ઓપરેશન સર્ચલાઇટ: એવો ભયાનક નરસંહાર જે કદી થયો જ નહોતો
————————————
ઢાકા યુનિવર્સિટીના જુવાન વિદ્યાર્થીઓને આદેશ આપવામાં આવ્યો: જમીનમાં ખાડો ખોદો, એમાં તમારા ભાઇબંધોને દફન કરો! કલ્પના કરો, પોતાની જ સાથે ભણતા-રહેતા છોકરાઓની લોહી નીંગળતી લાશોને ઊંચકી-ઊંચકીને ખાડામાં ફેંકતી વખતે એમની શી હાલત થઈ હશે?
————————————
વાત-વિચાર- Edit Page – ગુજરાત સમાચાર
————————————
આજે ૧૬ ડિસેમ્બર. બરાબર બાવન વર્ષ પહેલાં, ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ, ભારતે એશિયા ખંડનો નક્શો બદલી નાખ્યો હતો. અંગ્રેજો હિંદુસ્તાનને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ટુકડાઓની વચ્ચે ભીંસીને જતા રહ્યા હતા, પણ ભારતે પાકિસ્તાનન સાથે યુદ્ધ છેડી આ દિવસે ભવ્ય વિજય મેળવીને તેની પૂર્વ પાંખ કાપી નાખી હતી… ને આ રીતે એક સ્વતંત્ર, નવા રાષ્ટ્રનું નિર્માણ થયું – બાંગ્લાદેશ.
૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા લગભગ ત્યારથી જ પશ્ચિમ પાકિસ્તાન તરફથી પૂર્વ પાકિસ્તાન પ્રત્યે ભેદભાવની શરૂઆત થઈ ગઈ હતી. ૧૯૪૮માં ઉર્દૂને પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા ઘોષિત કરવામાં આવી. ઢાકાના બંગાળીભાષી નાગરિકોે, ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓએ માગણી કરી કે બંગાળી ભાષાને પણ સમાન દરજ્જો આપવામાં આવે. આ ડિમાન્ડનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો કર્યાં. પોલીસે તેમના પર ગોળી ચલાવી. હિંસક આંદોલનો થયાં અને તેમાંથી બંગાળી રાષ્ટ્રીય અસ્મિતાના બીજ રોપાઈ ગયાં. અલગ રાષ્ટ્રની માંગ તીવ્ર બની ૧૯૭૦માં પાકિસ્તાનમાં થયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામો પછી. પૂર્વ પાકિસ્તાનના શેખ મુજીબુર રહમાનની અવામ લીગ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં આ ચુકાદાની અવગણના કરવામાં આવી અને પશ્ચિમ પાકિસ્તાનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકાર રચાઈ. આ ગતિવિધિની વિરુદ્ધ ૭ માર્ચ ૧૯૭૧ના રોજ ઢાકામાં એક વિરાટ રેલીનું આયોજન થયું… ને તે સાથે શરૂ થયો બાંગ્લા મુક્તિ સંગ્રામ! સૌથી પહેલાં બાંગ્લાદેશ મુક્તિવાહિનીની રચના થઈ, પણ તેનીય પહેલાં, ફેબુ્રઆરી ૧૯૭૧માં જ, પાકિસ્તાનના તત્કાલીન પ્રેસિડેન્ટ યાહ્યા ખાને આર્મીના વડા ટિક્કા ખાનને આત્યંતિક પગલાં ભરવાનો આદેશ આપી દીધો હતો… ને આમાંથી જન્મ્યું લોહિયાળ ઓપરેશન સર્ચલાઈટ!
એ દર્દનાક દિવસ હતો, ૨૫ માર્ચ ૧૯૭૧નો. બાંગ્લા મુક્તિ સંગ્રામની તવારીખનો આ સૌથી ગમગીન દિવસ. ૪૦ હજાર પાકિસ્તાની સશસ્ત્ર સૈનિકો ઢાકામાં ચડી આવ્યા. તેમના નિશાના પર સૌથી પહેલાં હતા, ઢાકા યુનિવસટીના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ હિંદુઓ અને માનવાધિકારની માગણી કરતા મુસ્લિમ નાગરિકો.
ઢાકા યુનિવર્સિટીની હોસ્ટેલમાં જુવાન છોકરાઓની જે કત્લેઆમ થઈ તેની વિગતો જાણીને કાંપી ઉઠાય છે. આઠ-દસ-બાર છોકરાઓને કતારમાં ઊભા રાખવામાં આવે ને પછી એમના પર ધડાધડ ગોળીઓ છોડીને પતાવી નાખવામાં આવે. એમનું કામ તમામ થાય એટલે આઠ-દસ-બાર છોકરાઓના બીજા ગુ્રપનો વારો. લાશોનો ઢગલો થતો જાય. દરમિયાન બીજા થોડાક છોકરાઓને આદેશ આપવામાં આવ્યો હોય: જમીનમાં ખાડો ખોદો, એમાં તમારા ભાઇબંધોને દફન કરો! કલ્પના કરો, પોતાની જ સાથે ભણતા-રહેતા છોકરાઓની લોહી નીંગળતી લાશોને ઊંચકી-ઊંચકીને ખાડામાં ફેંકતી વખતે એમની શી હાલત થઇ હશે? બધી લાશો ખાડામાં લદાઈ ગઈ પછી આ બચેલા છોકરાઓને પણ ભૂંજી નાખવામાં આવ્યા.
કેટલીય કબરો ખોદવામાં આવેલી જેમાં મરેલા કે ઇવન અધમરેલા લોકોને પણ દાટી દેવામાં આવેલા. તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. અનવર પાશા નામના લેખકે એમની ‘રાઇફલ, રોટી, ઔરત’ નામની નવલકથામાં લખ્યું છે કે, આ કબરો પર નજર ફેરવતાં ક્યાંક ક્યાંક જમીનમાંથી બહાર નીકળી આવેલી આંગળીઓ દેખાઈ આવતી. એવું લાગતું કે જમીનમાંથી ઘાસની જેમ આંગળીઓ ઊગી નીકળી છે…
વિદ્યાર્થીઓનો સફાયો કર્યા બાદ પાકિસ્તાની જવાનો વિદ્યાથનીઓની હોસ્ટેલમાં ધસી ગયા. અહીં એમનો ઇરાદો જરા જુદો હતો. રૂપાળી છોકરીઓને ઝડપી લઈને આર્મીના ટ્રક્સમાં ચડાવી દેવામાં આવી, અને મેહરુન્નેસા ચૌધરી નામના તે વખતનાં સિનિયર હાઉસ ટયુટર કહે છે તેમ, આ છોકરીઓ પછી ક્યારેય દેખાઈ જ નહીં. તદ્દન ગાયબ જ થઈ ગઈ સૌ.
ઢાકા યુનિવસટીમાં જ્યોતમય ગુહાતકુર્તા નામના એક અંગ્રેજીના પ્રોફેસર. પાકિસ્તાની આર્મીના જવાનો એમના ઘરમાં ઘૂસીને એમને બહાર ખેંચી ગયા. પ્રોફેસરનાં પત્ની ગભરાઈ ગયાં, પણ તેમણે માની લીધું કે આ તો આજે રાત પૂરતા મારા વરને પોલીસ કસ્ટડીમાં રાખશે ને પછી છોડી મૂકશે. બળજબરી કરી રહેવા જવાનોને એમણે ભારે નિર્દોષતાથી કહ્યંુ: ભાઈ, એક મિનિટ જરા પ્રોફેસરસાહેબને એક જોડી કપડાં સાથે લઈ જવા દો, રાતે પહેરવા માટે એમને જરૂર પડશે… પ્રોફેસરસાહેબને ઢસડીને લઈ ગયા એની થોડી જ મિનિટો બાદ બહારથી ગન ફાયરનો અવાજ આવ્યો. મહિલા હાંફળાફાંફળા થઈને દરવાજો ખોલીને બહાર નીકળે છે. સામે શું જુએ છે? પાડોશમાં રહેતા પ્રોફેસર મોનિરુઝમાન અને એમના દીકરાના વીંધાયેલાં શરીર જમીન પર પડયાં છે ને તેઓ ડચકાં ખાઈ રહ્યા છે.
૨૫ માર્ચ ૧૯૭૧ની એ રાતે ઝૂંપડપટ્ટીઓમાંં આગ ચાંપી દેવામાં આવી. લોકો દાઝેલી હાલતમાં ચીસો પાડતા પોતપોતાના ઘરમાંથી બહાર ભાગ્યા, પણ એમની સામે યમરાજ જેવા આર્મીના જવાનો રાયફલ તાકીને તૈયાર ઊભા હતા. બુલેટનો વરસાદ વરસ્યો ને કંઈકેટલાય નિર્દોષ લોકોના ઢીમ ઢળી ગયા. તેમનો વાંક? કરફ્યુ હતો તોય સળગતા ઘરની બહાર કેમ પગ મૂક્યો? એ જ રાતે નભકપણે પાકિસ્તાની આર્મીના અત્યાચારો વિશેના સમાચાર છાપતાં ત્રણ મુખ્ય અખબારો ‘ધ ડેઈલી ઇત્તેફાક’, ‘ધ ડેઇલી સંગબાદ’ અને ‘પીપલ’ની ઓફિસોને આગ ચાંપી દેવામાં આવી ને કેટલાય સિનિયર પત્રકારોને હણી નાખવામાં આવ્યા.
આ નરસંહારના દિવસે પ્રેસિડન્ટ યાહ્યા ખાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો બન્ને ઢાકામાં જ હતા. યાહ્યા ખાન તે સાંજે કરાંચી જવા નીકળી ગયા, પણ ભુટ્ટો હોટલ ઇન્ટરકોન્ટિનેન્ટલના વૈભવી પ્રેસિડેન્શિયલ સ્વીટમાં આરામ ફરમાવતા રહ્યા. મશીનગનના અવાજો, મિલિટરી ટેન્ક્સ, આગની જ્વાળાઓ, લોકોની રડારોળ અને ચીસાચીસ… આ બધું તેઓ સ્વીટની બાલ્કનીમાંથી તેમણે સગી આંખે જોયું. એ એક જ રાતમાં પાકિસ્તાની આર્મીએ ૭,૦૦૦ નિહત્થા બાંગલાદેશીઓની હત્યા કરી નાખી. બીજા દિવસે પાકિસ્તાન રવાના થતાં પહેલાં ભુટ્ટો આર્મીની કામગીરીના ભરપૂર વખાણ કરતાં બોલ્યા: ‘થેન્ક્સ ટુ ગોડ ધેટ પાકિસ્તાન કુડ હેવ બીન સેવ્ડ…’
એક અંદાજ મુજબ નવ મહિનાના સમયગાળામાં લગભગ ત્રણથી પાંચ લાખ બાંગ્લાદેશીઓની હત્યા થઈ. બીજા વિશ્વયુદ્ધ પછીનો આ સૌથી મોટો નરસંહાર. ઇન્ટરનેશનલ મીડિયામાં પૂર્વ પાકિસ્તાનમાં થયેલા ભયાનક હત્યાકાંડના સમાચાર સૌથી પહેલી વાર બ્રેક કરનાર એક બ્રિટિશ પત્રકાર હતા. એન્થની મસ્કરેન્હેસ એમનું નામ, જેમનું પાકિસ્તાનમાં પોસ્ટિંગ થયું હતું. એમણે પોતાના રિપોર્ટમાં એક પાકિસ્તાની મેજરના શબ્દો ટાંક્યા હતા. મેજર કહેતા હતા, ‘આ લડાઈ શુદ્ધ અને અશુદ્ધ મુસ્લિમો વચ્ચે છે. પૂર્વ પાકિસ્તાનના વતનીઓ ખુદને ભલે મુસ્લિમ કહે અને પોતાનાં નામ ભલે મુસ્લિમ જેવાં રાખે, પણ તેઓ અંદરથી તો હિન્દુ જ છે. અમે આ બધાનો હિસાબકિતાબ ઠીક કરી રહ્યા છીએ… અને પાછળ જે બચશે તે જ અસલી મુસ્લિમ હશે.’
ભારતની મદદ વગર બાંગ્લા મુક્તિ સંગ્રામ સફળ થઈ શકે એમ હતો જ નહીં… અને ભારતે ભરપૂર મદદ કરી. તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ પાકિસ્તાન સાથેના યુદ્ધની લગામ તે વખતના ચીફ ઓફ આર્મી સ્ટાફ સામ માણેક શૉના સક્ષમ હાથમાં સોંપી દીધી હતી. સામ અને એમની ટીમનું આયોજન તેમજ એક્ઝિક્યુશન એવું જડબેસલાક હતું કે ફક્ત ૧૩ જ દિવસમાં દુશ્મન દેશને ચત્તોપાટ કરી નાખ્યો. ૯૩ હજાર પાકિસ્તાની સૈનિકોએ શરણાગત સ્વીકારી. પૂર્વ પાકિસ્તાન હંમેશ માટે વિલીન થઈ ગયું.
સ્વતંત્ર થવા માટે ભારતની જેમ બાંગ્લાદેશે પણ ખૂબ લોહી વહાવ્યું. વક્રતા જુઓ. આટલા બધા પૂરાવા, ફૂટેજ, સામૂહિક કબરો, પોતાની આંખે આ બધું જોઈ ચૂકેલા અસંખ્ય સાક્ષીઓ અને વિદેશી પત્રકારોના વિગતવાર અહેવાલો મોજૂદ હોવા છતાં યુનાઈટેડ નેશન્સે બાંગ્લાદેશમાં થયેલા હત્યાકાંડને આજ સુધી સ્વીકૃતિ આપી નથી. પાકિસ્તાનની તો વાત શું કરવી. દિલગીરી વ્યક્ત કરવાની કે ઓફિશિયલ માફી માગવાની તો વાત જ દૂર રહી, પાકિસ્તાનની સરકારો સતત ઇન્કાર કરતી રહી છે કે આવું કશું બન્યું જ નહોતું. બેશરમીનું, નફ્ટાઈનું આ એક અલગ જ સ્તર છે!
– Shishir Ramavat
#OperationSearchLight #IndoPakWar1971 #vaatvichar #gujaratsamachar
Leave a Reply