રૂઠે રૂઠે રહેતે હૈ
તુમ રૂઠી રહો,મેં મનાયા કરું, ઇન અદાઓ પે ઔર પ્યાર આતા હૈ. ગીતમાં સાંભળવું સારું લાગે છે. હકીકતમાં નાની વાતોમાં કોઈ કાયમ રિસાઈ જાય તો વારેવારે મનાવવું કોઈને ગમતું નથી, એ પ્રેમી, પતિ, સંબંધી કે પછી મિત્ર હોય.
જરૂરી નથી ઝગડા કે અબોલામાં કાયમ એકનીજ ભૂલ હોય. તો શા માટે એકજ વ્યક્તિએ સમાધાન માટે હાથ લંબાવવો. પોતાની વાત કે મુદ્દાને જીદ ના બનાવતા બંને પક્ષે સમાધાનની ભાવના એક સરખી હોવી જોઈએ. બળજબરી પોતાની મરજી મુજબ વાત મનાવવામાં વાતનું કાયમી નિરાકરણ આવતું નથી.
દરેકને ગમે છે કોઈ પોતાના ગમા અણગમાનો ખ્યાલ રાખે, ભલે તે નાનું હોય કે મોટું. ઝગડામાં રિસાઈને બોલચાલ બંધ કરીને કે મ્હો ચડાવી ફરનારા, પોતાનું ધાર્યું કરાવનારા કોઈને પસંદ આવતા નથી.આવું વારંવાર આવું બનતા ગમેતેવું મજબુત બંધન પણ બોજારૂપ લાગે છે.
રોશન અને પશ્મીના લગ્ન થયા ત્યારથી રોશનને પશ્મીના બાળક જેવા સ્વભાવની જાણ થઇ ગઈ હતી. પ્રથમ રાત્રીએ મળેલી ગીફ્ટ ના ગમતા તેને મનાવવી પડી હતી. શરૂવાતમાં રોશનને આ બધું ગમતું હતું કારણ પશ્મી સહેજમાં મનાઈ જતી હતી. નાની ભેટમાં ખુશ થઇ જતી. કોઈ ભૂલ સામે રોશન કાન પકડી સોરી કહે તો એ હસી પડતી. આ જોઈ રોશનને પણ બહુ મીઠું લાગતું.
પછી તો આ કાયમી થઇ ગયું. સામે પશ્મી સમય જતા વધુ જીદ્દી થવા લાગી. રોશનને આ બધાંથી કંટાળો પછી ગુસ્સો આવવા લાગ્યો. કામ ઉપરથી ઘરે આવતા જો સહેજ મોડો પડે તો પણ તે રિસાઈને ક્યાય સુધી બોલતી નહિ. તેની બહાર જવાની ઈચ્છા હોય તો સમય જોયા વિના લઇ જવી પડતી. ભૂલ હોય કે હોય છતાં માટે સોરી કહી મનાવવી પડતી. રોશન વિચારતો કે શા માટે મારેજ તેને મનાવવી? શું મારી કોઈ ઈચ્છા કે મજબૂરી ઘ્યાન તેણે પણ ના રાખવું જોઈએ કે પડે?
હવે તેની જાતે બોલશે, વિચારી એ પણ હવે ઘરની બહાર નીકળી જતો. પશ્મી વધુ ચિડાતી કે રોશનને હવે પહેલા જેવો પ્રેમ નથી કે પછી મારું મહત્વ નથી. આમ સાવ નાની વાતોમાં બંને વચ્ચે મનમોટાવ અને તણાવ રહેવા લાગ્યો.
આવાજ દિવસોમાં પશ્મીની મોટી બહેન તેને મળવા આવી. ઘરમાં રહેલા તણાવનું કારણ જાણી તેણે બહેનને સમજાવી” જ્યાં પ્રેમ હોય લાગણીઓ હોય ત્યાતો વળી હાથ લંબાવવામાં શરમ કેવી? એમાય નાની વાતોમાં રિસાઈ જવું એતો બાળકવેળા કહેવાય. રિસાઈ જવાને બદલે સામે ચાલીને તું કહે કે ભૂલી ગયા તો કોઈ વાંધો નથી આમેય મારી ઈચ્છા નહોતી, મારે તો તમે છો તો બધુજ છે. તો રોશનને એ બદલ ગિલ્ટી નહિ આવે ને તારી માટે પ્રેમ ઉભરાઈ જશે.” આમ સાવ નાની એવી સમજ પછી તેમના જીવનનું દ્રશ્ય બદલાઈ ગયું.
અંગત સંબંધોમાં ચર્ચાઓમાં પડ્યા વિના નાનીમોટી ભૂલ હસતા સ્વીકારી લેવામાં પણ મઝા છે. આમ કરતા ઉપરની પંક્તિ પ્રમાણે પ્રેમ વધે છે.પરંતુ કાયમી હા માં હા કરવાથી લાંબા સમયે પાર્ટનર જીદ્દી કે સ્વાર્થી પણ બની શકે છે. જેની માટે લાગણી કે પ્રેમ હોય તેની બધી ભૂલો માફ પરંતુ તેના અવગુણ પોષવા એ મુર્ખામી છે. આમ કરતા બંનેનું નુકસાન થાય છે.
કોઈપણ સાથે બોલચાલ બંધ થઇ હોય તો ઈગો ભૂલી એક વખત પહેલ જરૂર કરવી જોઈએ. લાગે કે સામે વાળા ઉપર કોઈ ફર્ક નથી પડ્યો તો જરૂરી સમય આપવો જોઈએ, છતાં અહી પણ સમય મર્યાદા ખુબ મહત્વની છે. વધારે પડતો સમય કાયમી દીવાલ પણ ચણી શકે છે, એનો ખ્યાલ રાખવો જરૂરી છે. લાંબો સમય વીતી જતા પહેલ કરવી પણ મુશ્કેલ બની જાય છે.
કોઈ ઉપર જો ગુસ્સો હોય તો તે વ્યક્તિને તેની અસર પછી થશે, સહુ પહેલા પોતાનું મન ખાટુ થશે, વ્યક્તિની પોતાની શાંતિ ડહોળાઈ જશે. આ પછી પણ તે મનાવશે તો કઈ રીતે, કઈ શરત ઉપર તેનો પણ ખ્યાલ નથી તો શું કામ કાલને ખુશ કરવા આજ બગાડવી! આ બધાથી બચવાનો સહેલો ઉપાય ના તારું ના મારું. ઘર કે સગા સબંધીમાં બસ થોડો સમય જવા દીધા પછી કશુજ નથી બન્યું એવા ભાવ સાથે પરસ્પર વર્તતા કોઈ મનમોટાવ રહેતો નથી.
“ખોટી જીદ અને રિસામણા મનામણાને બદલે હાથમાં હાથ અને સાથ આપી ચાલવામાં પરસ્પર સુખ અને પ્રગતિ છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply