જીવન એક અગોચર કેડી
(હું જે સાંભળું છું, શીખું છું તેને અહીં શબ્દોમાં ઉતારીશ, બધા સંમત હોય જરુરી નથી તો વિવાદોમાં હુ શામેલ નહી થાઉ.)😌🙏
દરેક જાણે છે કે જેવું વાવીશું એવુજ પામીશું.
મરચીનો છોડ વાવી કોઈ ટામેટાં નહિ મેળવી શકે.
જેવો વહેવાર કરીશું એવુજ સામેવાળા પાસેથી પાછું મેળવીશું.
જે પુનર્જન્મમાં, કર્મોમાં માને છે, ધર્મને જાણે છે તેઓ આ વાતનો સ્વીકાર કરશે.
અત્યારે મળી રહેલા સુખ અને દુઃખ આપણા કર્મોના ફળ છે. આ જન્મમાં કોઈને દુઃખી નથી કર્યા તો પછી કડવા ફળ શા માટે મળે છે?
આપણી સચ્ચાઈ અને સાલસ સ્વભાવ પછી પણ દુઃખ કે અપજસ શા માટે?
કારણ ભલે અત્યારે આપણાથી કોઈ ભૂલ કે કોઈને દુઃખ નહિ થયું હોય પરંતુ ક્યારેક કોઈ જન્મમાં એવું કઈ કર્યું હશે જેનો બદલો જે તે વ્યક્તિ પાસેથી મળી રહ્યો છે.
આ ચેનલને રોકવી એ આપણા જ હાથમાં છે. તેના કડવાશની સામે મીઠાશ આપતા બહુ જલ્દી ત્રાજવા સંતુલન પામી જશે અને સામેથી પણ મીઠાશ મળવા લાગશે. જે માત્ર આજ નહી, બંનેની આવતી કાલ પણ સુધારી દેશે. જો આમ નહિ કરવામાં આવે તો આ સામસામાં ભાલા ફેંક ચાલ્યાજ કરવાના અને બંનેબાજુ ઘાયલ થતા જવાના.
કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્વરૂપે સામેથી ગુસ્સો અપાવે, ખોટું વર્તન દાખવે તો સામે તેના જેવા થવામાં આપણી શક્તિ નો વ્યય થાય છે, નેગેટીવીટીમાં વધારો થાય છે. એક રીતે તેનો વાર સફળ થયો ગણાય છે.
પરંતુ સામે જો શાંત રહેવામાં આવે કે ચુપ થઈ આગળ નીકળી જવામાં આવે તો એ નેગેટીવીટી થી દુર રહેવાય છે. વારવાર આમ થવાથી સામે વાળો પણ છેવટે શાંત થઇ જાય છે. આપણા કર્મોના ભાથામાં મીઠા ફળોનો વધારો થાય છે….
હવે જેઓ પુનર્જન્મમાં નથી માનતા તેઓનું શું?
જીવનમાં કશું ખોટું નથી કર્યું છતાં ઘણા ખુબ દુઃખી હોય છે, જન્મથી તકલીફો ભોગવે છે. સામા પક્ષે ઘણા પાપ કર્મો પછી પણ છેવટ સુધી સુખ એશોઆરામ ભોગવનારા આંખો સમક્ષ છે.તો આ કુદરતનો કેવો ન્યાય?
આ પ્રશ્નોના જવાબ માટે તેઓએ જન્મોના ફેરાને ગણતરીમાં લેવાજ પડશે. એ વિના આ સમસ્યાનું સમાધાન નહિ મેળવી શકે.
– રેખા પટેલ
Leave a Reply