મુંબઈ,
મહારાષ્ટ્ર.
ધરાએ જીવનમાં પહેલી વાર મુંબઈની જમીન પર પગ મુક્યો. ‘શું આ શહેરે સાચે જ અંબરને એની ધરા વિસરાવી દીધી હશે?’ એવો પ્રશ્ન એના માનસપટ પર છવાઈ રહ્યો. આખી મુસાફરી દરમ્યાન તો મન આડા અવળા વિચારોથી વિચલિત થઇ ઉઠતું હતું. પણ હમણાં મુંબઈની સવાર કંઇક અલગ જ તાજગી રેલાવતી હતી. ધરાએ સ્ટેશન પર ઉતરતા પહેલા મહેતા કાકાને ફોન કરી, હોસ્પીટલનું એડ્રેસ પૂછી લીધેલ. અને સ્ટેશન બહારથી ટેક્ષી કરાવી હોસ્પિટલ જવા લાગી. બહાર વાતાવરણમા એક ખુશમિજાજી ઠંડક હતી, અને થોડો ઝરમર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો. ટેક્ષીની બારી બહાર કાળા વાદળો વચ્ચે એને અંબરનો હસમુખો ચેહરો દેખાતો હોય એવો ભાસ થઇ રહ્યો હતો. જે હમણાં કદાચ ધરાને તેના શહેરમાં પહેલી વખત આવવા માટે આવકારી રહ્યો હોય એમ લાગતો હતો. વચ્ચે ક્યાંક થતા વીજળીના ચમકારાનો અવાજ જાણે કહી રહ્યો હતો, ‘આવ ધરા… તારો અંબર તને બોલાવે છે આવ !’ અને આજે જાણે ધરા મુંબઈને જોર જોરથી બુમ મારીને કહી દેવા માંગતી હતી કે, ‘આજે મુ મારા અંબરને તારી પાહેથી લી ને જ જએ’.
ટેક્ષી નાણાવટી હોસ્પિટલના પ્રાંગણમા દાખલ થઇ. અને અંબરની યાદોની મુસાફરી કરતી ધરા આખરે એની મંજિલ સુધી આવી પંહોચી. ધરાએ ટેક્ષી ભાડું ચુકવ્યું. અને એની આંખો સામે નાણાવટી હોસ્પિટલનું મોટું બોર્ડ અને એની ઉંચી ઈમારત તરવરવા લાગી. એ અંદર દાખલ થઇ. કેટ-કેટલીય પબ્લિક આમથી તેમ ફરી રહી હતી. કેટલાય ના ચેહરા પર રાતનો ઉજાગરો કર્યા બાદ સવારની ચાનો આનંદ સાફ વર્તાતો હતો. તો કોઈના ચેહરા પર સ્વજનોની ચિંતા ના ભાવ છલકતા હતા.
ધરાએ મહેતા કાકાને ફોન જોડી પોતે પંહોચી ચુકી હોવાનું કહ્યું, કાકાએ એને થોડીવાર રાહ જોવા કહ્યું.
ધરા ત્યાં લગાવેલ બેંચ પર બેઠી. થોડી જગ્યા છોડીને એક ગર્ભવતી સ્ત્રી બેઠી હતી, અને તેની સાથે તેની એક મિત્ર આવેલ, જે ગાયનેક સેક્શનમાં પોતાનો નંબર આવવાની રાહમાં ઉભી હતી. એ સ્ત્રીને પુરા મહિના હોવાનું ધરાએ અનુમાન કર્યું. અને મનોમન પોતાને એના સ્થાને કલ્પવા લાગી. એના ઘાવ તાજા થઇ આવ્યા, અને એની આંખે પાણી તરી આવ્યું. થોડીવારે એ સ્ત્રીએ ધરા તરફ સ્મિત કર્યું, અને ધરાએ તેને વળતું સ્મિત આપ્યું. દર તેની સાથે વાત કરવા તેની નજીક ગઈ.
‘પુરા મહિના છે એવું લાગે છે…!’ ધરાએ વાતનો દોર માંડવા માટે કહ્યું.
‘ઓહ…હા ! આજે હમણાં સવારના પહોરમાં થોડો દર્દ ઉઠ્યો હતો, એટલે ડોક્ટરને બતાવવું યોગ્ય લગતા દવાખાને આવી ગઈ !’
ધરાએ એની બાજુમાં બેઠી અને તેના ગર્ભને એકીટસે જોઈ રહી. એ સ્ત્રીએ ધરાનો હાથ લઇ, તેના પેટ પર મુક્યો. ક્ષણભર માટે ધરા પણ એને જોતી રહી, અને ત્યાં જ પેટમાંથી લાત વાગી…!
‘હેય… હી કીક્સ…!’
એમાં આટલું ઉત્સાહિત થવા જેવું શું હતું એ ધરાને ન સમજાયું.
‘યુ નો વ્હોટ… આ ભાગ્યે જ તારા મારે છે, એના પપ્પા અને નાના તો મારા પેટ પર હાથ મૂકી મુકીને થાક્યા, કે એકાદ વાર એની લાત નો અનુભવ કરે… પણ એમના સ્પર્શ પર એણે એક પણ વખત રીએક્ટ નથી કર્યું… અને તમારા સ્પર્શ પર એણે લાત મારી… ઇટ્સ અમેઝિંગ…’
‘હેય… ઇટ્સ અવર ટર્ન નાઉ… લેટ્સ ગો !’ એની મિત્રે આવી એને સાથે ચાલવા જણાવ્યું.
‘નાઈસ મીટીંગ યુ…!’ કહી એ ગાયનેક સેક્શનમાં ચાલી ગઈ.
‘કાશ, મુ પણ આવી લાતોનો અનુભવ લઇ હકતી…’ કહી ધરાએ હળવેકથી નિસાસો નાખ્યો.
દુરથી મહેતા કાકા આવતા દેખાતા એ ઉભી થઇ તેમની તરફ ચાલવા લાગી. અને તેમની નજીક પંહોચી તેમના ચરણ સ્પર્શ કર્યા.
‘કાકા, અંબર…?, અને થયુ હુ સે ઈમને…?’ ધરાએ ચિંતામય સ્વરે પૂછ્યું.
‘કહું તને… પહેલા આપણે અંબરના રૂમમાં જઈએ… ત્યાં વાત કરીશું !’
અને ધરા અને કાકાએ બીજા માળ પર અંબરને અપાયેલ રૂમ તરફ ચાલવા માંડ્યું.
( ક્રમશ: )
Leave a Reply