આમાન્યનો પડદો
સાચું ખોટું, સારું નરશું છુપાવતો આમન્યાનો પડદો.
નાના મોટાના ભેદ સાથે, સમજદારીનું ભાન કરાવતો,
શરમ, માન વધારતો, થોડું છુપાવી કળવાશ ઘટાડતો,
તૂટેલા દિલને ફરી સંધાવતો, આ આમન્યાનો પડદો.
આમન્યા, આદર, મર્યાદા આ બધું વાણી, વર્તન અને વ્યવહારમાં સમાઈ જાય છે. આ સાચવવા ક્યારેક ખોટું પણ બોલવું પડે છે, કારણ સત્ય હંમેશા આવરણ વિનાનું હોય છે જે સામેવાળાના દિલ અને દિમાગ બંને ઉપર સીધી અસર કરી જાય છે.
દુઃખ વધારે એવા ધારદાર સત્યને ક્યારેક થોડું છુપાવી આડકતરી રીતે જણાવાય, કે આપણાથી આગળ રહેલાઓનું માન સાચવવા થોડું જતું કરી ચુપ રહેવાય એજ આમન્યા અને અદબ.
“નાના મ્હોએ વધારે બોલો, બોલવામાં માપ રાખો” આ બધા શબ્દો પણ દર્શાવે છે કે ઓછું બોલવામાં બંને પક્ષે માન જળવાય છે. મીઠાશ સચવાય, વડીલો તરફની લાગણી દર્શાવાય છે.
કેટલાક પોતાને વધારે મોર્ડન બતાવવા ગમેત્યાં વાણી વર્તન અને વ્યવહારનો વ્યભિચાર કરે છે.” મ્હો પર કહેવાની આદત છે બાકી મનમાં પાપ નથી “આમ કહેનાર વધારે આમન્યા તોડતા હોય છે. આમ કરવાથી મનદુઃખ થવાની શક્યતાઓ વધી જાય છે. મોર્ડન બનવા વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ નહિ કે વાણીને. આમ કરતા દરેકની નજરમાંથી ઉતરી જવાય છે. પરિસ્થિતિ પ્રમાણે થોડી અદબ મર્યાદા ઘણું બચાવી નવું કેટલુય આપી જાય છે.
નાનપણમાં મમ્મી સમજાવતા શબ્દોને ગળતા શીખો, ઉંમર પ્રમાણે વર્તતા શીખો. માતાપિતાના ઘરે મળેલી દરેક સ્વતંત્રતા લગ્ન પછી ભોગવતી નથી. મુક્તિ લગ્ન પછી સાસરે આવી. ઘરમાં વડીલ સસરા અને જેઠ જેઠાણી સાથે આખો પરિવાર હતો. નવી આવેલી મુક્તિને જરાય એકલું કે પરાયું નાં લાગે એ માટે સહુ તેની સાથે પ્રેમ અને મુક્તતાથી વર્તતા હતા. જોત જોતામાં એ પણ સહુની પ્રિય બની ગઈ. શરૂવાતથી આવું વાતાવરણ જોતા મુક્તિને સાસરામાં આવી હોવાનો આભાષ નહોતો રહ્યો પરિણામે વાણી અન વર્તન ઉપર કદીયે અંકુશ આવ્યો નહિ.
ગમે ત્યારે મનફાવે બોલી સામેવાળાને શરમમાં મૂકી દેતી. હશે છોકરમત છે કહી ઘરના સહુ તેની નાદાનિયત નજરઅંદાજ કરતા. પતિ તરુણ પણ આમજ કરતો. ખુશ થઇ જેઠના ખભે ધબ્બો મારવો સસરાની સામે ટૂંકા કપડા પહેરી ઘર બહાર જવું આવું બધું તેની માટે સામાન્ય હતું. જે નાના ગામમાં અડોશપડોશમાં ચર્ચાનો વિષય બની જતું.
જેઠાણીની ટીનેજર થવા આવેલી દીકરી ઉપર આની અસર પાડવા માંડી. એ પહેલા દાદાની સામે બહુ શાલીનતાથી વર્તતી જે તેની મમ્મીએ શીખવ્યું હતું. એ હવે તેના મિત્રો અને ભાઈબંધો સાથે ફોન ઉપર ખુલ્લા મને વાતો કરતી કપડામાં પણ કાકી પાસેથી શીખેલી ફેશન જરૂર કરતા વહેલી આવવા લાગી. આ બધું જોઈ જેઠાણી ચિંતિત બની ગઈ છેવટે એ લોકોએ અલગ રહેવા જવાનું નક્કી કર્યું. આમ જરાક સરખા મર્યાદાના ઉલંઘનને કારણે ખુશ મિજાજી અને ચોક્ખા દિલ વાળી મુક્તિ સહુને અપ્રિય લાગવા માંડી.
સ્વતંત્રતા અને મુક્તતા વચમાં વડીલોએ પણ આમન્યા રાખવી એટલીજ જરૂરી હોય છે. બાળકો સામે વાણી અને વર્તન ઉપર અંકુશ રાખવી ખુબ જરૂરી છે. નાના બાળકોને સારા નરસાનું ભાન નથી હોતું, તેઓ અનુકરણ કરવામાં પાવરધા હોય છે. તેમની સામે પ્રેમ જતાવવામાં પણ અંકુશ રાખવો જોઈએ. તેઓ સંબંધોના સાચા સમીકરણોથી અને તેના ફાયદા ગેરફાયદાથી અજાણ હોય છે. એમાય નજર સમક્ષ દર્શાવતો વિજાતીય પ્રેમ તેમને હાસ્યાસ્પદ કે વિકટ પરિસ્થિતિમાં મૂકી શકે છે. આમ થતા તેઓ પણ મોટાઓની વાતોનું ઉલંઘન કરી મુકતતા શીખે છે જેમાં પરસ્પર આમન્યાનો પડદો ઊંચકાઈ જાય છે.
આજકાલ ટીવી, એમાય વેબ સિરીઝ સાથે વાણી અને વર્તનનો વ્યભિચાર નાના બાળકો ઉપર ખુબ અવળી અસર પાડે છે તેમાં કોઈ શંકા નથી. બીજ જરૂરી વપરાશમાં લેવાતા શબ્દો ગાળી ગલોચ, બેડરૂમની અંગત ક્ષણો દર્શાવતા દ્રશ્યો કુમળા મગજના બાળકોને સીધેસીધા અવળે માર્ગે દોરે છે. આ હકીકતની પૂરી સમજ અને અનુકુળ સમયની તેમને જાણ નથી હોતી.
આજથી દસ પંદર વર્ષ પહેલા આવતી ફિલ્મો પરિવાર સાથે બેસીને જોવાનો આનંદ હવે છીનવાઈ રહ્યો છે. હાલમાં આવતા મોટાભાગના મુવીઝ અને વેબ સિરીઝ મોર્ડન સમાજ દર્શાવવાના હોડમાં પારિવારિક આમન્યા અદબ તોડી રહ્યા છે. આંખોમાં શરમ ઘટી રહી છે. પરિણામે બાળકો પણ વડીલો સામે અયોગ્ય શબ્દો અને વાતો કહેતા અચકાતા નથી.
અદબ કે મર્યાદાનો અર્થ એ પણ નથી કે નાના કે નીચેના ને સતત દાબમાં રાખવા. તું નાનો છે તને સમજ ના પડે કે મોટાઓ વચમાં બોલવું નહિ કહી સાચી વાતને ડાબી દેવી આ પણ યોગ્ય નથી. દરેક પરિસ્થિતિને બેલેન્સમાં રાખવી અને એ પ્રમાણે વર્તવું જરૂરી છે. સમજદારી અને કુશળતા આ બધાથી ઉપર છે.
વડીલોની ભૂલ સામે નાના આંગળી ચીંધે કે ભૂલ સુધારવા ટકોર કરે તેમાં આમન્યાનું ઉલ્લંધન થતુ નથી. કારણ તેમની ભૂલ તેમની સાથે બીજાઓની માટે પણ દુઃખદાયક બની શકે છે. કોઈના ભલા માટે ભલે મર્યાદા તૂટે એમાં કશું ખોટું નથી.
આજની જનરેશન અને તેમની પ્રગતિ એટલી બધી ઝડપથી આગળ વધી રહી છે કે હવે દસ પંદર વર્ષનો ગાળો સામાન્ય રીતે ઓગળી ગયો છે. માત્ર ઉંમર પ્રમાણે હોદ્દો મોટો એમ માની નાનાઓને નજર અંદાજ કરવા ભૂલ ભરેલું છે. છતાં વાણી વર્તન અને વ્યવહારને અંકુશમાં રાખી મોટા થવામાં ડહાપણ અને મઝા છે.
– રેખા પટેલ (ડેલાવર )
Leave a Reply