જીવન દરમિયાન સહુથી નજીકનો સુંદર અને મહત્વનો સંબંધ છે પતિ પત્નીનો.
લગ્ન પછી જીવન પર્યંત સુખદુઃખના સાચા ભાગીદાર પતિપત્ની હોય છે. સહકુટુંબમાં જીવતા યુગલો કરતા લગ્ન પછી તરત અલગ ઘરસંસાર વસાવતા માત્ર એકબીજાની હુંફમાં જીવનની શરૂવાત કરતા પતિપત્ની માટે એકબીજાનું મહત્વ અને જરૂરીયાત વધુ મજબુત અને પરાવલંબી હોય છે.
સંયુક્ત કુટુંબમાં વચ્ચે અંગત એ બે સિવાય ઘણા કારણો પરસ્પર જોડાએલા હોય છે. તેમની વચ્ચે કાર્યો સાથે વાતોનો દોર વહેચાએલો રહે છે, જ્યારે સ્વતંત્ર જીવતા યુગલોમાં ઘરમાં માત્ર બે જણ રહેતા હોય તો એકબીજાને ગમતું , નાગમતું પહેલું ઘ્યાનમાં રાખે. સમય જતા પરસ્પર જાણે અજાણે એકબીજામાં ઢળતાં જાય છે. એમાય જો સમજુ જીવનસાથી હોય તો લગ્નજીવન સ્વર્ગ સમું બની જાય છે. અને જો બંને પક્ષે જીદ અને અભિમાન હોય તો કડવાશની શરૂવાત પણ આજ સમયથી થઇ જાય છે.
છતાં શરૂવાતના દિવસો બે છેડા ભેગા કરવામાં કે બાળકોના ઉછેરમાં વ્યસ્ત રહેવામાં સાચું સહજીવન જીવાતું નથી. આકર્ષણ હોય, પ્રેમ હોય પરંતુ એ બાહ્ય વધુ હોય છે. આજ પ્રેમ અને આકર્ષણ જો જળવાઈ રહે તો લગ્નના પચ્ચીસ ત્રીસ વર્ષ પછીનું આંતરિક આકર્ષણ જબજસ્ત હોય છે. “ઘૂંટાઈ ઘૂંટાઈને ગાઢો થયેલો પ્રેમ રંગ” એક તેરા સાથ હમકો દો જહાસે પ્યારા હૈ, તું હૈ તો હર સહારા હૈ.
વર્ષો સાથે રહીને એકમેકનાં મનની વાત કહ્યા પૂછ્યા વિનાજ સમજાઈ જાય, એકબીજાને મદદરૂપ થવાની ભાવનામાં ડબલ ઉછાળો આવી જાય છે, અને ત્યારે સામેવાળા સાથી માટે નીતરતો પ્રેમ પેલા શરૂવાતનાં દિવસો કરતા કૈક વધુ ઓળઘોળ કરી નાખે એવો હોય છે.
પ્રેમ અને વફાદારી સાથે સમજણની ખુબ જરૂર પડે છે. જીવન વહેતી નદી સમાન છે. સમય સાથે ઘણું બદલાય છે. વચમાં આવતા કેટલાય સબંધો અને પરિસ્થિતિઓ દાંપત્યજીવનને એકધારું રહેવા દેતું નથી. આવા સમયે સમજણ ખુબ મહત્વનો ભાગ ભજવી જાય છે. આથી સમજુ જીવનસાથી સાથે ગમેતેવો કપરો સમય પણ ઓછી તકલીફોથી પસાર થાય છે.
સુખી લગ્ન જીવનની રંગેચંગે સિલ્વર જ્યુબીલી ઉજવાઈ ગઈ હોય અને એ પછી જ્યારે જીવનનો સહુથી લાંબો અને સુખી સમય ગાળો જેની સાથે વિતાવ્યો એની સામે એક સ્ત્રી જ્યારે નજર માંડે ત્યારે એકસાથે કેટલાય સંબંધો તેની આજુબાજુ ઉભરાઈ આવે છે. જ્યારે પણ માતા પિતાના હૂંફની જરૂર લાગી જીવનસાથીએ માથા ઉપર હાથ મૂકી તેમની ગરજ સારી હોય.
જીવનની કોઈ ક્ષણે એકલતા લાગી મિત્ર બની મજાક મસ્તીમાં એ દુર કરી, પ્રેમી બની લાડ લડાવ્યા નખરા સહન કર્યા હોય, પતિ બની પ્રેમ સંરક્ષણ અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી હોય તેવા પુરુષ માટે પ્રેમ આદર અને સમર્પણની ભાવનામાં અનેક ગણો વધારો આપમેળે થઇ જતો હોય છે.
એમાય સામા પક્ષે પતિ ” તારા વિના મને નહિ ફાવે, તું સાથે હોય તો જંગલમાં પણ એકલો રહી શકું ” જેવા વાકયોથી સ્વેચ્છાએ પરવશતા બતાવે ત્યારે પચાસે પહોચેલી સ્ત્રીની અંદર યુવતી નવયૌવના થઈ નીખરી આવે છે. પતિપત્નીના મીઠા સંવાદો તેમના જીવન સાથે અંદરની ઈચ્છાઓને પણ તરોતાજા રાખી શકે છે.
શરૂવાતના વર્ષોમાં પતિ ” ચા તૈયાર છે, નાસ્તો ક્યા? કેટલી વાર?” જેવા શબ્દોથી સવારની શરૂવાત કરતો હોય, એજ વ્યક્તિના લગ્નજીવનનાં અમુક વર્ષો બાદ. ” ચાલ હું ચાય મુકું છું, તું નાસ્તો તૈયાર કર” જેવા શબ્દોથી દિવસની શરૂવાત થાય, ” કશું કામ છે? હું તને કઈ હેલ્પ કરું?” જેવા વાક્યોથી મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરે ત્યારે લાગેલો થાક હળવો થઇ જાય છે. પ્રેમાળ યુગલો તો સાઈઠ પછી એકમેકની હાથ લાકડી બની રહે, ત્યારે ફરી એકવાર એકબીજાના પ્રેમમાં પડ્યા હોય એવું અનુભવે છે. પરંતુ આવું સુખ ત્યારેજ મળે જ્યાં પરસ્પર પ્રેમ હોય સમજુતી હોય.
સુખીલગ્ન જીવન દરમિયાન બાળકોનો યોગ્ય ઉછેર પછી લગ્ન વગેરેની જવાબદારીઓથી નિવૃત્ત થઇ સમયની મોકળાશે, સતત કોઈનો સ્નેહ, સહવાસ અને સાચવણી મળતા રહે તો પચાસ પછી આવતા શારીરિક કષ્ટોને હસતાં જીરવી શકાય છે. જીવન ઉત્સવ સમું બની રહે છે. ઉંમર વધતા જે કામ સહેલાઈથી થતા હતા એ બધામાં તકલીફ વધવાની. આવા વખતે એકબીજાને મદદરૂપ રહેવાથી પ્રેમ માત્ર જળવાતો નથી પણ વધે છે.
બાળકોના દુર જવાથી આવતી એકલતા અને મેનોપોઝની અવચંડી માનસિક ચડાઈ અને નબળાઈ સમય કરતા પહેલા સ્ત્રીઓને ઘરડી કરી મુકે છે, સ્વભાવમાં ચીડિયાપણું ભરી જાય છે. સામા પક્ષે સ્ત્રીની ઉપેક્ષા પુરુષને પણ માનસિક ઉશ્કેરાટ પમાડે છે, નિવૃત્તિ પછી તેને પણ એકલતા ડંખે છે.
સાચા અર્થમાં પ્રેમ અને હુંફની જરૂરીયાત આજ સમયે, વધુ રહે છે. આ ઉંમરના પડાવે વ્યક્તિ વધુ લાગણીશીલ બની જાય છે.
લગ્નના વીસ પચ્ચીસ વર્ષ પછી દંપતી વચ્ચે સતત વાર્તાલાપ અને લાગણીઓનું પ્રદર્શન જરૂરી બને છે. પરસ્પર ગમા અણગમાને જણાવવા અને સમજવા ખુબ જરૂરી બની જાય છે. આમ ના થતા લગ્નેતર સંબંધોની શક્યતા વધુ રહે છે.
કારણ બંને પક્ષે નવરાશની ક્ષણો વધે તેમ નવરું મગજ શૈતાનનું કારખાનું પુરવાર થાય છે. એમાય ઘરની સ્ત્રી તેની શારીરિક અને માનસિક સ્થિતિને લીધે પુરુષથી અતડી રહે ત્યારે આમ થવાનું કારણ વધે છે.
બહાર વેડફાતા સમય થોડો વધુ એકબીજા માટે ખર્ચાય તો બાકીનું જીવન સુમધુર થઇ જાય તેમાં બે મત નથી. એકબીજાના વખાણ કરવા કરેલા કાર્ય બિરદાવવા અને થોડી વધુ કાળજી. બસ પછી જુવો ક્યાય કોઈની જરૂર નહિ રહે. એમાય જો બંનેના શોખ અને આદતો સરખી હશે તો જીવન સુમધુર થઇ જશે. ભલે બાળકો અને સગા સંબંધીઓ દુર રહેતા હોય પણ એકલતા નહિ સ્પર્શે.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply