અછાંદસ : સળવળાટ
પર્ણો વિનાના લંગોટિયા બાવા જેવા વૃક્ષો,
અને,
સળવળતી રણના સર્પો જેવી સુકી ડાળીઓને,
વાસંતી પવન સાથે
અંકોડા ભીડીને આવેલી,
વરસાદની જળપરીઓ પીગળાવી ગઈ.
જોતજોતામાં દરબાર ઇન્દ્રનો ભરાઈ ગયો.
કામદેવના બાણ ચારે દિશાને વીંધી ગયા,
ફૂલોના રંગીન લિબાસમાં
લીલીછમ અપ્સરાઓ ડોલી ઉઠી.
પેલા બાવાઓએ વૈરાગ્ય છોડ્યું,
સુકા સર્પો લીલુડા બન્યા.
હૈયામાં સળવળતાં થયા.
જોઇ એને
મુઝાએલું મન રોમરોમ ખીલી ઉઠયું,
એ સાથ ઘર મારું મહેકી ઉઠયું .
અસર પ્રકૃતિની જે મારા મનને લપેટે છે.
ને એમજ,
મારા સુખ દુઃખ મારા ઘરને પલટે છે.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply