ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બિછાને હવે?
વારતા એકેય આવડતી નથી બાને હવે.
એ પ્રભાતી બાળપણ, યૌવનની એ તપતી પળો,
યાદ આવે સાંજના આ વૃદ્ધ તડકાને હવે.
તેં હવામાં શિલ્પ કંડાર્યાનું ક્યાં એને કહ્યું!
સ્હેજ પણ ધરતી ઉપર ગમતું ન પીંછાને હવે.
સૂર્યનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ,
ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ દીવાને હવે.
ચીસ મારી સંભાળીને પહાડ પણ ધ્રૂજી ઊઠ્યા,
કેમ પડઘાવું નથી સમજાતું પડઘાને હવે.
– અનિલ ચાવડા
Leave a Reply