કસૂંબોઃ આટલી સુંદર ફિલ્મને એન્ટિ-મુસ્લિમ ગણાવવાની કુચેષ્ટા કોણ કરી રહ્યું છે?
બહુ જ સુંદર લાગણી હોય છે એક કલાકારને નજર સામે ક્રમશઃ વિકસતો જોવો. ગામડાગામમાં મોટો થયેલો વિજયગિરી નામનો એક છોકરો પોતાની પહેલી જ ફિલ્મ માટે ‘પ્રેમજી’ જેવો ખૂબ જોખમી વિષય પસંદ કરે છે. (મને યાદ છે, આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં વિજયે મને તેના જુદા જુદા બેથી ત્રણ કટ દેખાડ્યા હતા – એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગરનો કટ, એક કલર કરેક્શન વગરનો કટ, એક ફાઇનલ કટ, એવું.) તે પછી એ ‘મોન્ટુની બિટ્ટુ’ નામની પ્રમાણમાં ‘મેઇનસ્ટ્રીમ કમર્શિયલ’ કહેવાય તેવી અમદાવાદની પોળનાં પાત્રોવાળી ફિલ્મ બનાવે છે. ત્યાર બાદ આવે છે ગુજરાતમાં જ નહીં, પણ ગુજરાતની બહાર પણ વ્યાપક સ્તરે પોંખાયેલી એક નિતાંતપણે સુંદર ફિલ્મ, ‘21મું ટિફિન’. આ ત્રણેય એકબીજા કરતાં સાવ જુદી તાસીર ધરાવતી ફિલ્મો… અને ત્યાર બાદ આવે છે, ખાસ્સી મહત્ત્વાકાંક્ષી અને અગેન, આગલી ત્રણેય ફિલ્મો કરતાં સાવ જુદી એવી ‘કસૂંબો’. વિજયની આગલી ત્રણેય ફિલ્મોના પ્લસ પોઇન્ટ્સને એકઠાં કરીએ ને એના સરવાળામાંથી જે સંતોષ પામીએ તેના કરતાંય વધારે સંતોષ ‘કસૂંબો’ જોઈને થયો છે.
આ ફિલ્મ જોતી વખતે મને લાંબો વાંસડો લઈને હાઇ જમ્પ કરી રહેલો એથ્લેટ બે સંદર્ભમાં યાદ આવી રહ્યો હતો. આ ખેલાડી જોશપૂર્વક દોડે ને પછી વાંસડાની મદદથી ઊંચો કૂદકો લગાવીને હોરિઝોન્ટલ બારની બીજી તરફ લેન્ડ કરે. વિજયગિરિ માટે આ ફિલ્મ એક હાઇ જમ્પ સમાન છે. એક ફિલ્મમેકર તરીકેનો એમનો કરીઅરગ્રાફ ‘કસૂંબો’ને કારણે ફટાક કરતો ખૂબ ઊંચો ચઢી ગયો છે. બીજો સંદર્ભ તે આઃ ‘કસૂંબો’માં વાર્તાપ્રવાહ વહેતો વહેતો ક્લાઇમેક્સમાં એટલો મોટો હાઇ જમ્પ કરે છે કે આખી ફિલ્મ એક જ ઝાટકામાં કેટલાય લેવલ ઉપર જતી રહે છે. આવો રણઝણાવી મૂકે એવો, હબકી જવાય એવો, રીતસર ગૂઝબમ્પ આવી જાય એવો ક્લાઇમેક્સ આપણે છેલ્લે ક્યારે જોયો હતો?
‘કસૂંબો’એ ગુજરાતની એક ઓછી જાણીતી પ્રાણવાન કથાને પ્રકાશમાં લાવવાનું સરસ કામ કર્યું છે. એકએકથી ચઢિયાતા આટલા બધા કલાકારો ને બધાનું કામ ઉત્તમ. ‘કસૂંબો’ જોઈને સ્ટ્રોંગલી ફીલ થાય કે ગુજરાત અને મુંબઈ પાસે ખરેખર પ્રથમકક્ષ ગુજરાતી અદાકારો છે, જે આખા ભારતની કોઈ પણ ભાષાના કલાકારોને ટક્કર આપી શકે એવા ખમતીધર છે. ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર, ચેતન ધાનાણી, ફિરોઝ ઇરાની, જય ભટ્ટ, વિશાલ વૈશ્ય, જગજિતસિંહ વાઢેર, ફિલ્મનો ‘સ્પિરિચ્યુઅલ ઉઘાડ’ કરી આપતા મનોજ શાહ અને અફ કોર્સ, એક જ સીન હોવા છતાંય સિક્સર મારી જતા રાગી જાની… આહાહા, જાણે દેવીમાને ચડાવેલો છપ્પન ભોગનો મહાથાળ જોઈ લો. આટલા બધા કલાકારો છે ને સૌની પ્રેઝન્સ જસ્ટિફાય થઈ છે. શ્રદ્ધા ડાંગર ‘હેલ્લારો’ના સેટ પરથી સીધાં ‘કસૂંબો’ના સેટ પર આવી ગયાં હોય તેવું લાગે. શ્રદ્ધા જેવાં જાનદાર અભિનેત્રી પર હવે ટાઇપકાસ્ટ થઈ જવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મેહુલ સુરતીનાં ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર બન્ને મસ્ત. ગાર્ગેય ત્રિવેદીની સિનેમેટોગ્રાફી અસરકારક.
રામ મોરી, મને અત્યારે સરેઆમ ઓફિશિયલી કબૂલાત કરવા દો કે, મને તમારી મસ્ત ઇર્ષ્યા થાય છે. હા, આ ઇર્ષ્યાભાવ કરતાં તમારા માટે મને જે ગર્વની લાગણી થાય છે તે સો ગણી વધારે વજનદાર છે. તમારા ખમકારે સાચે જ ખોડલ સોહાય છે… દોસ્ત!
શું ‘કસૂંબો’ એક પરફેક્ટ ફિલ્મ છે? ના. ફિલ્મની ગતિ ક્યાંક ક્યાંક ધીમી પડી જાય છે, પણ અગાઉ કહ્યું તેમ, ફિલ્મનો અંત એટલો અફલાતૂન છે કે અગાઉ જે કંઈ થોડું ઘણું ખૂંચતું હતું તે બધું અપ્રસ્તુત થઈને એક તરફ હડસેલાઈ જાય છે, ભૂલાઈ જવાય છે.
હવે આ પોસ્ટના મથાળામાં લખી છે તે વાત. શું આ ફિલ્મ ઇસ્લામ-વિરોધી છે? કોણે કહ્યું? કોણ આવી નોનસેન્સ થિયરી ફ્લોટ કરી રહ્યું છે? ‘કસૂંબો’ આપણાં સનાતન અને આધ્યાત્મિક મૂલ્યોને સેલિબ્રેટ કરે છે અને તે જ તેનો ઉદ્દેશ છે. ફિલ્મમાં ક્રૂર અલાઉદ્દીન ખિલજી છે તો સાથે સાથે રોશન (મોનલ ગજ્જર) નામનું સ્ત્રીપાત્ર પણ છે, જે અત્યંત માસૂમ, સાફ અને કરૂણાસભર છે… અને તે પણ એક મુસ્લિમ કિરદાર જ છે. હા, ફિલ્મની એક ચીજ ખૂબ અકળાવી મૂકે છે. રાગી જાનીવાળા ચાવીરૂપ સીનમાં ભગવદગીતા શ્લોક મ્યુટ કરી દેવામાં આવ્યો છે… અને આ બેવકૂફી સેન્સર બોર્ડવાળાઓએ કરી છે. એક ભારતીય ફિલ્મમેકર ભારતીય ભાષામાં ફિલ્મ બનાવે ત્યારે શું એ પોતાના એક પાત્રના મોઢે ભગવદગીતાનો એક શ્લોક ન બોલાવી શકે? ભગવદગીતાના શ્લોકનો ઓડિયો મ્યુટ કરાવીને સેન્સર બોર્ડ શું પૂરવાર કરવા માગે છે? સેન્સર બોર્ડની આ કઈ કક્ષાની મૂર્ખતા અને મૂઢતા છે? ‘એ તો છેને સંજય લીલા ભણસાલનીની ‘પદ્માવત’ ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર હતું ને આ ફિલ્મને કારણે ખૂબ કન્ટ્રોવર્સી થઈ હતી એટલે અમે આ ફિલ્મમાં કોઈ ચાન્સ લેવા માગતા નથી…’ – આ ક્યા પ્રકારનું લોજિક છે? ‘કસૂંબો’ તો ઇસ્લામવિરોધી બિલકુલ નથી, પણ ભગવદગીતાનો શ્લોક મ્યુટ કરાવીને સેન્સર બોર્ડ જરૂર હિન્દુવિરોધી દુષ્કૃત્ય કરી નાખ્યું છે. કન્ટ્રોવર્સી થવાની જ હોય તો તે આ મુદ્દે થવી જોઈએ.
ખેર, ‘કસૂંબો’ જોજો. તે આપણી ભાષાની ફિલ્મ છે ને આપણે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવો જોઈએ માત્ર એટલે નહીં, પણ એટલા માટે કે આ એક સુંદર અને સશક્ત ફિલ્મ છે. જરૂર જોજો.
-શિશિર રામાવત
#kasoombo #KasoomboTheFilm
Leave a Reply