મોજ પડે તો ગાવું…
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
—————–
લોગઇન:
મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…
નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે
હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે
પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…
– પાર્થ મહાબાહુ
—————–
આ કવિનું મૂળ નામ ભરત જોશી છે. તેમનું તખલ્લુસ પણ નવા નામ જેવું છે. તેમાં નામ અને અટક બંને ઇંગિત થઈ જાય છે.
દિવસમાં અનેક કામ આપણે મન મારીને કરીએ છીએ. ગમે કે ન ગમે ઘણી ઘટનાઓમાં સામેલ થવું જ પડે છે. તેમાં જોતરાયા વિના જિંદગી નભી નથી શકતી. ઘરથી લઈને ઓફિસ, વ્યક્તગત કામથી લઈને સામાજિક પ્રસંગો અને તહેવારથી લઈને વહેવાર સુધી દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં મને-કમને ગમા-અણગમાના ગાડામાં બેસીને પ્રવાસ કરવો પડે છે. આવી સ્થિતિમાં પાર્થ મહાબાહુ મૂંઝારાનો તમામ માલસામાન માથા પરથી ઉતારી ગમે તો જ ગાવાની વાત કરે છે. જોકે આ કામ ધારીએ એટલુંં સહેલું નથી. ઘણી વાર દુવિધાના દોરડે એવા બંધાઈ જઈએ છીએ કે તેમાંથી છૂટવા માટે મન મારીને પણ કામ કરવું પડતું હોય છે. આ ગીત એટલે વધારે સ્પર્શે છે. કેમ કે દરેક માણસે ક્યારેક ને ક્યારેય તો મન મારીને કામ કર્યું જ હોય છે. જ્યારે આને વાંચીએ ત્યારે એવા અણગમાની ગલીઓમાંથી બહાર નીકળવાની આશા બંધાતી હોય છે. ધ્રૂવ ભટ્ટ તો રસ્તામાં કોઈ મળતો માણસ પૂછે તો પણ એય…ને મોજ છે, એવું કહેવાની ભલામણ કરે છે. એટલે એમણે લખ્યું છે-
ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજ અને ઉપરથી કુદરતની રહેમ છે.
મોજ પડે તો જ કેમ ગાવું, તે જણાવવા માટે કવિએ અહીં તર્ક આપ્યા છે. નદી પોતાની મસ્તી મુજબ ખળખળ વહ્યા કરે છે. તેને વચમાં આવતાં વિઘ્નોની પરવા નથી. દરિયો પણ કોઈની તમા રાખ્યા વિના મસ્તીથી મોજાં ઉછાળ્યા કરે છે. હવા પણ કેટલી સહજ રીતે વહ્યા કરે છે. આપણી આજુબાજુ હરહંમેશ એ હોય છે, છતાં અહેસાસ પણ નથી થવા દેતી. તેના થકી જ તો શ્વાસ ચાલે છે, તેનો ભાર પણ નથી લાગવા દેતી. ચુપચાપ પોતાનું કામ કર્યા કરે છે. બસ એ સહજતા મળી જાય તો ભયોભયો. મધુસૂદન પટેલનો શેર છેને-
થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.
થાક લાગે ને બેસી જવાય, ઊંઘ આવે ને બધુંં મૂકીને ઊંઘી જવાય એટલી સહજતા બધાને ક્યાં પ્રાપ્ત હોય છે. પણ આપણે પ્રકૃતિમાંથી એ જ તો શીખવાનું છે. કવિ બીજું ઉદાહરણ આપે છે. વૃક્ષ ક્યાં પોતાની ડિઝાઇન નક્કી કરે છે. એ તો પોતાના ગમતા પ્રકારે – પ્રકૃતિ આપે તે આકારે વિકસતું જાય છે. શું આપણે એટલો સહજ વિકાસ સ્વીકારી શકીએ ખરા? આપણે ચોવીસે કલાક પોતાની નિશ્ચિત માન્યતાના માંડવે બેઠા હોઈએ છીએ. ત્યાં બેસીને આપણી ઇચ્છાના નગારાં પીટ્યા કરીએ છીએ. ઘણીક થાય આમ કરવુંં, ઘડીક થાય તેમ. ઘડીક વિચારીએ આટલું મળે તો સારું, એ પતે કે તરત બીજી ઇચ્છા ઊભી જ હોય. આપણે ઈશ્વર કને પણ માંગતા થાકતા નથી. એ આપણને વધારે ને વધારે આપવા માગતો હોય છે, પણ આપણે તેને તેની ઇચ્છા મુજબ આપવા નથી દેતા. આપણે આપણી નાની નાની માગણીઓ એની સામે ધરી દઈએ છીએ. આખરે પછી ઈશ્વર પણ આપણને આપણું માગેલું જ આપે છે. વધુ નથી આપી શકતો. માંગીને આપણે એને બાંધી દઈએ છીએ. આ માંગવું અને વિકસવું એક આપણો કાયમનો ચીતરાઈ ગયેલો ચીલો છે. એ ચીલામાંથી બહાર નીકળવાની જરૂર છે. તો જ મોજ પડે એ રીતે મહાલી શકીય.
—————–
લોગઆઉટ:
કોઈ પીએ કોઈ ચાખે જેવી જેની મોજ
કોઈ વેચે કોઈ રાખે જેવી જેની મોજ
બાબા આ તો મોજની વસ્તી મનમોજીનો વાસ
બોલે કે મૂંગાવ્રત રાખે જેવી જેની મોજ
સર્વ પ્રકારે મુક્ત અહીંયા રંગ બેરંગી ફૂલ
ઝૂલે ફાવે તેવી શાખે જેવી જેની મોજ
કોઈ પહેરે કંથા શણની કોઈ મોંઘીદાટ
કોઈ ઢાંકે કાયા રાખે જેવી જેની મોજ
કોઈને મોઢે આંક, એમના હરખ તણો નહિ પાર
કોઈ ખુશી એકાદ પલાખે જેવી જેની મોજ
કોઈ જીવે મરતાં મરતાં કોઈ મરવા વાંકે
કોઈ જીવનનું નાહી નાખે જેવી જેની મોજ
લોકો ભાખે સારું ‘ઘાયલ’ એવો આગ્રહ શાને!
હીણામાં હીણું પણ ભાખે જેવી જેની મોજ
– અમૃત ‘ઘાયલ’
Leave a Reply