વિપશ્યના અને સર્જકતાઃ પારુલ ખખ્ખરના લેટેસ્ટ પુસ્તકમાં શું છે?
———————————
લ્યો… પાંદડી નીકળી પડી પોલાદના રસ્તે!
———————————
‘પ્રલંબ રાસની કથા’ પુસ્તકની પ્રસ્તાવનાના પ્રારંભમાં જ એક કબૂલાત કરી લઉં છું. પારુલ ખખ્ખરના આ મસ્તમજાના પુસ્તકમાંથી પસાર થતી વખતે મારા મનમાં કઈ લાગણી વારે વારે સપાટી પર આવી જતી હતી, કહું? મીઠી ઈર્ષ્યાની! હું મારે જાતને કહેતો હતોઃ ભલા મા’ણા, તું વિપશ્યનાની દસ દિવસની ત્રણ-ત્રણ શિબિરો કરીને બેઠો છે, તને કેમ આવું પુસ્તક લખવાનો વિચાર સુધ્ધાં ન આવ્યો? તારી અખબારી કોલમમાં વિપશ્યના વિશે બે લેખ લખીને કેમ સંતોષ માની લીધો, આળસુડા!
પારુલ ખખ્ખરના લખાણની આ તાકાત છે. જો તમે હજુ સુધી ક્યારેય વિપશ્યનાની શિબિર અટેન્ડ કરી ન હોય તો આ પુસ્તકના વાંચનથી તમને આ અદભુત યોગસાધના શીખવાનો ધક્કો લાગશે. જો તમે ઓલરેડી શિબિરમાં ભાગ લઈ ચૂક્યા હશો તો તમે તેને તીવ્રતાથી મિસ કરવા લાગશો અને ફરી ક્યારે દસ-બાર દિવસ ફાળવીને ઔર એક શિબિર અટેન્ડ કરી શકાય તેમ છે તેનું પ્લાનિંગ કરવા માંડશો.
આગળ વધતાં પહેલાં ઝડપથી એ સમજી લઈએ કે વિપશ્યના એટલે એક્ઝેક્ટલી શું? વિપશ્યના એટલે પોતાની જાતને વિશેષ રીતે જોવી, સાક્ષીભાવે જોવી. સંસ્કૃતમાં પશ્યન્તિ એટલે જોવું. ગૌતમ બુદ્ધે પ્રચલિત કરેલી આ વિદ્યા ચિત્તના શુદ્ધિકરણની ક્રિયા છે. આપણા મન પર બાળપણથી સતત, એકધારા મેલના થપેડા જામતા જાય છે. જીવનમાં આવતાં અનેકરંગી સુખ-દુખ, ચડાવ-ઉતાર અને જન્મીને વિલીન થઈ જતી પ્રત્યેક લાગણી મનની સપાટી પર એક ડાઘ છોડી જાય છે. જો આ અગણિત ડાઘ દૂર ન થાય અને મનમાં ગાંઠો પર ગાંઠો પડતી જ જાય તો પ્રસન્નતા હણાતી જાય, જિંદગીની ગુણવત્તા ઉત્તરોત્તર કથળતી જાય. વિપશ્યના મનને વાળીચોળીને સાફ કરવાનું અને એમાં પડી ગયેલી ગાંઠોને ખોલીને દૂર કરવાનું કામ કરે છે. કેવી રીતે? વિપશ્યના કેન્દ્રમાં એકધારા દસ દિવસ અને દસ રાતની શિબિર અટેન્ડ કરવાથી, પરિવાર–સમાજ-મોબાઇલ-ટીવી-અખબારો-સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે કપાઈ જઈને, વહેલી પરોઢથી રાત સુધી ચાલતી વિપશ્યનાની સાધનામાં સતત વ્યસ્ત રહીને.
અલબત્ત, માત્ર દસ દિવસની એક શિબિર કરવાથી લક્ષ્યવેધ ન થાય. શિબિર પૂરી થયા પછી સતત અને નિયમિતપણે વિપશ્યનાનો રિયાઝ કરતો રહેવો પડે. આ અતિ પ્રાચીન વિદ્યા બે-અઢી હજાર વર્ષ પહેલાં ભારતમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી. સદભાગ્યે આપણા પાડોશી દેશ બર્મામાં ગુરુ-શિષ્ય પરંપરા રૂપે તે શુદ્ધતમ સ્વરૂપમાં જળવાઈ રહી હતી. ગઈ સદીના ઉત્તરાર્ધમાં સત્યનારાયણ ગોએન્કા બર્માથી આ વિદ્યા પાછી ભારત લાવ્યા, જે ક્રમશઃ સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની.
અચ્છા, આ દસ દિવસની શિબિરમાં કેવા અનુભવો થાય? સાધકોએ કેવી કેવી અનુભૂતિઓમાંથી પસાર થવું પડે? શું શિબિરને અંતે મન ખરેખર સ્વચ્છ થાય ખરું? બસ, આ બધા પ્રશ્નોના ઉત્તરોનું ઝુમખું એટલે પારુલ ખખ્ખરનું આ પુસ્તક. અલબત્ત, આ કંઈ વિકીપિડીયા પ્રકારનું ઇન્ફોર્મેટિવ લખાણ નથી. આ એક અંગત અનુભવકથા છે, જેમાં લેખિકાનું અન્ય વિગતોની સાથે સાથે આંતરિક વ્યક્તિત્ત્વ પણ ક્રમશઃ ઊઘડતું જાય છે. આ સ્મૃતિના આધારે લખાયેલી દૈનંદિની છે, જેમાં માત્ર સપાટી પર થતી શારીરિક ક્રિયાઓ ને વિધિઓની નોંધ નથી, પણ ચિત્તમાં સર્જાતાં આંદોલનોનાં અસરકારક શબ્દચિત્રો પણ છે. પારુલ ખખ્ખરની આ પહેલી જ વિપશ્યના શિબિર છે એટલે આ પુસ્તક એક ‘નવાં સાધિકા’ના દૃષ્ટિકોણથી લખાયું છે તે ખરું, પણ પારુલજી કેવળ સાધિકા નથી, તેઓ એક સંવેદનશીલ કવયિત્રી અને સર્જનાત્મકતાથી છલોછલ લેખિકા પણ છે. તેથી જ પહેલા દિવસની પરોઢનું તેઓ આવું વર્ણન કરી શકેને! વાંચોઃ
‘બહારથી ઝીણો, મધુર રણકાર કાને પડ્યો! બારી ખોલી બહાર નજર કરી તો દેખાયું કે એક આધેડ ધમ્મસેવિકાજી અમને જગાડવા માટે ઘંટડી વગાડતાં વગાડતાં દરેક રૂમ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. પહેલાં તો કાન પર વિશ્વાસ ન આવ્યો પછી તો આહા…રોમેરોમ ઝણઝણાટી થઈ આવી. મને થયું આવી ઘંટડી તો સાસુજી બાળ કનૈયાને જગાડવા માટે વગાડે છે ! અહીંયા તો રાધાઓને, રૂક્મણીઓને, મીરાંઓને જગાડવા વગાડાઈ રહી છે… ઢોલ-નગારાંથી તો સૌ કોઈ જાગે, ઝીણી ઘંટડીથી જાગે તે ખરાં જાગતલ!’
પાલિતાણા સ્થિત વિપશ્યના કેન્દ્રના પ્રાકૃતિક માહોલનું, જ્યાં ઉતારો મળ્યો છે જે સિંગલ-સીટેડ કોટેજનું, મુખ્ય મેડિટેશન હૉલનું, શિબિરના રૂટિન ક્રિયાઓનું સરસ વર્ણન આખા પુસ્તકમાં ફેલાયેલું છે. જેમ કે, ડાઇનિંગ રૂમની ડિઝાઇન એવી રીતે થઈ છે કે જમતી વખતે સાધકોના ચહેરા એકબીજાની સામે નહીં, પણ દીવાલ તરફ રહે. શા માટે? કારણ કે આ દસ દિવસ દરમિયાન તમામ સાધકોએ ચુસ્તપણે કેવળ મૌન નહીં, પણ આર્ય મૌન પાળવાનું છે, એટલે કે કોઈની સાથે આંખોથી, સ્મિતથી કે ઈશારાથી પણ કમ્યુનિકેટ કરવાનું નથી!
એક ક્રિયેટિવ દિમાગને જ્યારે આવું ભર્યું ભર્યું એકાંત મળે ત્યારે એમાં સર્જનાત્મક સ્પંદનો ન જાગે તેવું કેવી રીતે બને? એક રાત્રે એકાએક એક કવિતા કશા જ પૂર્વસંકેત વગર કવયિત્રી પાસે આવી પહોંચે છે… અને પછી જાત સાથે કેવો સંઘર્ષ થાય છે? લેખિકા લખે છેઃ
‘અચાનક કવિતાની પંક્તિ સ્ફૂરી! ‘સૂના અવાવરુ ખૂણે થયું છે અજવાળું’
મેં કવિતાને કહ્યું ‘અરે..તું શું કામ આવી?’
કવિતા કહે ‘મારી મરજી !’
‘એમ તારી મરજી શેની ચાલે? અહીંયા સાધના છે, ધ્યાન છે તારું કોઈ સ્થાન નથી.’
‘મારું સ્થાન અવિચળ છે..’
હું રીતસર કરગરી ‘જા ને માવડી. દસ દિવસ પછી આવજે.’
પણ કવિતા જીદ લઈને બેસી ગઈ કે આવવું જ છે. ચિત્ત ચકડોળે ચડ્યું, શબ્દો ધક્કામુક્કી કરવા લાગ્યાં. અવનવા કાફિયા પોતાની જાતે ‘અજવાળું’ રદીફ લઈને ટકોરા મારવા લાગ્યાં. મા શારદા સામે ચાલીને પ્રસાદી આપવા આવ્યાં હોય તેમ કવિતા અવતરણ પામવા ઉતાવળી થઈ. શબ્દ બ્રહ્મ છે એની સાક્ષાત અનુભૂતી થવા લાગી, કોઈ અજાણી શક્તિ મને કવિતા રચવા પ્રેરીત કરવા લાગી અને મેં હથિયાર હેઠાં મૂક્યાં. શબ્દની તાકાત જીતી અને હું હારી.’
કલાકાર મનમાં જાતજાતના શબ્દો, પંક્તિઓ, વિચારો, વિષયો કોઈ પણ ક્ષણે ફૂટતા હોય છે. તેને જો વહેલાસર કાગળ પર કે લેપટોપ-કમ્પ્યુટરમાં ટપકાવી લેવામાં ન આવે તો પૂરેપૂરી શક્યતા છે કે તે દિમાગમાંથી તદ્દન છટકી જાય પછી કેમેય કરીને યાદ જ ન આવે. મન ગોથાં ખાધાં કરે કે મારું બેટું પેલું શું મનમાં આવ્યું હતું? શું વિચાર્યું હતું? આવી સ્થિતિમાં અકળામણનો પાર ન રહે. વિપશ્યના શિબિરમાં તો તમારી પાસે કાગળનો કટકો કે પેન્સિલ સુધ્ધાં રાખવાની છૂટ ન હોય. તેથી લેખિકા કહે છેઃ
‘(મનમાં સ્ફૂરેલી) કવિતાને મગજને હવાલે કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. મેં જાતને કડક સુચના આપી કે ‘આ કવિતા તારે દસ દિવસ સુધી મગજમાં રાખવાની છે.’ ત્યાં તો અંદરથી કોઈ વ્યંગપૂર્ણ મલક્યું ‘અહીંયા યાદ રાખવા આવી છો કે ભૂલવા આવી છો એ જરા વિચારી લેજે.’ હું પણ મનોમન મલકી પડી. વાત તો સાચી હતી તેથી ગાંઠે બાંધી લીધી.’
વિપશ્યના અને તેની પૂર્વતૈયારી રૂપે શીખવવામાં આવતી આનાપાન ક્રિયામાં શ્વાસનું ઘણું મહત્ત્વ છે. શ્વાસોચ્છવાસ એ મનુષ્યની સૌથી મૂળભૂત શારીરિક ક્રિયા છે. વિપશ્યના વિદ્યા શીખતી વખતે શ્વાસનો છેડો પકડીને જ ધીમે ધીમે મનના અગોચર વનમાં પ્રવેશ કરવાનો છે. તેથી જ લેખિકા સહેજ મૂંઝાઈને લખે છેઃ
‘લગભગ ૧૩ વર્ષથી ગીતાના વિચારો લઈને જીવતા મનને આત્મા-પરમાત્માનું ધ્યાન સ્વીકાર્ય હતું પણ આ તો શરીરનું ધ્યાન હતું એ કેમ ગળે ઉતરે?’
વિપશ્યના વિદ્યા સહેલી નથી જ. તે સાધક પાસેથી સંપૂર્ણ સમર્પણ તો માગી જ લે છે, સાથે સાથે શરીર અને મન બન્ને પાસે ખાસ્સું આકરું કહી શકાય તેવું તપ પણ કરાવે છે. તેથી જ લેખિકા એક જગ્યાએ લખે છેઃ
‘સામે દેખાતા પાલિતાણાના ડુંગર પર બીરાજમાન આદિનાથ પ્રભુનું મંદીર દેખાય. રોજ મનોમન પ્રાર્થના કરું ’હે પ્રભુ, તમારો ડુંગર ચડવો સહેલો છે પણ આ એક સ્થાને બેસીને કરવાની યાત્રા બહુ અઘરી છે. સમતા આપજો, શાતા આપજો’.’
શિબિરના પહેલા ત્રણ દિવસ આનાપાનની તાલીમ પૂરી થાય પછી ખરેખરી વિપશ્યના શરૂ થાય. થોડા આગળ વધ્યા પછી શરીરના રંધ્રેરંધ્રમાંથી એક ધારાપ્રવાહ પેદા થાય, જે આખા શરીરની સપાટી પર વહેતો જાય. સાધક માટે આ શારીરિક ઘટના, આ અનુભૂતિ તદ્દન નવાં હોય છે. લેખિકાએ તેનું ખૂબ સુંદર વર્ણન કર્યું છેઃ
‘આખા શરીરના દરેકેદરેક કોષમાં કોઈ અજાણ્યું સંવેદન ઉદભવવા લાગ્યું. જાણે રોમરોમમાં નજીવો કરન્ટ લાગ્યો અને દરેક રોમમાં ઝીણો ઝબકારો થયો. એકસાથે આખું શરીર કોઈ અભુતપૂર્વ પ્રકાશથી ઝગમગવા લાગ્યું આંખો બંધ હતી, શ્વાસ નોર્મલ હતાં, મને સમજાયું નહીં કે આ શું થવા લાગ્યું છે તેથી ફક્ત આ ક્ષણોને માણતી બેસી રહી. થોડી ક્ષણો પસાર થયાં બાદ બધું નોર્મલ થયું પણ ચિત્ત પરથી એ સંવેદનો ભૂંસાયાં નહીં.’
વિપશ્યનામાં શરીરની સરહદ ક્યાં પૂરી થાય છે? ને મનનો ઇલાકો ક્યાંથી શરૂ થાય છે? આ ભેદરેખા દોરતાં તો કદાચ ખૂબ આગળ વધી ગયેલા સાધકોને જ આવડતું હશે. લેખિકા લખે છેઃ
‘ગુરુજીએ કહ્યું છે કે ‘બધું જ ક્ષણભંગુર છે. બધું જ અનિત્ય છે. આવ્યું છે તે જશે જ. અણગમતાનો દ્વેષ નહીં અને ગમતાનો રાગ નહીં. બન્ને અવસ્થાને સમતાપૂર્વક જોવી એ જ સાચી સાધના છે.’ સાચું કહું તો આ સ્વીકારવું અને અમલમાં મૂકવું બહુ જ અઘરું છે. શરીરમાં જાગતી સુખદ કે દુઃખદ અનુભુતિને અનિત્ય છે તેમ સ્વીકારી શકાય પણ મનનું શું ? મનમાં જાગતા રાગ અને દ્વેષ પ્રત્યે કઈ રીતે અનિત્યભાવ જગાડવો ! ખૈર… આ જ સાધના છે.’
મન તો માંકડું છે. એને એક જગ્યાએ સ્થિર બેસાડવા જેવી કઠિન વસ્તુ બીજી કોઈ નથી. લેખિકા એક બહુ સરસ વાત લાવ્યાં છે. મન માત્ર માંકડા જેવું નહીં, મન મકોડા જેવું પણ છે! શી રીતે?
‘સાસુજી હંમેશા કહે કે ‘મંકોડાની હડફેટે ક્યારેય ન ચડવું, એ બટકું ભરે પછી ચામડીથી છૂટો જ ન પડે કારણકે એને પકડતાં આવડે છે છોડતાં નથી આવડતું.’ મનને પણ પકડતાં આવડે છે છોડતાં નથી આવડતું એ જે વાતને પકડે એને મરતે દમ તક પકડી રાખે. મન માંકડુ છે એ તો અત્યાર સુધી ખબર હતી પરંતુ મન મંકોડા જેવું છે એ આજે ખબર પડી!’
ભલે દિવ્ય સાધનાની તાલીમ ચાલતી હોય, પણ આખરે તો આપણે માણસ છીએ. મન એકલું હોય એટલે એમાં અપેક્ષિત ન હોય તેવી વૃત્તિઓ પણ જાગે. લેખિકાએ આ વણનોતર્યાં સ્પંદનો વિશે પણ નિખાલસતાથી અને ભારોભાર ગરિમા જાળવીને લખ્યું છે.
બહુ જ રસાળ અને પ્રવાહી પુસ્તક છે આ. એક જ બેઠકે વાંચી શકાય એવું. એક સાધક જ્યારે સાહિત્યકાર હોય ત્યારે જ આવું પુસ્તક જન્મી શકે. વિપશ્યના વિદ્યા, અથવા કહો કે, યોગસાધના વિશેઃલખાયેલાં સૌથી મહત્ત્વપૂર્ણ ગુજરાતી પુસ્તકોની વચ્ચે પારુલ ખખ્ખરનું આ સત્ત્વશીલ પુસ્તક વટથી ઊભું રહે તેવું છે.
લેખિકાને દિલથી અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
– શિશિર રામાવત
————————-
‘પ્રલંબ રાસની કથાઃ વિપશ્યના સાધનાના સ્મરણલેખ’
લેખિકાઃ પારુલ ખખ્ખર
કિંમતઃ 150 રુપિયા
પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની
Leave a Reply