||છંદ : મંદાક્રાંતા||
કાવ્ય પ્રકાર : સોનેટ
વિષય : બાળાથી સગીરા વર્ણન
આંબા કેરી ઢળક ઢળકી એક ફંટાઈ ડાળી,
પીડા સાથે વહન કરતી રક્તનાં સાજ વાળી,
વ્હેતાં પાણી ખળખળ થતાં શાંત ને ધીર વ્હેતાં,
દૈને તાળી અતલ તલના વાયરા આજ વાતા,
ભૂલાવીને બચપણ તણા ઉંબરાને વટાવી,
ઊભી આજે તરલ સરિતા ખાસ મુકામ આવી,
સાંગોપાંગે અસહ સરતાં સર્પ ડંખો સમાતા,
દૈને તાળી અતલ તલના વાયરા આજ વાતા,
ઊતારે છે તનમન રહી કાંચળી સાપ જાણે,
સ્વીકારીને અનુભવ નવા રંગનાં સંગ માણે,
સાહેલીની અણસમજને જ્ઞાનનાં દીપ થાતાં,
દૈને તાળી અતલ તલના વાયરા આજ વાતા,
ઘોડા વેગે સમય સરતાં કૂંપળે પાન થાતાં,
દૈને તાળી અતલ તલના વાયરા આજ વાતા.
~ ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Leave a Reply