિકાએ લગ્નનાં એક અઠવાડિયા પહેલાં સંબંધ તોડી નાખ્યો હતો. એ હજુ સુધી એની દુખમાંથી બહાર આવી શક્યો નથી.
પ્રિયંકા અને રોબનો ભેટો થાય છે, એક કરતાં વધારે વખત તેઓ મળે છે. પ્રિયંકાના દિલમાં નવેસરથી પ્રેમની કૂંપળો ફૂટવા લાગે છે. આ વાત પણ એ પોતાના સ્વર્ગસ્થ પ્રેમીને શેર કરે છેઃ ‘સાંભળ, આજે હું રોબને બીજી વાર મળી. મને લાગે છે કે તને પણ આ છોકરો સારો જ લાગશે…’ રોબ લુચ્ચો બોલતો નથી કે ગાંડી, તું તારા મૃત પ્રેમીને જે સંદેશા મોકલે છે એ બધા ખરેખર તો મારા મોબાઇલ પર આવે છે. ખેર, એક દિવસ પ્રિયંકાને ખબર પડી જાય છે ને એનો ગુસ્સો ફાટે છેઃ એ બધા મારા અંગત મેસેજીસ હતા, મારા મૃત પ્રેમી સિવાય કોઈને તે વાંચવાનો અધિકાર નથી… તેં કેમ મારાથી વાત છૂપાવી? પ્રિયંકા બ્રેક-અપ કરીને જતી રહે છે.
રોબ ખરેખર સારો અને સંવેદનશીલ છોકરો છે, પણ એણે થોડીક ગરબડ કરી નાખી હતી એ તો નક્કી. હવે સેલિન ડિઓન લવ ગુરૃ બનીને એની મદદે આવે છે અને… પછી શું થાય છે તે તમારે જાતે ફિલ્મમાં જોઈ લેવાનું છે.
પ્રિયંકા એક કાબેલ એક્ટ્રેસ છે એ હવે વિશ્વસ્વીકૃત હકીકત છે. એ હિન્દી ફિલ્મોમાં જેટલી સહજ હોય છે એટલી જ સહજ હોલિવુડની ફિલ્મોમાં પણ લાગે છે. એક કલાકાર તરીકે આ એની સૌથી મોટી જીત છે. ‘લવ અગેન’નો ઘટનાક્રમ પ્રેડિક્ટિબલ છે, પણ તોય આપણને તો પ્રિયંકાને કારણે ફિલ્મ જોવાની મોજ પડે છે. ફિલ્મ જે સત્યને રેખાંકિત કરે છે તે આ છેઃ અત્યંત તીવ્રતાથી અને સચ્ચાઈપૂર્વક ચાહેલી વ્યક્તિની બાદબાકી જીવનમાં ક્યારેય થતી નથી. દિલ વિસ્તરી શકે છે, નવી વ્યક્તિઓ ઉમેરાઈ શકે છે, પણ તમારા પ્રિયજનને કોઈ રિપ્લેસ કરી શકતું નથી…
————————
અ ફેમિલી અફેરઃ સંબંધોના આટાપાટા
————————
આ ફિલ્મ હજુ ગયા અઠવાડિયે સીધી નેટફ્લિક્સ પર જ રિલીઝ થઈ છે. પશ્ચિમના ‘સુધરેલા’ અને ‘અતિ આધુનિક’ ઓડિયન્સ માટે ઠીક છે, બાકી ભારતીય સંદર્ભમાં આ ફિલ્મમાં દેખાડેલા સંબંધોના તાણાવાણા અજીબોગરીબ લાગે. બાકી કઈ સ્ત્રી પોતાની દીકરીના બોસ સાથે પહેલી જ મુલાકાતમાં શરીરસુખ માણવા લાગે? ને તે પણ ઘરના બધા દરવાજા ખુલ્લા રાખીને? આ અમેરિકન રોમ-કોમની સ્ટોરી કંઈક એવી છે કે ઝારા (જૉ કિંગ) નામની ચોવીસ વર્ષની યુવતી એક હોલિવુડ સુપરસ્ટાર ક્રિસ કોલ (ઝેક એફ્રોન)ની પર્સનલ આસિસ્ટન્ટ, મેનેજર, પ્યુન, ઇન્ટરપ્રીટર જે કહો તે બધું જ છે. ક્રિસ નગુણો છે, કાયમ ઝારાને હડય હડય કરતો રહે છે. એક વાર એ ગુસ્સામાં ઝારાને કાઢી મૂકે છે. પછી પસ્તાઈને એને મનાવવા એના ઘરે જાય છે. ઘરે ઝારા તો નથી, પણ એની અવોર્ડવિનિંગ લેખિકા મમ્મી (નિકોલ કિડમેન) છે, કે જે અગિયાર-બાર વર્ષથી વૈધવ્ય પાળી રહી છે. બન્ને વચ્ચે આકર્ષણના તણખા ઝરે છે અને બન્ને ડેટિંગ શરૃ કરી દે છે. ઝારા આઘાત પામી જાય છેઃ મમ્મી… તું… બીજું કોઈ નહીં ને તું મારા બોસ સાથે ઇલુ-ઇલુ કરે છે? તને બીજું કોઈ ન મળ્યું? તને ખબર છે ક્રિસ કેવો લફરેબાજ છે? એની રગેરગ હું વાકેફ છું…
અને પછી કહાણીમાં (પ્રેડિક્ટિબલ) વળાંકો આવતા જાય છે. આ ફિલ્મમાં વજન આવે છે બબ્બે ઓસ્કરવિનર સિનિયર અભિનેત્રીઓની જુગલબંદીને કારણે. એક તો નિકોલ કિડમેન અને બીજી કેથી બેટ્સ કે જે નિકોલની સાસુ બને છે. ફિલ્મમાં સાસુ-વહુનાં દૃશ્યો સૌથી સુંદર બન્યાં છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ આ છે. નિકોલ કહે છેઃ સાસુમા, તમને શું એમ છે કે હું અને તમારો દીકરો સુખી હતાં? સચ્ચાઈ એ છે કે મારી સફળતા તમારા દીકરાને પીડા આપતી હતી. અમે ડીવોર્સની ધાર સુધી પહોંચી ગયાં હતાં, પણ આ તો તમારા દીકરાને કેન્સર ડિટેક્ટ થયું એટલે વાત આગળ ન વધી, નહીંતર… સાસુમા કહે છેઃ આ વાત તેં મને અત્યાર સુધી કેમ ન કહી? તું આટલાં વર્ષોથી આ બોજ એકલી વેંઢારતી રહી? તું મારી વહુ કરતાં દીકરી વધારે છો એ તું જાણતી નથી?
કેથી બેટ્સ જેવી ધરખમ અભિનેત્રી મેદાનમાં ઉતરે ત્યારે એનું પાત્ર કેન્દ્રીય ન હોય તો પણ સૌથી વધુ વાહવાહી ઊઘરાવી જાય.
‘લવ અગેન’ની જેમ ‘અ ફેમિલી અફેર’ પણ સુખાંત ધરાવે છે. અગાઉ નોંધ્યું તેમ, ફક્ત ક્રિટિકલી એક્લેઇમ્ડ કે હાઇ પ્રોફાઇલ ફિલ્મો જ જોવી એવો આગ્રહ જો તમે ન ધરાવતા હોય તો વરસાદી મોસમમાં આ રોમેન્ટિક કોમેડી ફિલ્મો માણી શકો છો. હા, નેટફ્લિક્સ ઓન કરતાં પહેલાં ગરમાગરમ ચાનો મગ ને ભજિયાંની પ્લેટ બાજુમાં મૂકવાનું ન ભૂલતા!
– શિશિર રામાવત
#CinemaExpress #LoveAgainMovie #AFamilyAffair #GujaratiSamachar
Leave a Reply