નવી આદત પાડવા માટે 21 નહીં, 75 થી માંડીને 245 દિવસ જોઈએ
——————————
વાત-વિચાર- ગુજરાત સમાચાર – edit page
——————————
જૂનું પૂરૃં થઈ રહ્યું હોય ને નવું શરૂ થવાનું હોય ત્યારે મનોવૈજ્ઞાાનિક સ્તરે આપણને સારું લાગે છે. જાણે કે પાનું પલટાઈ રહ્યું છે. સમયનો પટ તો સળંગ છે અને પાછો અંતહીન છે. તેના પર વર્ષનાં ચોસલાં તો આપણે આપણી સુવિધા માટે પાડયાં છે. બે દિવસમાં ૨૦૨૩નું વર્ષ વિદાય લઈ લેશે. સોમવારથી ૨૦૨૪નું બ્રાન્ડ-ન્યુ નવું વર્ષ. સહેજ પાછું વળીને સહેજ સિંહાવલોકન કરીશું તો દેખાશે કે ૨૦૨૩નો પ્રારંભ થયો ત્યારે મોટા ઉપાડે કેટલાક સંકલ્પો કર્યા હતા. આજથી હું રોજ સવારે છ વાગે ઉઠી જઈશ કે આજથી હું રોજ જિમ જઈશ કે આજથી હું સિગારેટ-આચરકૂચર ખાવાનું સાવ બંધ કરી દઈશ કે એવું કઈ પણ. સારા સંકલ્પો કરવા એ મજાની વાત છે, પણ તકલીફ એ છે કે આવા લાઇફસ્ટાઇલ સંબંધિત સંકલ્પોના ક્યારેક જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં જ ફૂરચા ઉડી જતા હોય છે.
આવું કેમ થાય છે? કેમ નવી આદત આસાનીથી પડતી નથી? કેમ જૂની આદતની નાગચુડમાંથી છૂટાતું નથી? એક પ્રચલિત માન્યતા છે કે જો તમે કોઈ એક્ટિવિટી એક પણ બ્રેક લીધા વિના રોજ કરશો તો ૨૧ દિવસમાં તેની આદત પડી જશે. આ થિયરીમાં કશો દમ છે? કે આ માત્ર એક ડિંડક છે? આપણામાંથી કેટલાય લોકોનો અનુભવ છે કે એમ ત્રણ અઠવાડિયામાં કંઈ ટેવ-બેવ પડતી નથી. ૨૧ દિવસ સુધી સરસ રીતે નવું રુટિન ફોલો કર્યા પછી પણ બાવીસમા દિવસે કે પચાસમા દિવસે કે ગમે ત્યારે ગાડી પાછી પાટા પરથી ઉતરી જઈ શકે છે. તમે ફરી પાછા હતા એવા ને એવા થઈ શકો છો. તો પછી આ ૨૧ દિવસની થિયરી આવી ક્યાંથી? ડા. મેક્સવેલ માલ્ટ્ઝ નામના પ્લાસ્ટિક સર્જને ૧૯૬૦માં લખેલા ‘સાયકોસાયબરનેટિક્સ’ નામના પુસ્તકમાંથી. ડા. મેક્સવેલ પ્લાસ્ટિક સર્જનમાંથી પછી સાયકોલોજિસ્ટ બની ગયેલા. એમણે પોતાના પુસ્તકમાં આવું કશુંક લખ્યું છેઃ
‘આપણા મનમાં ઊભા થયેલા કોઈ ચિત્રમાં ફેરફાર આણવા માટે ઓછામાં ઓછા ૨૧ દિવસ જેટલો સમય જોઈતો હોય છે. કોઈ પેશન્ટ પોતાના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવે તો નવા ચહેરાથી ટેવાતા એને એવરેજ ૨૧ દિવસ જેટલો સમય લાગે છે. માણસનો હાથ કે પગ કાપવો પડયો હોય તો પણ એને એવું જ ફીલ થયા કરતું હોય છે કે મારું અંગ યથાવત છે. અંગની ગેરહાજરીથી ટેવાતાં એને ત્રણ અઠવાડિયાં જેટલો સમય લાગી જાય છે. આપણે નવા મકાનમાં રહેવા જઈએ ત્યારે ત્યાં ‘ઘર’ જેવી લાગણી આપણને ત્રણેક અઠવાડિયા રહ્યા પછી જ જાગતી હોય છે. આ પ્રકારની બીજી ઘણી બાબતોમાં જોવા મળ્યું છે કે જૂની મેન્ટલ ઇમેજને ભૂંસીને નવી મેન્ટલ ઊભી કરવામાં ઓછામાં ઓછા ૨૧ દિવસ જેટલો સમય લાગી જ જાય છે.’
બીજી એક જગ્યાએ ડા. મેક્સવેલે એવું પણ લખ્યું છે કે, ‘આપણી સેલ્ફ-ઇમેજ અને આપણી આદતો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તમે એકને બદલશો એટલે બીજી આપોઆપ બદલશે.’
બસ, લોકોએ ૨૧ દિવસની જે થિયરી પ્લાસ્ટિક સર્જરી માટે મૂકાઈ હતી તે આદતના સંદર્ભમાં ફિટ કરી નાખી. હકીકત એ છે કે ૨૧ દિવસમાં ટેવ પડતી નથી. યુનિવસટી કાલેજ આફ લંડન (યુસીએલ)ના સંશોધકોનું તારણ છે કે ટેવ કેટલા દિવસમાં પડે છે એના જવાબમાં કોઈ મેજિક ફિગર નથી. નવી આદત બંધાતા અઢાર દિવસથી માંડીને ૨૪૫ દિવસ (આશરે આઠ મહિના) કે તેના કરતાંય વધારે વખત લાગી શકે છે. દુનિયાભરમાં ખૂબ પોપ્યુલર બનેલી ‘૭૫ હાર્ડ’ એક્સરસાઇઝ ચેલેન્જમાં ૭૫ દિવસનો આંકડો મૂકાયો છે. એ તો જેવી જેની પ્રકૃતિ. અમુક માણસો કુદરતી રીતે જ શિસ્તબદ્ધ અને ચીવટવાળા હોય છે. તેમને નવી આદત જલદી પડી જશે. મોટા ભાગના લોકોનું મન અતિ ચંચળ અને પ્રમાદી હોય છે. તેઓ નવી આદત ફાર્મ કરવામાં વધારે સમય લેશે.
૨૦૨૪માં કોઈ પણ સંકલ્પ લેતી વખતે આપણે આ જ વાત મનમાં રાખવાની છેઃ હું નોનસ્ટોપ ૨૧ દિવસ સુધી કોઈ પ્રવૃત્તિ કરીશ એટલે મને એની ટેવ પડી જશે એવું ભૂલેચૂકેય માનવાનું નથી. બસ, મચી પડવાનું છે, સાતત્ય જાળવી રાખવાનું છે. ક્યારેક સાતત્ય તૂટે તો પણ પોતાની જાત પર ગાળોનો વરસાદ વરસાવાની જરૂર નથી. ભઈ, માણસ છીએ, મશીન નહીં. રુટિન તૂટે ત્યારે હિંમત હાર્યા વગર કે બહાનાં બતાવ્યા વગર નવી શરૂઆત કરવાની છે. બસ.
બાકી સંકલ્પ તૂટવાની ઘટનાને સાવ હળવાશથી લેવા જેવી પણ નથી. સંકલ્પ ભલે ગમે તેટલો નાનો હોય, પણ તે તૂટે છે ત્યારે આપણી આંતરિક બિલીફ-સિસ્ટમ હલબલી જાય છે. આપણો માંહ્યલો અણિયાળો સવાલ કરે છે કે તું ફક્ત એક વર્ષ માટે તારી જાતને આપેલું કમિટમેન્ટ પાળી શકતો નથી તો આખી જિંદગી ઉચ્ચ સ્તરે શી રીતે જીવી શકવાનો છો? જ્યારે જ્યારે આપણે ખુદને આપેલો સંકલ્પ તોડીએ છીએ ત્યારે ત્યારે દર વખતે આપણી સેલ્ફ-બિલીફ પર ઘા પડે છે. અભાનપણે કે સભાનપણે આપણે પોતાની નજરમાંથી નીચે ઊતરી જઈએ છીએ. જીવનની સૌથી માટી કરૂણતા આ જ છે – પોતાની નજરમાંથી ઉતરી જવું. જીવનનું સૌથી મોટું સુખ પણ આ જ છે – પોતાની નજરમાં ઉપર ઉઠવું.
* * *
નવું વર્ષ આવે એટલે જાણે જૂના વર્ષના સૂક્ષ્મ બંધનમાંથી મુક્ત થઈ રહ્યા હોઈએ એવું લાગે. સ્વામી વિવેકાનંદે એક જગ્યાએ કહ્યું છે, ‘હું જન્મ્યો એનો મને આનંદ છે, મેં આટઆટલું દુખ વેઠયું તેનો મને આનંદ છે, મેં મોટી ભૂલો કરી તેનો મને આનંદ છે, શાંતિમાં મેં પ્રવેશ કર્યો તેનો મને આનંદ છે. હું કોઈને બંધનમાં રહેવા દેતો નથી, હું કોઈ બંધન સ્વીકારતો નથી.’
આપણે એક વર્ષમાંથી પસાર થઈને બીજા વર્ષમાં પ્રવેશીએ ત્યારે શું અજાણપણે નવું બંધન સ્વીકારતા હોઈએ છીએ? સંકલ્પ બંધન છે કે મુક્તિ? નવી પ્રવૃત્તિ એકધારી કરતાં રહેવાનો કે જેની બૂરી આદત પડી ગઈ હતી તે ન કરવાનો નિર્ણય કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણે પોતાની જાત સામે વિદ્રોહ કરતા હોઈએ છીએ. પોતાની પ્રકૃતિ કે વૃત્તિઓને જીદપૂર્વક ન સાંભળવું, તેની લગામ આપણા હાથમાં રાખવી એ તો શુભ બાબત છે. આ જ સ્થિતિ ક્રમશઃ મુક્તિ તરફ નથી લઈ જતી શું?
જે. કૃષ્ણમૂર્તિએ સરસ કહ્યું છે, ‘મુક્તિ એ મનની અવસ્થા છે. એ ‘કશાક’માંથી મુક્તિ નથી, પણ સ્વતંત્રતાની એક અનુભૂતિ છે – દરેક વસ્તુ વિશે શંકા કરવાની, પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા. આ મુક્તિ એટલે સંપૂર્ણ એકાકીતા. પોતાને કદી ઈજા ન પહોંચે તે માટે આસપાસ દીવાલ ઊભી કરી લેવી, કે આદર્શોના કોઈ સ્વપ્નિલ એકદંડિયા મહેલમાં વસવું – એના કરતાં એકાકીતા તદ્ન જુદી બાબત છે…’
કુન્દનિકા કાપડીઆ રચિત એક સરસ મજાની પ્રાર્થનાની શરુઆત આ પ્રમાણે થાય છેઃ
‘પરમપિતા, તને પ્રણામ કરીને હું આજના દિવસમાં પ્રવેશ કરું છું…’
અહીં થોડીક છૂટ લઈને ચાલો, ‘આજના દિવસમાં’ને બદલે ‘નવા વર્ષમાં’ કહીએ ને ચાલો આખી પ્રાર્થના સાંભળીએઃ
પરમપિતા, હું નવા વર્ષમાં પ્રવેશ કરવાનો છું.
મારું મન ચંચળ છે, અને
મારાં સાંસારિક કામની જાળ અટપટી છે.
આ જાળમા સાંગોપાંગ ફસાઈ જવામાંથી મને બચાવજે.
નકામી વસ્તુઓની ઇચ્છા કરવામાંથી
તુચ્છ બાબતોમાં શક્તિ ને સમય વેડફવામાંથી
મહેનત કર્યા વિના ધન મેળવવાની લાલસામાંથી
…મને બચાવજે.
કોઈ જોતું નથી- એ કારણે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની દુર્બળતામાંથી
પૈસા કે સ્થાનના જોરે કોઈની અસહાયતાનો લાભ લેવાની કઠોરતામાંથી
જેમાં સહેલાઈથી સરી પડાય તેવાં અયોગ્ય કૃત્યોના રસ્તે
પહેલું પગલું ભરવામાંથી
…મને બચાવજે.
અને પ્રાર્થનાના અંત કહેવાયું છે –
હે પરમાત્મા,
મારી જ વાત સાચી એવી જીદમાંથી મને બચાવજે.
હું બધંુ જ જાણું છું એવા અંહકારમાંથી મને બચાવજે.
કામકાજનો એક આનંદ છે, સફળતાનો એક નશો છે.
રોજનાં સામાન્ય નાનાં કામોમાં જાતને ભૂલાવી લેતી એક વિસ્મૃતિ છે.
આ આનંદ, આ નશો, આ વિસ્મૃતિમાંથી મને બચાવજે.
સવારે કામ પર જઈ સાંજે ક્ષેમકુશળ પાછો ફરું ત્યારે,
તારો આભાર માની
આ બધામાંથી જાતને ખંખેરી
બધી કટુતા, ઈર્ષ્યા, રંજ, ચિંતામાંથી જાતને અળગી કરીને
તારી શાંત પ્રેમાળ ગોદમાં પોઢી જાઉં
ને બીજી સવારે નવું તાજું મન લઈને ઊઠું તેવું કરજો.
અસ્તુ.
Leave a Reply