જાગી શકાતું કેમ નથી, કેવું ઘેન છું?
શું થઈ રહ્યું છે આ મને સુખ છું ન ચેન છું!
મારી હયાતી તો હવે ના હોવી જોઈએ,
તો પણ જુઓ હજી સુધી હું એનકેન છું!
જન્મી ગયો છું સાવ અકસ્માતથી અહીં?
કે હું ખરેખરી કોઈ ઈશ્વરની દેન છું?
ચીતરી રહ્યું છે કોણ આ મારા વડે મને?
એવા તે કોના હાથની પકડેલ પેન છું?
કસ્તરની જેમ રાત દી’ પ્રશ્નો ખૂંચ્યા કરે,
જાણે સ્વયમ હું કોઈથી ચોળાતું નેન છું!
~ અનિલ ચાવડા
Leave a Reply