એવાં બરડ છે જાણે સુખ ક્રેકજેક છે,
સાલી! ઉદાસીઓ તો સૌ સિક્સપેક છે.
અસ્તિત્વ વેબસાઇટ, જગ નેટવર્ક છે;
એમાં વળી આ મારું ‘હોવું’ જ હેક છે.
થાક્યા બધા વટાવી ખૂટે ન સ્હેજ પણ,
સઘળાની પાસે અહીંયાં ચિંતાનો ચેક છે.
મારામાં સ્હેજ આવે થંભે તરત બધું,
સ્મરણોય તારાં જાણે કે શોર્ટબ્રેક છે.
ધરતીની જેમ મારી છાતી ધ્રૂજી ઊઠી,
હો અર્થક્વેક, એમ જ આ હાર્ટક્વેક છે.
‘મરવું’ ય એક રીતે તો ‘જન્મવું’ જ છે,
એવું ગણી મેં સૌને વ્હેંચેલ કેક છે.
– અનિલ ચાવડા
Leave a Reply