જિંદગી અને પતંગ બંને સરખા છે!
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
—————-
લોગઇન:
હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !
ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જિંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !
એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !
આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …
એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!
હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જિંદગી!
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…
– રિષભ મહેતા
—————-
કાગળ જેવી જાત ઘણી વાર ઘવાતી રહે છે. વિશ્વ એક મોટું આકાશ છે તેમાં આપણા અસ્તિત્વનો પતંગ ચગાવતા રહેવાનું છે. સ્પર્ધા પણ ખરી. આસપાસ અનેક રંગોની વિવિધ કાગળના પતંગો ઊડતા રહેશે. તેમની સાથે પેચ પણ થશે, ક્યારેક કપાવાનું પણ થશે. કપાઈને મુક્ત મને આકાશમાં ઉડ્યા તો ઉડ્ડયન ગણાશે અને તૂટી પડ્યા તો અધોગતિ ! આ જ છે જીવનની નિયતી. કાચ પાયેલી ધારદાર દોરી જેવા સંજોગો ડગલે ને પગલે રચાતા રહેશે, તેનાથી બચવું મુશ્કેલ છે, છતાં ઊડવાનું છોડવાનું નથી. ઉડવું એ અહોભાગ્ય છે પતંગ માટે. ગમે તેટલી રૂપાળી કે દેખાવડી પતંગ હોય પણ જો ઉડવા સક્ષમ ન હોય તો ધૂળ પડી તેના પતંગપણામાં. આપણું માનવ હોવું પણ કંઈક આવા જ અર્થમાં છે. કવિ રિષભ મહેતાએ પતંગના પ્રતીક દ્વારા જીવનના અનેક અર્થને ઉડવા માટે આકાશા પૂરું પાડ્યું છે. જિંદગી અને પતંગમાં ઘણી સામ્યતા છે.
ઘણા લોકો લબૂચ પતંગ જેવા હોય છે, માપનો પવન હોય તો મજાથી ઊડતા રહે, પણ પરિસ્થિતિનો પવન જરાક વધારે ફૂંકાય કે તરત ખભા ઢીલા કરીને પડતું મૂકે. અમુક વળી જાડા ઢઢા જેવા ટટ્ટાર હોય. ગમે તેટલા હવાના હલેસા મારીએ ઊડવાનો ઉત્સાહ જ ના બતાવે. સમયની થપાટો વાગે અને ઢઢો સ્હેજ વાંકો થાય તો જરાક ઊડે. તેમને સમજાઈ જાય કે ઊડ્યા વિના છૂટકો નથી. લાંબી કે ટૂંકી કમાનવાળી પતંગ જેવા માણસો પણ ઓછા નથી. એ સતત એકબાજું જ ઢળ્યા કરે. તમે તમારી વાતના ગમે તેટલા ઠુમકા મારીને સીધી રીતે તેમને ઉડાવવા પ્રયત્ન કરો, તે બસ પોતાની માન્યતા બાજુ જ નમેલા રહે. તેમના દુરાગ્રહોનો ભાર તેમને સીધા નથી થવા દેતો. વળી પૂંછડે મોટપણાનો ભાર લઈને ઊડતા પતંગો પણ પાર વગરના છે. આવા પતંગોને એમને પોતાનો ભાર ઊંચા આકાશ સુધી નથી જવા દેતો. અમુક પતંગો તો ગુલાંટિયો ખાવામાં માહેર હોય છે. તમે હજાર વાર ઝાટકા મારો, તમારો હાથ દુઃખવા માંડશે પણ તે ગુલાંટી મારવાનું નહીં ભૂલે. અમુક પતંગો પોતે કપાય ને રસ્તામાં આવતા બીજા પતંગોને ય કાપતા જાય. હું તો જઈશ તને ય લેતો જઈશવાળા પતંગો! જોકે અમુક કપાતા પતંગોને પોતાની દોરી વડે પકડીને આશરો આપનારા પણ ખરા. બહુ ઓછા એવા પતંગ હોય છે જે ઊંચા આકાશે પહોંચીને સ્થિર રહી શકતા હોય છે. જગતની તમા કર્યા વિના નિજની મસ્તીમાં મહાલતા આવા પતંગોને પેચ લડાવીને બીજાને કાપવાની મહેચ્છા નથી હોતી. અને આમ પણ ઊંચે પહોંચ્યા પછી જ સ્થિરતા આવે છે! અને દરેકની શરૂઆત ઠૂમકાથી જ થતી હોય છે, સીધે સીધું કોઈ ઊંચે આકાશમાં પહોંચીને ઊડવા નથી માડતું. જિંદગી પણ કંઈક આવી જ છે! તમે જાતનો એક વાર પૂછી જોજો કે તમારી જિંદગીનો પતંગ કેવો છે?
—————-
લોગઆઉટ:
આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !
મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !
એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !
કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !
ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?
– રિષભ મહેતા
Leave a Reply