દૃશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે?
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
————-
લોગઇન:
દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?
ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?
કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?
ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?
ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?
જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?
એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
– નિર્મિશ ઠાકર
————-
સાહિત્યનું વહન ભાષા થકી થાય છે. ભાષા નામના વાહનમાં બેસીને તે તમને તેમને કલ્પનાના રંગીન મેઘધનુષ્યો બતાવે છે. તમે તેના ભાવમય રંગોમાં લીન થઈને ક્યારેક હસી પડો છો, તો ક્યારેક ભીની આંખને લૂછવા રૂમાલ ગોતો છો. વળી એ રૂમાલ પણ કોઈ પ્રિયજનનો હોય તો એક નવા રંગના દર્શન થાય. સાહિત્ય આંસુ અને સ્મિત, આનંદ અને શોક, ક્રોધ અને ઘૃણા, સંસ્કૃતિ અને વિકૃતિની છબીઓ ભાષાની દીવાલ પર ટાંગે છે. એક શિલ્પકાર છીણી અને હોથોડી વડે પથ્થરને કોતરે છે, તે જ રીતે સાહિત્યકાર સામે ભાષાની એક મોટી શિલા છે, તેને કોતરવા માટે તેની પાસે વિચારો અને મનોમંથનની છીણી-હથોડી છે. શબ્દોના ટોચા મારી મારીને તે શિલ્પ બનાવે છે, તેને આપણે ક્યારેક કવિતાનું નામ આપીએ તો ક્યારેક વાર્તાનું. ક્યારેક નવલકથાનું તો ક્યારેક નિબંધનું.
ભાષા એક રીતે આર્ટિફિશિયલ છે. માનવની પોતાની શોધ છે, ઈશ્વરદત્ત નથી. જરૂરિયાત પ્રમાણે માણસ સંકેત, શબ્દ અને ભાષાનું માળખું રચતો ગયો. વાત અને વ્યહાર માટે સર્જાયાયેલી ભાષા ધીમે ધીમે કલાનું રૂપ લેતી ગઈ. વ્યવહારમાં વપરાતી ભાષાને નોખી રીતે ખપમાં લઈ તેમાંથી કશુંક વિશેષ કહેવાની ઝંખાનાએ કદાચ સાહિત્યની સરવાણી વહેવડાવી હશે. પણ મૂળ માધ્યમ તો ભાષા જ ને. આ ભાષા ભલે રોજબરોજ ઉપયોગમાં લેવાતી ભાષા હોય, પણ તેમાંથી જે નિપજે છે, તે કશુંક અલગ હોય છે. એક અંગ્રેજ કવિએ કહેલું, શબ્દોને બાદ કર્યા પછી જે બચે તે કવિતા.
કાવ્યસર્જન માટે વિશેષ આંખ અને દૃષ્ટિ જોઈએ છે. માણસો જ નહીં, નિર્જીવ વસ્તુને પણ વાંચવાની ત્રેવડ વિકસવા માટે ત્યારે આપોઆપ કવિતાનો અંકૂર ફૂટવાની શરૂઆત થઈ જાય છે. તમારું ચિત્ત જડ પથ્થરના મોઢે ભાષા મૂકતું થઈ જાય, વૃક્ષોની હરિયાળી કે ઉજ્જડતા તમારી આંખને વંચાવા માંડે, રસ્તે રઝળતો કંગાળ કે સંપત્તિમાં આળોટતો ધનવાન તમને એક શબ્દ બોલ્યા વિના ઘણું કહેવા માંડે ત્યારે સમજવું કે કવિતા પોતાના દ્વાર ઉઘાડવા મથી રહી છે. બંધ કે ખુલ્લી બારી તમને સંકેત આપે છે કશુંંક કહેવા માટે. એ સંકેત – એ ભાષા તમારાં અંતરાત્માના કાને પડઘાવા લાગે ત્યારે આપોઆપ આંગળીઓ કલમને ઝંખવા માંડશે.
પ્રકૃતની દરેક વસ્તુ કંઈક કહેવા માગે છે, માત્ર તેને સાંભળવા જેટલો કાન સજ્જ કરવાનો છે, આપોઆપ તમને તેની ભાષા આવડી જશે, તેની માટે વાણીનું વ્યવહારુ વ્યાકરણ શીખવાની જરૂર નથી. ડાળી પર લકટતું ફૂલ કે તૂટીને ક્યારીમાં એકઠાં થયેલાં ફૂલો, મંદિરમાં ઈશ્વરના ચરણે પડેલ ફૂલો કે કોકની મૈયત પર મૂકાયેલ પુષ્પો, મજદૂરની હાથદારી કે તેનો થાક-પરસેવો, કોઈ અસહાય નારી, કે રસ્તે રઝળતું બાળક, કોઈ વૃદ્ધનું બોખું સ્મિત કે બે નવયુવાન હૈયાનું પરસ્પર ધબકવું, ચાર આંખનું એક થવું, સ્મિતની શરણાઈમાં લીન થવું…. ખડખડાટ હાસ્ય કે પીગળીને આંસુ ન થઈ શકેલો ડૂમો… આ બધું જ એક પ્રકારની ભાષા છે. જ્યારે આ વેદના-સંવેદનાની લિપિ ઉકેલતા આવડી જ્યારે ત્યારે હૃદયની ભૂમિ પર એક અલગ પ્રકારની ભાષાના ફણગા ફૂટે છે. એને જ કદાચ આપણે કવિતા, વાર્તા કે નવલકથા કહીએ છીએ.
ઘણી એવી ઘટનાઓ હોય, જ્યાં ભાષા સીધી રીતે કામ ન કરે, તે ગેરહાજર રહીને હાજરી પૂરાવે. નર્મિશ ઠાકરે આવી નાજુક સ્થિતિને ગઝલમાં સરસ રીતે કંડારી આપી છે. ગુજરાતી ભાષાના અચ્છા કવિ, કાર્ટૂનિસ્ટ, હાસ્યલેખક નિર્મિશ ઠાકરને આપણે થોડા સમય પહેલા જ ગુમાવ્યા. સાહિત્યકાર ક્યારેય મૃત્યુ નથી પામતો તે માત્ર ક્ષરદેહે વિદાય લેતો હોય છે, અક્ષર દેહે તો એ હંમેશાં હયાત હોય છે આપણી વચ્ચે. એ માત્ર મૃત્યુ નામના અંધકારમાં લીન થાય છે, દેખાતા બંધ થાય છે, પણ અનુભવાતા બંધ ન થાય, જ્યાં સુધી તેમનું સાહિત્ય રહે ત્યાં સુધી તે કોઈ ને કોઈ રૂપે અનુભવાતા રહે છે.
————-
લોગઆઉટ:
વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો !
આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો !
ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી,
ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો !
ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી ! આ શ્વાસથી –
વેદનાને આપવાં છે માન, અંધારું કરો !
મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો !
ધ્રૂજતા બાહુ પસારે છે હવાયે ક્યારની !
સ્પર્શ ઊભા છે બની વેરણ, અંધારું કરો !
– નિર્મિશ ઠાકર
Leave a Reply