પામવા માટે તો બસ અટકવાની જરૂર હોય છે
પામવા માટે ક્યાં લગીર ભટકવાની જરૂર હોય છે
પામવા માટે તો બસ અટકવાની જરૂર હોય છે
ગોવર્ધન તો ઊંચકી જ શકાય ટચલી આંગળીએ
બાંસુરીને જ બે ય હાથે પકડવાની જરૂર હોય છે
સત્યનું પ્રણ જ દોરી જાય વ્રતીને અમરત્વ ભણી
દુષ્ટની આંખે કણુ બની ખટકવાની જરૂર હોય છે
ધર્મયુધ્ધે જીવશો તો પામશો યશ,નહીં તો વીરગતિ
‘યા હોમ’ કરીને બસ ત્યાં ત્રાટકવાની જરૂર હોય છે
મન તો છે મર્કટ કરવાનું જ છે ઉછળ કૂદ માયાવૃક્ષે
આત્માનાં ધોબી પછાડથી પટકવાની જરૂર હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)





Leave a Reply