ઓલિમ્પિક ગોલ્ડ અને ઓસ્કર અવોર્ડ – આ બન્ને એક જીવનમાં જીતી શકાય છે!
—————————
‘પ્રતિભા કરતાં પરિશ્રમ ચઢિયાતો છે. હંમેશા!’ મહાન બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટ, કે જેણે ઓસ્કર અવોર્ડ પણ જીત્યો છે, તેઓ કહે છે, ‘મમ્બા મેન્ટાલિટી એટલે આ જ – પરોઢિયે ચાર વાગે ઉઠીને મહેનત કરવા મંડી પડવું, બીજાઓ કરતાં વધારે કામ કરવું અને પોતે કરેલા પરિશ્રમ પર ભરોસો રાખવો.’
—————————
વાત-વિચાર ૦એડિટ પેજ ૦ ગુજરાત સમાચાર
—————————
ડિયર બાસ્કેટબોલ,
સાવ નાનો હતો ત્યારે
હું ડેડીના એક મોજાને બીજા મોજાની અંદર નાખી
દડા જેવું બનાવી
કાલ્પનિક બાસ્કેટમાં એ દડો ફેંકતો.
બસ, એ ક્ષણથી જ મને સમજાઈ ગયું હતું કે
મને તારાથી પ્રેમ થઈ ગયો છે.
મારો પ્રેમ એટલો તીવ્ર હતો
કે મેં તને મારું સર્વસ્વ સમર્પિત કર્યું
મારું તન, મારું મન
મારો જુસ્સો, મારો આત્મા.
હું છ વર્ષનો ટાબરિયો હતો
અને ડ્રોઇંગ રૂમમાં નાચ્યા કરતો.
ત્યારે હું નાનકડો બોલર હતો
જેનાં સપનાં બહુ મોટાં હતાં.
હવે તું મારો પાર્ટનર અને પ્રેરણા છો
તું મારું પેશન અને મારો આનંદ છો.
તારા કદી ન ઢીલા પડતા જોમ અને તારી અજોડ સોગાદો સાથે
મેં જીવનના ચડાવઉતાર જોયા છે.
હવે જ્યારે હું પાછો વળીને
આપણી સહયાત્રા તરફ નજર કરૃં છું
ત્યારે મને સમજાય છે કે –
સારા સમયમાં ને ખરાબ સમયમાં
મેં જે માગ્યું તે બધું જ તેં મને આપ્યું છે.
… અને હવે ઘડી આવી છે અલવિદા કહેવાની.
આ તમામ સ્મૃતિઓ અને
જીવનના ઉત્તમોત્તમ પાઠ બદલ
મારા જીવનને આકાર આપવા બદલ
હું આજે જે કંઈ છું તે બનાવવા બદલ
તારો આભાર.
પ્રિય બાસ્કેટબોલ,
તું જ મારા જીવનનો અસલી પ્રેમ છો….
* * *
કેટલી હૃદયસ્પર્શી કવિતા. તે કોબે બ્રાયન્ટે લખી છે. કોબે બ્રાયન્ટ એટલે બાસ્કેટબોલની દુનિયાના સર્વકાલીન મહાનતમ ખેલાડીઓમાંના એક. એક લેજન્ડ. કોબે લાંબું ન જીવ્યા. ૧૯૭૮માં અમેરિકામાં એમનો જન્મ અને ૨૦૨૦માં, ફ્કત ૪૧ વર્ષની વયે હેલિકોપ્ટર ક્રેશમાં એમનું અણધાર્યું મૃત્યુ થયું, પણ એમની રમતમાંથી, એમના જીવનની ફિલોસોફીમાંથી દુનિયાભરના ખેલાડીઓ પ્રેરણા લેતા રહ્યા છે.
ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવો એ શ્રેષ્ઠતાની ચરમસીમા છે. તે જ ઓસ્કર અવોર્ડ જીતવો તે પણ કળાની દુનિયામાં ઉત્કૃષ્ટતાની પરાકાષ્ઠા છે. ખેલજગતમાં ઓલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ અને સિનેમાજગતમાં ઓસ્કર અવોર્ડથી આગળ બીજી કોઈ સિદ્ધિ નથી… અને કોબે એ અસાધારણ વ્યક્તિ છે, જેણે આ બન્ને સિદ્ધિ મેળવી છે! ૨૦૦૮ની બીજિંગ ઓલિમ્પિક્સમાં અને ૨૦૧૨ની લંડન ઓલિમ્પિક્સમાં કોબે બ્રાયન્ટ જેનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હતા એવી યુએસએ બાસ્કેટબોલ ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
આ હજુ સમજાય એવું છે, પણ એક સ્પોર્ટ્સમેનને ઓસ્કર અવોર્ડ શા માટે મળવો જોઈએ? બન્યું એવું કે ૨૦૧૫માં કોબેએ પ્રોફેશનલ બોસ્કેટબોલમાંથી નિવૃત્તિ લીધી. તેઓ હવે પોતાનું વર્તુળ વિસ્તારવા માગતા હતા. સ્ટોરીટેલિંગ એટલે કે વાર્તાકથન હંમેશા એમની ગમતી વસ્તુ રહી છે. આથી બાસ્કેટબોલની નિવૃત્તિ વખતે એમના દિલ-દિમાગમાં લાગણીઓનો જે વંટોળિયો ફૂંકાઈ રહ્યો હતો તે એમણે કવિતા સ્વરૂપે શબ્દોમાં ઉતાર્યો. કવિતાને શીર્ષક આપ્યું – ‘ડિયર બાસ્કેટબોલ’. પછી એમને વિચાર આવ્યો કે આ કવિતા પરથી નાનકડી એનિમેશન ફિલ્મ બને તો કેવું? કોબેની આખી જીવનયાત્રા પાંચ મિનિટની એેનિમેટેડ શોર્ટ ફિલ્મમાં હૃદયસ્પર્શી રીતે ઝીલાઈ. ડિઝનીના સિનિયર એનિમેટર ગ્લેન કીને આ શોર્ટ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે અને જોન વિલિયમ્સ નામના વિખ્યાત કંપોઝરે એમાં સંગીત આપ્યું છે. ફિલ્મનું લખાણ અને નરેશન બન્ને કોબેના છે. ૨૦૧૮માં ‘ડિયર બાસ્કેટબોલે’ બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો ઓસ્કર જીતી લીધો. આમ, સ્પોર્ટસ અને સિનેમા જેવાં તદ્દન જુદાં ક્ષેત્રોનાં સર્વોચ્ચ પુરસ્કાર જીતીને કોબેએ ઇતિહાસ રચી નાખ્યો. આ પ્રકારનો આ પહેલો અને છેલ્લો કિસ્સો છે!
કોબે બ્રાયન્ટે બેસ્ટસેલર આત્મકથા લખી છે, જેનું ટાઇટલ છે, ‘ધ મામ્બા મેન્ટાલિટીઃ હાઉ આઇ પ્લે’. કોબેએ પોતાનું હુલામણું નામ રાખ્યું હતું – ‘બ્લેક મામ્બા’. એના ચાહકો અને મીડિયા એને ‘બ્લેક મામ્બા’ કહીને બોલાવતા. મામ્બા એક પ્રકારનો બળુકો, ઝડપી અને અતિ ઝેરી સાપ છે. ક્વેન્ટિન ટેરેન્ટિનોની યાદગાર ફિલ્મ ‘કિલ બિલ’ની ખતરનાક હિરોઈન ઉમા થર્મનને ‘બ્લેક મામ્બા’ કોડ નેમ અપાયું હતું, યાદ છે? મામ્બા મેન્ટાલિટી એટલે, સમજોને કે, કોબે બ્રાયન્ટની જીવન જીવવાની ને ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની રીત. કોબે કહે છે, ‘કામ પર ફોકસ કરવું અને પરિશ્રમ પર ભરોસો કરવો – આ છે મામ્બા મેન્ટાલિટીનો સાર. કોમ્પિટિટીવ સ્પિરિટનો આના કરતાં ચઢિયાતો બીજો કોઈ મંત્ર ન હોઈ શકે.’
આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે માત્ર સ્પોર્ટ્સ જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માગતા માણસને તે પાનો ચડાવી દે છે. કોબેને પિતાજી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના બાસ્કેટબોલ પ્લેયર હતા. તેઓ નિવૃત્ત થયા ત્યારે કોબે છ વર્ષના હતા. કોબે મેજિક જ્હોન્સન, લેરી બર્ડ અને માઇકલ જોર્ડન જેવા બાસ્કેટબોલના મહાનતમ ખેલાડીઓને જોઈને મોટા થયા છે. સામાન્યપણે લોકો સ્વીકારી લે કે આ બધા તો સુપરહીરો કહેવાય, એમની વાત જ ન થાય… પણ કોબે હંમેશા પોતાની જાતને પૂછતાઃ હું આ મહાન ખેલાડીઓના સ્તર સુધી કેવી રીતે પહોંચી શકું? આ પ્રશ્નમાં ‘કેવી રીતે?’ સૌથી મહત્ત્વનું છે. પ્રશ્નમાં જ્યારે ‘કેવી રીતે?’ પૂછાય ત્યારે જવાબમાં તમારે પરિણામની નહીં પણ રીતની, પ્રોસેસની અને તેને અમલમાં મૂકવા માટે અત્યંત જરૂરી એવી શિસ્તની વાત કરવી પડે. કોબે હંમેશા કહેતા કે, ‘કશુંય મહાનતમ હાંસલ કરવું હોય તો એ વસ્તુ પ્રત્યે ગાંડપણની કક્ષાનું વળગણ થઈ જવું જોઈએ. લોકોને સિદ્ધિઓ મેળવવી છે, પણ તેઓ ભોગ આપવા તૈયાર નથી. તેઓ ખુદને સાચવી સાચવીને, બચાવી બચાવીને જીવે છે. તેઓ નકામી બાબતોમાં એટલી બઘી ઉર્જા વેડફી દે છે કે કરવા જેવા કામ માટે એનર્જી બચતી નથી.’
કોબેનું એક બહુ પ્રસિદ્ધ અવતરણ છે, ‘પ્રતિભા કરતાં પરિશ્રમ ચઢિયાતો છે. હંમેશા.’ તેઓ આગળ કહે છે, ‘મમ્બા મેન્ટાલિટી એટલે આ જ – પરોઢિયે ચાર વાગે ઉઠીને મહેનત કરવા મંડી પડવું, બીજાઓ કરતાં વધારે કામ કરવું અને જ્યારે ખરેખર પર્ફોર્મ કરવાનો વખત આવે ત્યારે પોતે કરેલા પરિશ્રમ પર ભરોસો રાખવો.’
કોબેની કામ કરવાની શૈલી ગજબનાક હતી. તેઓ હંમેશા એ વાતની ફિરાકમાં રહેતા કે કઈ રીતે પોતાની રુટિન એક્સરસાઇઝમાંથી વધુમાં વધુ પરિણામ મેળવી શકાય. તેઓ કહેતા, ‘તમે જો રોજ થોડું થોડું એકસ્ટ્રા કરશો, રોજ થોડીક વધારે મહેનત કરશો તો એ નાના નાના હિસ્સા ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધીને સમય જતાં એટલાં વિરાટ બની જશે કે લોકો તમને ‘જન્મજાત પ્રતિભાશાળી’, ‘અસાધારણ’ વગેરે કહેવા લાગશે. તેઓ કહેશે કે તમે એટલા આગળ નીકળી ચૂક્યા છો કે તમારી સ્પર્ધા કરવાનું વિચારી પણ શકાય તેમ નથી! અથાક કામ કર્યા વગર આ શક્ય નથી. લોકોને માત્ર સફળતા દેખાય છે, પણ તે સફળતા સુધી પહોંચવા માટે જે ભરપૂર પરિશ્રમ કર્યો હોય છે તે દેખાતો નથી.’
કહે છેને કે ઉપરવાળો પણ એને જ મદદ કરે છે, જે પૂરી મહેનત કરીને બેઠો હોય. કોબે કહે છે, ‘જો તમે અભ્યાસ નહીં કરો, તૈયારી નહીં કરો, પ્રેક્ટિસ નહીં કરો તો પછી તમારી જિંદગી નસીબના ભરોસે જ રેન્ડમલી ચાલ્યા કરશે.’ કોબે ક્યારેય ‘દેખા જાયેગા’માં નહોતો માનતા. તેઓ પ્રતિસ્પર્ધી ખેલાડીઓની ટેકનિકનો ઊંડો અભ્યાસ કરતા, મેચનાં રેકોર્ડિંગ વારે વારે જોયા કરતા અને પોતાની તેમજ બીજાઓની ભૂલોમાંથી શીખવાની કોશિશ કરતા રહેતા. તેમનામાં સતત શીખતા રહેવાની તીવ્ર ભૂખ રહેતી. તેઓ દુનિયાના શ્રેષ્ઠતમ ખેલાડીઓને મળીને એમના માઇન્ડસેટ, ટ્રેનિંગ રૂટિન, અમુક ચોક્કસ મુવ્ઝ વિશે ઢગલાબંધ સવાલો કરતા. શીખવાના મામલામાં તેમને કોઈ સંકોચ કે અહંકાર ન નડતો. તેઓ હંમેશા કહેતા, ‘આ આખી દુનિયા એક વિરાટ લાઇબ્રેરી છે. વાંચતા રહો, શીખતા રહો.’
કોબેને સૌથી વધારે ત્રાસ થતો આળસુ અને પ્રમાદી લોકોથી. આપણે કોઈ વાતે આળસ કરતા હોઈએ ત્યારે પોતાની જાતને કહેતા હોઈએ છીએ કે અડધી-પોણી કલાક પલંગ પર પડયા પડયા મોબાઇલ પર રીલ્સ જોઈ લઈશું તો શું મોટો ફરક પડી જવાનો છે? આટલો સમય તો પછી કવર કરી લેવાશે. કામ એકાદ-બે કલાક કે એકાદ-બે દિવસ પાછળ ઠેલાઈ જાય તો ક્યાં આભ તૂટી પડવાનું છે?… પણ ફરક પડતો હોય છે, ખૂબ ફરક પડતો હોય છે. એક-એક કલાકની અથવા તો એક-એક દિવસની આ આળસ સરવાળે એટલી બધી ભારે પડતી હોય છે કે તેની કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય. કોબે બ્રાયન્ટ જેવા ઉદ્યમી માણસને આળસુ માણસો દીઠા ન ગમતા. આળસુઓ માટે એના મનમાં કોઈ દયા-માયા નહોતી. તેઓ કહે છે, ‘આઇ કાન્ટ રીલેટ ટુ લેઝી પીપલ. મારી અને આળસુ માણસની ભાષા સરખી નથી. નથી મને એની વાત સમજાતી, ન એને મારી.’
ઓલિમ્પિક્સની આ સિઝનમાં કોબે બ્રાયન્ટની સાડાપાંચ મિનિટની ‘ડિયર બાસ્કેટબોલ’ એનિમેટેડ શોર્ટ ફિલ્મ જોવા જેવી છે. યુટયુબ પર તે અવેલેબલ છે. સર્ચ કરજો. તરત મળી જશે.
– શિશિર રામાવત
#KobeBrayant #vaatvichar #GujaratiSamachar
Leave a Reply