કબીર કુત્તા રામ કા, મુતિયા મેરા નાઉં…
———————–
કબીરના દોહાઓમાં ‘રામ’ શબ્દ અવારનવાર આવે છે. અહીં રામ એટલે માત્ર અયોધ્યાના રાજા દશરથના પુત્ર, એમ નહીં. કબીરના રામ એટલે ભગવાન. પરમ તત્ત્વ, પરમ ચેતના, પરમ સત્ય, પરમ આત્મા, પરબ્રહ્મ આ સૌ માટે ‘રામ’ શબ્દ પ્રતીકાત્મક રીતે પ્રયોજાતો રહ્યો છે
———————————–
વાત-વિચાર – ગુજરાત સમાચાર – Edit page
————————————
આજે આખો દેશ જ્યારે રામમય થઈ ગયો છે ત્યારે આપણે સંત કબીર અને એમના રામનું સ્મરણ ન કરીએ તે કેમ ચાલે?
કબીર કેવલ રામ કી, તૂ જિનિ છાડૈ ઓટ
ઘન અહરન બિચ લોહ જ્યૌં, ઘનો સહૈ સિરિ ચોટ.
કબીર કહે છે કે તું ફક્ત રામસ્મરણ એટલે કે પ્રભુસ્મરણ કર, તેને જ તારૃં લક્ષ્ય બનાવ. તને દુખોમાંથી મુક્ત કરવાની ક્ષમતા કેવળ રામ પાસે છે. જો તું એમ નહીં કરે તો જેમ હથોડાથી લોખંડ ટીપાતું રહે છે તેમ સાંસારિક દુખો તારા પર પ્રહારો કર્યા જ કરશે.
કબીર અને દુખ વચ્ચે તો ગર્ભનાળનો સંબંધ છે એવું દુન્યવી દષ્ટિએ જરૂર કહી શકાય. કથા એવી છે કે એક વિધવા બ્રાહ્મણ સ્ત્રીના કોખે કબીરનો જન્મ થયો હતો. બદનામીથી બચવા સ્ત્રીએ તાજા જન્મેલા કબીરને એક ટોપલીમાં સુવડાવી, ટોપલીને ગંગામાં વહાવી દીધી. યોગાનુયોગે એક મુસ્લિમ વણકર પતિ-પત્નીનું ધ્યાન આ નવજાત શિશુ તરફ ગયું. દંપતી નિઃસંતાન હતું તેથી તેઓ આ બાળકને પોતાના ઘરે લાવ્યાં અને તેનું પાલનપોષણ કર્યું. બીજી એક કથા એવી છે કે કબીર સ્વામી રામાનંદ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવા માગતા હતા. એક વહેલી પરોઢે તેઓ કાશીના પંચગંગા ઘાટ ગયા અને સૂર્યોદયની રાહ જોતાં ઘાટના પગથિયાં પર જ સૂઈ ગયા. સ્વામી રામાનંદ ત્યાંથી પસાર થયા. અંધકારને કારણે તેમનું ધ્યાન સૂતેલા કબીર પર ન ગયું અને એમનો પગ કબીર પર પડી ગયો. કોઈના શરીરને પોતાનો પગ લાગી ગયો છે તેનું ભાન થતાં જ સ્વામી રામાનંદના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયોઃ ‘રામ રામ!’. બસ, કબીરે આ ઉદ્ગારને ઝીલી લીધો અને રામનામને ગુરૂમંત્ર માની લીધો.
કબીરે સ્વામી રામાનંદને પોતાના ગુરૂપદે પ્રસ્થાપિત કર્યા તે વાત સાચી, પણ કબીરે ખુદને ક્યારેય કોઈ ધર્મવિશેષના સભ્ય માન્યા નહોતા. હિંદુ અને મુસ્લિમ બન્ને સમુદાયે કબીરને પોતાના ગણાવ્યા. કબીરના નિધન પછી અંતિમ ક્રિયા પોતાની પરંપરા અનુસાર કરવા માટે બન્ને સમુદાયો વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. તેથી આખરે કબીરની સમાધિ પણ બની અને મજાર પણ બની. કબીરના દોહાઓમાં કેટલીય વાર ‘રામ’ શબ્દ આવે છે. અહીં રામ એટલે ફક્ત રાજા દશરથના પુત્ર, એમ નહીં. કબીરના રામ એટલે ભગવાન. પરમ તત્ત્વ, પરમ ચેતના, પરમ સત્ય, પરમ આત્મા, પરબ્રહ્મ આ સૌ માટે પ્રતીકાત્મક રીતે ‘રામ’ શબ્દ પ્રયોજાતો આવ્યો છે. કબીરે એક દોહામાં ગાયું છેઃ
એક રામ દસરથ ઘર ડૌલે, એક રામ ઘટ-ઘટ મેં બોલૈ,
એક રામ કા સકલ પસારા, એક રામ હૈ સબ સે ન્યારા.
કબીર કહે છે આ સંસારમાં ચાર રામ છે. એક રામ એટલે દશરથના પુત્ર, બીજા રામ જે પ્રત્યેક જીવની ભીર રહે છે, ત્રીજા રામે આ સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે અને ચોથા રામ આ ત્રણેય રામથી પર છે અને એમાં આ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે.
કસ્તૂરી કુંડલ બસૈ, મૃગ ઢૂંઢે બન માહિ,
ઐસે ઘટ-ઘટ રામ હૈ, દુનિયા ખોજત નાહીં.
કબીર કહે છે કે, મૃગ કસ્તુરીની સુગંધથી આકર્ષાઈને તેને શોધવા માટે આખા જંગલમાં રઝળપાટ કરતું રહે છે, એવું જ માણસનું છે. એ રામને શોધવા એક ધર્મસ્થળથી બીજા ધર્મસ્થળ જાત્રા કરતો રહે છે, પણ રામ તો ઘટ-ઘટમાં, આ જગતના કણેકણમાં છે, ખાસ તો સ્વયંની ભીતર છે. રામને શોધવા માટે બહાર નહીં, પણ પોતાની ભીતર દષ્ટિ કરવાની છે.
જંગલનો ઉલ્લેખ એક અન્ય દોહામાં પણ થયો છેઃ
કબીર બન-બન મેં ફિરા, કારણિ અપણૈં રામ
રામ સરીખે જન મિલે, તિન સારે સબરે કામ.
કબીર કહે છે કે રામને શોધતાં-શોધતાં હું એક વનથી બીજા વનમાં ગયો. મને ત્યાં રામ તો નહીં, પણ રામ સમાન ભક્તો મળી ગયા ને મારું વન-વન ભટકવું સફળ થઈ ગયું. કબીર અહીં રામભક્તને લગભગ રામની કક્ષા પર મૂકી દે છે. રામભક્ત હનુમાનને આપણે એટલે જ ભગવાન તરીકે પૂજીએ છીએને.
કબીરની ‘રામૈયા રામ’ કૃતિ કેટલી સુંદર છે. એની કેટલીક પંક્તિઓ –
હંસે સરવર શરીર મેં, હો રમૈયા રામ
જાગત ચોર ઘર મુસૈ, હો રમૈયા રામ.
કબીર મનુષ્યની ભીતર રહેલી પરમ ચેતના માટે ‘રમૈયા રામ’ શબ્દપ્રયોગ કરે છે. કબીર શરીરને સરોવર સાથે અને આત્માને હંસ સરખાવે છે. કબીર કહે છે કે હે માણસ, તું જાગતો હોવા છતાં તારા હૃદયરૂપી ઘરમાં કામ અને ક્રોધરૂપી ચોર ઘૂસી જાય છે અને વિવેકરૂપી ધનની ચોરી કરી લે છે.
જો જાગલા સો ભાગલા, હો રમૈયા રામ.
સોવત ગૈલ બિગોય, હો રમૈયા રામ.
જો માણસ જાગી જશે, એટલે કે જો એનામાં જ્ઞાાનની જાગૃતિ આવશે તો પ્રપંચો દૂર ભાગી જશે. જો માણસ અજ્ઞાાનના અંધકારમાં સૂતેલો રહેશે તો જીવનનું સાચું ધન ગુમાવી બેસશે.
શરીરને તુચ્છ માટી ગણીને ઉતારી પાડવાની જરૂર નથી. શરીર નહીં હોય તો મોક્ષ તરફ ગતિ કેવી રીતે થશે? કબીર એટલે જ કહે છે કે-
ફિર પાછે જનિ હેરહુ, હો રમૈયા રામ
કાલબૂત સબ આહિ, હો રમૈયા રામ.
ભક્તિને પણ બુદ્ધિનો આધાર જોઈએ. જો વિવેકબુદ્ધિ નહીં હોય તો બનાવટી ગુરૂઓની વાતોમાં અટવાઈ જવાશે. કબીર કહે છે કે સ્વતંત્ર વિચારશક્તિથી વાતનો મર્મ જાણવા-સમજવાનો પ્રયાસ જરૂર કરો.
કહહિં કબીર સુનો સંતો, હો રમૈયા રામ
મન બુદ્ધિ ઢિગ ફેલાવગુ, હો રમૈયા રામ.
રામ વિશેની ‘જાણકારી’ હોવી અને રામમય હોવું આ તદ્દન જુદી સ્થિતિઓ છે. સત્ય શું છે, ધર્મ શું છે તે જાણતો હોવા છતાં એના તરફ જોયું-ન જોયું કરતો માણસ ખતરનાક છે!
જાનિ બુઝિ સાંચહિ તજૈ, કરૈં ઝૂઠ સૂં નેહુ
તાકી સંગતિ રામજી, સુપિનેં હી જિનિ દેહું.
કબીર અહીં કહે છે કે જે માણસ જાણીજોઈને સત્યને છોડી દે છે અને અસત્ય સાથે સંબંધ જોડી લે છે, એનો ભેટો મને સપનામાં પણ ન થાય એવું કરજો, મારા રામ!
રામના ભક્ત હોવંુ કંઈ નાનીસૂની વાત નથી. અહીં સાચા ભક્તની વાત થઈ રહી છે, ભક્તિનું નાટક કરનારાઓની નહીં. સાંભળો-
આગિ કહયાં દાઝૈ નહીં, જે નહીં ચંપૈ પાઈ
જબ લગ ભેદ ન જાણિયે, રામ કહયા તૌ કાઈ.
કબીર કહે છે કે આગ શબ્દ બોલવાથી કંઈ દાઝી જવાતું નથી. અગ્નિ પર પગ રાખો તો દાઝવું એટલે શું એની ખબર પડે. એ જ પ્રમાણે રામને સમજવા હોય તો રામત્વ પામવાની કોશિશ કરવી પડે છે, રામના ગુણોને જીવનમાં ઉતારવા પડે છે, રામની જેમ તપવું પડે છે, કષ્ટો સહન કરવા પડે છે. પોતાની જાતને બચાવી રાખીને ફક્ત રામ-રામ બોલ્યા કરશો તો કોઈ ફાયદો થવાનો નથી. ઊલટાનું આ તો પાખંડ ગણાઈ જશે.
ભક્તિને જીવાતા જીવનથી ક્યાં દૂર રાખી શકાય છે. માણસને ધર્મ પણ ત્યારે જ યાદ આવે છે જો એનું પેટ ભરેલું હશે. આ વાત કબીરના આ દોહામાં કેટલી સરસ રીતે કહેવાઈ છેઃ
ના કુછ દેખા રામ ભજન મેં, ના કુછ દેખા પોથી મેં,
કહત કબીરા સુનો ભાઈ સાધુ, જો દેખા વો દો રોટી મેં.
કબીરના એક ચોટદાર દોહાથી વાત પૂરી કરીએ.
કબીર કુત્તા રામ કા, મુતિયા મેરા નાઉં.
ગલૈ રામ કી જેવડી, જિત ખૈંચે તિત જાઉં.
કબીરનું બેધડકપણું જુઓ. તેઓ સ્પષ્ટપણે કહી દે છે કે હું તો રામનો કૂતરો છું, ને મારંુ નામ મોતી છે. મારા ગળામાં રામનામની સાંકળ છે એટલે રામ મને જ્યાં લઈ જાય ત્યાં હું ચુપચાપ જતો રહું છું! જીવનમાં જો કોઈ બંધન હોય તો રામનું બંધન હોવું જોઈએ, પ્રભુપ્રેમનું બંધન હોવું જોઈએ. આવું બંધન હોય તો મુક્તિની જરૂર પણ કોને છે? કહે છેને કે મુક્તિ એટલે બીજું કશું નહીં, પણ સાચુ બંધન. યોગ્ય બંધનને જ મુક્તિ કહેવામા આવી છે. રામપ્રેમનું બંધન હોય પછી જીવનમાં મોજ સિવાય બીજું બચે છે પણ શું?
– શિશિર રામાવત
#vaatvichar #gujaratsamachar #jaishriram #kabir
Leave a Reply