1.
મૃત્યુ
આપણને દરરોજ
તમાકુની જેમ
ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે
એક દિવસ
એ આપણો
સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.
2.
એક દિવસ
મૃત્યુ નામે એક અદૃશ્ય પંખી આવશે
આપણને એની તીક્ષ્ણ
અને ધારદાર ચાંચ વડે
ખોતરી કાઢશે
સમયના શરીરમાંથી
મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ!
3.
એનાં લગ્ન થયાં હશે?
કોની સાથે?
કોઈ બાળક હશે ખરું?
કે પછી નિસંતાન?
જો નિસંતાન હોય તો
એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે?
કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને?
પણ મૃત્યુ બાપડું તો ‘કેવું’…
નપુંશક!
મૃત્યુ નામની એક નપુંશક ચીજ
એક દિવસ બધાને સંભોગી લેશે…
– અનિલ ચાવડા
Leave a Reply