નવા વર્ષની શુભ શરૂવાત
આમતો જીવનની દરેક સવાર નુતન જીવન તરફનું એક પગલું છે. સમજુ માણસો કહે છે “સવારમાં ઈશ્વરનો સુખરૂપ જગાડ્યા બદલ આભાર માનવો”
જાગ્યા ત્યાંથી સવાર, પરંતુ એની શરૂવાત ક્યાંથી કેવી રીતે કરવી એ આપણા હાથની વાત છે.
સૃષ્ટી દરેક દિવસ નવી શરૂવાત કરવાનો મોકો આપતી રહે છે. પરંતુ એ માટે વ્યક્તિનું જાતે પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી છે. એ માટે ભૂલોને પણ ઘ્યાનમાં લેવી પડે. જૂની ભૂલોને ભૂલવાની નથી પરંતુ એમાંથી શીખ લઈને આગળ વધવામાં પ્રગતિ છે.
નવા વર્ષમાં માત્ર ચાર બાબતો ઉપર ખ્યાલ રાખવામાં આવે તો આવનારું વર્ષ ગત ના પ્રમાણમાં વધુ સારું જશે એ નક્કી.
– પ્રથમ નવું શીખવાની ઉતાવળ પહેલા થયેલી ભૂલોનું પુનરાવર્તન ના થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.
સહુ પ્રથમ માણસને ભૂલો શીખવે છે.
– બીજું છે ખુશ રહેવું. હકારાત્મક વિચારો રાખવા. આ માટે બીજા કોઈના મદદની જરૂર નથી. વ્યક્તિ પોતાની જરૂરીયાત કરતા ઓછી અપેક્ષાઓ રાખીને મનગમતું કરે તો બહુ સહેલાઈથી આ થઇ શકે છે.
– ત્રીજું શરીર સ્વાસ્થ જેના વિના ખુશી, હકારાત્મકતા અને પ્રગતિ બધું નકામું છે. આ માટે પણ જાત મહેનત જિંદાબાદ. કોઈ તમારું શરીર સ્વાસ્થ નહિ સુધારે એ માટે આપણેજ મહેનત કરવી પડશે.
4- સહુથી છેલ્લું પણ અગત્યનું છે પરોપકાર અને બીજાઓ માટે કૈક કરી છુટવાની ભાવના. જેમાં બધુજ મળી આવશે. પ્રસંસા, માન, વ્યક્તિત્વની ઓળખ, પ્રેમ અને માનસિક સંતોષ જેની દરેકને ઓછી વત્તી જરૂર રહે છે. પરોપકારથી અને બીજાઓને સુખ આપવાથી આનંદ મળે છે એના કરતા વધારે જો પોતાને દુઃખ હોય તો ઓછું લાગે છે.
ઓહાયોના ક્લીવલેન્ડ શહેરમાં આવેલા સારા એરીયાના હાઉસમાં રોજ સવાર સાંજ ડીસેબીલીટી ટ્રાન્સપોર્ટ સર્વિસની વેન દાખલ થતી. વચમાં આવી જતા નાના મોટા પ્લાન્ટને કારણે અંદર શું ચાલતું તેની ખબર પડતી નહોતી.
આજુ બાજુ રહેતા લોકોને પણ બહુ સમય પછી આ બાબતનો ખ્યાલ આવ્યો કે આ પહેલા અહી મોંધી ગાડીઓની આવન જાવન હતી એ જગ્યા આ વેને લઇ લીધી.
�ત્યાં રહેતી જેન હેરી બાવન વર્ષની બહુ એક્ટીવ કહી શકાય તેવી બહુ શોખીન અને રૂપાળી અમેરિકન સ્ત્રી હતી , તેના ઘરની પાછળ આવેલા સ્વીમીંગ પુલનો તે ભરપુર ઉપયોગ કરતી, સ્વીમીંગ કરવું તેનો શોખ હતો. મહિનામાં બે વખત બ્યુટીપાર્લરમાં જઈ , હેર નેલ વગેરે કરાવી આવતી. જીવનની દરેક મોમેન્ટ એ જીવી લેવામાં માનતી હતી.
દર વિકેન્ડ તેના ઘરે મિત્રોનો મેળાવડો જામતો. તેના મળતાવડા સ્વભાવને કારણે મિત્રો પણ ઘણા હતા.
ગયા વર્ષે તેને નડેલા એક ભારે કાર અકસ્માતમાં તેની કમર નીચેના ભાગમાં ઈજા થયેલી , જેના કારણે તેના બંને પગનું હલનચલન બંધ થઇ ગયું હતું. શરૂઆતમાં તે લાંબો સમય ડીપ્રેશનમાં રહી. કોઈને ત્યાં આવવું જવું બધુજ બંધ કરી સારીરિક માનસિક રીબામણમાં વર્ષ વિતાવ્યું. તેની આવી મનોદશાને કારણે લોકોનું આવવું જવું બહુ ઓછું થઇ ગયું હતું. ત્યાર બાદ કોઈ મિત્રની સલાહ થી આર્ટ ઓફ લીવીંગના કોઈ સેમીનાર દ્વારા તે જીવન જીવવાની સાચી કળા ” બીજાને ખુશી આપી ખુશ રહેવું” શીખી લાવી .��અત્યારે તે દરરોજ સવારે અહી નજીકના એક એડલ્ટ ડે કેરમાં વોલેન્ટર વર્ક માટે જાય છે. જાતે તે ડ્રાઈવ નથી કરી શકતી આથી તે ડે કેરની વેન તેને રાઈડ આપે છે.
�જેન ત્યાં એકલા પડેલાં વૃધ્ધો સાથે વાતો કરે છે તેમને ગમતી પ્રવૃત્તિઓ કરે છે , તેમની સાથે અવનવી રમતો રમી તેમને ખુશ રાખે છે અને તે પોતે પણ ખુશ રહે છે, પોતાનાથી અસક્ત અને દુઃખી લોકોને જોઈ તેને પોતાની સ્થિતિ ઘણી સારી છે એવો અનુભવ થાય છે.
પરિણામે દુઃખને જોવાની અને સહન કરવાની તેની નજર બદલાઈ હતી . આખો દિવસ એકલતામાં રહેતા વૃદ્ધોને પણ જેનના જવાથી બહુ રાહત થાય છે ,સામે તેઓ પણ જેનને લાગણી અને પ્રેમ આપે છે.
જેનનું જાતે હલનચલન બંધ છે બાકી શરીરનો ઉપરનો ભાગ અને તેમની જીજીવિષા એકદમ બરાબર હતી. એ માનવા લાગી હતી કે નકારાત્મકતા અને ડીપ્રેશનને દુર રાખવું તમારા હાથમાં છે તેની માટે શરીર નહિ પણ મેન્ટલ હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે. ગમતા કાર્યમાં બીઝી રહેવાથી મન ખુશ અને શાંત રહે છે.
“આપણા મનની ખુશી એ આપણી માલિકીની વસ્તુ છે, તેના પર કોઈ બીજાની ઈજારાશાહી ન હોવી જોઈએ ”
�ખુશી તો નાની નાની વસ્તુ માંથી પણ મેળવી શકાય છે જેમકે મ્યુઝીક સાંભળવું , પેન્ટિંગ કરવું કે પછી નાના બાળકો સાથે તેમના જેવા બનીને ધમાલ મસ્તી કરવી, નાચવું ગાવું …. ટુકમાં જે મનને ગમે તે બધું કરવું ,તેમાં મળતી ખુશી શારીરિક દુઃખ ભુલાવી દે છે. પરંતુ જ્યારે શરીર સાથ નાં આપે ત્યારે જેન જેવા કામ કરવાથી અને વ્યસ્ત રહેવાથી ઘણું દુઃખ ભૂલી જવાય છે.
ખુશ રહેવા ભવ્ય ભૂતકાળને યાદ કર્યા કરતા વર્તમાન અને ભવિષ્ય ઉપર ઘ્યાન આપવું જોઈએ.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply