ફાલકન સ્કૂટર
સાયકલ તો મારી આજીવનસંગીની રહી છે, અત્યારે પણ મારે ઘરે સાયકલ છે. પણ છોકરાઓ કસરત માટે વાપરે છે, વાત તો મારી બાલાસિનોરની જ છે. પપ્પા જ્યારે અમદાવાદમાં બી. ડી. કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક હતાં ત્યારે સ્કૂટર લેનાર ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક બનેલાં. આવું જ ટ્યુબ લાઈટ અને રેડીયોની બાબતમાં બનેલું, પપ્પાનો સ્કૂટર ચલાવવાનો જબરો શોખ તે સમયે ગાડી બહુ જૂજ હતી શું અમદાવાદ કે બાલાસિનોરમાં ! તે પછી પણ આટલાં ઊંચા પગાર ધોરણો નહોતાં જેટલાં આજે છે એટલાં…
એટલે બાલાસિનોર માં તો ગાડી ન જ લેવાઈ અને ત્યાર પછી પણ ન લઈ શકાઈ ! બાલાસિનોરમાં ૫- ૬ વરસ રહીને એમનો પાછો સ્કૂટર શોખ જાગ્યો, અમદાવાદ કોઈ કામે આવ્યાં હતાં અને પાછા ફાલકન સ્કૂટર લઈને આવ્યાં. એ સ્કૂટર ડબલ કલરનું બ્રાઉન અને ઓફ વ્હાઇટ કલરનું ઇટાલિયન વેસ્પાનું જ એમાં એન્જીન વચ્ચે મોટર એટલે ચલાવવામાં સુગમતા રહે, અવાજ મસ્ત ઘરઘરાટી વાળું લાંબુ અને અને વ્હીલબેઝ એમાં થોડાં મોટાં એટલે ચલાવવામાં સુગમતા રહે અને રોડ છોડે નહીં. એટલે મારે કોઇપણ હિસાબે એના પર હાથ અજમાવવો જ હતો ! યેનકેનપ્રકારેણ ! પણ…. એ જ્યારે અમદાવાદથી બાલાસિનોર આવતાં હતાં ત્યારે ફાગવેલ પાસે ભેંસ અથડાઈ, પપ્પાને તો બહુ વાગ્યું નહીં. પણ સ્કુટરને જમણી બાજુએ ગોબો પડી ગયો, એ તો બાલાસિનોરમાં ઠીક કરાવ્યો.
પણ એમણે મને તો સ્કૂટર અડવાની જ ના પાડી દીધી અને એ પોતે પણ કોલેજની વ્યસ્તતાને કારણે સ્કૂટર ચલાવતાં જ નહી. એ પડી રહેલા સ્કુટરને જોઈને મને થતું કે, આમ ને આમ સ્કૂટર ખરાબ થઈ જશે અને મને મનમાં થતું કે પપ્પા- મમ્મીની હજી એટલી ઉંમર નહોતી થઈ. એમણે સાથે બહાર સ્કૂટર પર ફરવા જવું જ જોઈએ. મમ્મી ચાલતી તહેવારે કે કોઈ પ્રસંગે ગામમાં જાય, એ મારાથી સહન થતું નહીં. સાલું… અમને લેવા- મુકવા માટે સાયકલ રીક્ષા અને મારી પાસે સાયકલ અને મમ્મીને ચાલતાં જવું પડે એ જોઈને મારું દિલ દ્રવી ઉઠ્યું. તે વખતે મારી ઉંમર ખાલી ૧૩ જ વરસ, ગામમાં થોડાં ઘણાં સ્કુટરો હતાં ખરાં. પણ આજની જેમ છોકરાઓ નહોતાં ચલાવતાં.
એક વખત મને મોકો મળ્યો, પપ્પા પાછાં કામ માટે અમદાવાદ આવ્યાં. મેં એક મિકેનિક જોડે પટ્ટી પાડી એને સ્કૂટર શીખવાડવા માટે મનાવ્યો. મમ્મીને કહ્યું કે સ્કૂટર રીપેર કરાવવાનું છે અને સર્વિસ કરાવવાની છે, હું એ ભાઈની પાછળ બેસીને જાઉં છું. પાછો ચાલતો આવીશ, હું કોલેજની બહારથી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગયો ત્યાં સ્કૂટર શીખ્યો પછી બહાર મુખ્ય રસ્તા પર ચલાવતો થઈ ગયો. એ વખતે મારો એ ગામમાં રેકોર્ડ હતો. સૌથી નાની ઉંમરે સ્કૂટર ચલાવવાનો, પછી પપ્પા – મમ્મીને પણ ખબર પડી ગઈ કે જયલાને સ્કૂટર આવડે છે અને તે સારું ચલાવે છે મારાં કોલેજના સ્ટાફે કહ્યું.
પપ્પાએ કહ્યું – સારું ખાલી બસસ્ટેન્ડ સુધી પેટ્રોલ પમ્પ છે ત્યાં પેટ્રોલ પુરાવવા જવાનું એનાથી આગળ કે કોઈ બહારગામ જવાનું નહીં. મેં કહ્યું સારું પણ હું મમ્મીને જુના બસસ્ટેન્ડ સુધી ફળો શાકભાજી ખરીદવા લઈ જતો. આમ તો બધું પટાવાળા લાવતાં, પણ સ્ત્રીઓને એક ટેવ હોય છે જાતે ભાવતાલ કર્યા વગર કશું ન ખરીદવાની…. મમ્મી પણ એમાંથી બાકાત નહોતી. એ બહાને મારો હેતુ તો પૂરો થયો. મમ્મીને સ્કૂટર પર બેસાડી બહાર લઈ જવાનો !
પછી વર્ષો વિતતાં ગયાં. હું મોટો થયો, ૧૬ વરસનો થયો, પણ ગામમાં હું સ્કૂટર લઈને જતો નહીં. ગામમાં તો હું પુખ્ત વયે એટલે કે ૧૮ વર્ષે જ જતો થયો મને સ્કૂટર આવડે છે એ કોલેજ સ્ટાફ સિવાય કોઈનેય નહોતી.
કારણકે હું કોલેજથી બસસ્ટેન્ડ સુધી જતો હતો, જ્યારે મિત્રો અને સાહેબો તો ગામમાં રહે. ૧૮ વર્ષ પછી તો મેં પપ્પાની જવાબદારી ઓછી કરી અને મમ્મીના બધાં જ અરમાનો પૂરાં કર્યા. મમ્મીને બાલાસિનોરના પ્રખ્યાત ઉર્સમાં પણ હું સ્કૂટર પર લઈ જતો લાવતો. પછી તો હું મિત્રોને મળવા પણ સ્કૂટર પર જતો, સગાં વ્હાલાં આવે ત્યારે હું જ એમને બાલાસિનોર ની આજુબાજુના દર્શનીય સ્થાનો બતાવતો.
મમ્મીને શ્રાવણ મહિનામાં શિવશંભુ, ગોપેશ્વર, કેદારેશ્વર અને આપેશ્વર લઈ જતો. કોક રવિવારે મમ્મીને દેવડુંગર પણ લઈ જતો. તો મમ્મીને નવરાત્રીમાં પણ લઈ જતો. જન્માષ્ટમી પર ભીમ ભમરડાં પણ લઈ જતો. મેં માત્ર મમ્મીને જ બેસાડીને સ્કૂટર ચલાવ્યું હોય એવું નથી. કોલેજના સેમિનારમા કે કોઈ સાહિત્ય સત્રમાં જે સાહિત્યકારો આવતાં એમને પણ લેવા મુકવાની જવાબદારી મારી જ બેન નંદિતાને પણ ઘણી ફેરવી છે.
અરે એટલે સુધી કે પપ્પાને પણ બસસ્ટેન્ડ સુધી હું લઈ જતો આવતો. સવાલ એ છે કે હું સ્કૂટર કેવું ચલાવતો? જી … હા…. ફાસ્ટ હોં, એક ઉદાહરણ આપું કોલેજથી ગોધરા 45 કિલોમીટર થાય. એ અંતર હું ૩૫ મિનિટમાં કાપતો, ૩૫ મિનિટ જવાની, ૩૫ મિનિટ પાછા આવવાની, ત્યાં હું માત્ર પાન ખાવા જતો. ત્યાં ૧૦ મિનિટ ઉભા રહેવાનું, કુલ ૮૦ મિનિટ જેવો પિતાજીનો પિરિયડ આવે એટલે પાછાં આવી જવાનું. આ સિલસિલો લગભગ દોઢેક વર્ષ ચાલ્યો, પણ હું રોજ નહોતો જતો.
અઠવાડિયામાં એક જ વાર જતો હતો. પછી મારી ઝાડપને અને આમારા સ્કુટરને મારી જ ભલમનસાઈ નડી, મિત્રને ચલાવવા આપ્યું તો એ ભાંગીને ભુક્કો થઈ ગયું. પછી શું? પપ્પાએ સ્કૂટર લીધું જ નહીં! છેલ્લા ૩ વરસ અમારે સૌએ પાછી પદયાત્રા જ કરવી પડી. પછી અમદાવાદ આવે, પપ્પાએ કાઈનેટિક હોન્ડા સ્કૂટર. બેન નંદિતા એ લ્યુના અને મેં બજાજ RX ૧૦૦ બાઇક લીધું. આવું હતું અમારું સ્કૂટર જીવન, પછી વણથાંભયું બાઇક જીવન શરૂ થયું !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply