એપ્રિલ ફૂલ બનાયા, ઉનકો ગુસ્સા આયા
કોઈ પણ વિષમ પરિસ્થિતિ વચમાં પણ રસ્તો કેમ શોધી લેવો એની જાણ દરેકને બરાબર હોય છે. આજ આવડત કોઈ પણ સ્થિતિમાં અનુકુળતા શોધી જીવનને સરળ બનાવે છે. વાતાવરણની અસર દરેકના જીવન ઉપર ઓછી વત્તી પડતીજ રહે છે. શિયાળામાં તન અકળાય, વાદળ છાયા ચોમાસામાં મન અકળાય. તેમાય ઠંડા પ્રદેશોમાં આની અસર વધુ લાગે છે. ૨૦ માર્ચથી અમેરિકામાં સ્પ્રીંગની શરૂઆત થાત છે ત્યારે ઇસ્ટ કોસ્ટ અને ઠંડા રાજ્યોમાં ઘરમાં ભરાઈ રહેલામાં ઉત્સાહ વધે સ્વાભાવિક છે.
એમાય ખરો સ્પ્રિંગ એપ્રિલ મહિનાથી શરુ થાય છે. આ મહિનો એટલે અમેરિકામાં ઉલ્લાસથી થનગનતી વસંત. કડકડતી ઠંડીને આવજો કહેવા ઉતાવળી થયેલી કુદરત પણ મસ્તીમાં આવી જાય છે. ચારે તરફ ઝીણી ફૂટતી કુંપળો ઠેરઠેર ટ્યુલીપ્સ, સુગંધી દાર હાઈસીન્થીયા, સહુથી પહેલા ખીલી ઉઠે છે. ખીલતાં રંગીન ફૂલો સાથે આછી ગુલાબી ઠંડક દરેકના જીવનમાં ઉત્સાહ ભરી દેતા હોય છે. જ્યારે મન ખુશ હોય ત્યારે મસ્તી પણ સુઝી આવે છે.
પહેલી એપ્રિલ- એપ્રિલ ફૂલનો દિવસ એટલે મજાક અને પ્રેક્ટીકલ ટુચકાઓ કરવા માટેનો નક્કી કરાએલો એક દિવસ. આજના દિવસે સામાન્ય લોકોથી લઈને ક્યાંક મીડિયા પણ આ મજાકમાં સામેલ થાય છે. બાકીના દિવસોમાં મીડીયાને ખોટ્ટા સમાચાર આપી મજાક કરવાની છૂટ હોતી નથી.
એપ્રિલફૂલનો દિવસ ક્યારે અને કેવી રીતે લોકપ્રિય બન્યો એના વિષે કોઈ સાચી માહિતી કે નક્કી સમય નથી. છતાં આ વિશેની સાચી જાણ કોઈને પણ નથી. આમ તો આ દિવસે જાહેર રજા નથી, માત્ર યુક્રેનના ઓડેસા શહેરમાં જાહેર રજા રખાય છે.
કેટલાક ઇતિહાસકારોનું અનુમાન છે કે એપ્રિલ ફૂલ્સનો દિવસ ૧૫૮૨ થી અસ્તિત્વમાં આવ્યો છે. જ્યારે ફ્રાન્સના પોપ ચાર્લ્સ-9 એ જૂના જુલિયન કેલેન્ડરને બદલે ગ્રેગોરિયન કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું
નવા કેલેન્ડર અનુસાર હવે વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી કરવામાં આવી. આ પહેલા તે 1 એપ્રિલે શરૂઆત કરવામાં આવતી હતી. ત્યારબાદ જ્યારે કેટલાક લોકો નવા વર્ષને જૂની તારીખ એટલે કે એક એપ્રિલે જ મનાવવા લાગ્યા ત્યારે તે લોકોને એપ્રિલ ફૂલ્સ કહેવામાં આવ્યા. બસ અહીંથી જ વિશ્વભરમાં દર વર્ષે 1 એપ્રિલને એપ્રિલ ફૂલ દિવસ તરીકે મનાવવાની પરંપરા શરૂ કરવામાં આવી. સ્પેનિશમાં આ દિવસને ” ડે ઑફ હોલી ઇનોસન્ટ્સ” કહેવામાં આવે છે.
એવી પણ અટકળો છે કે એપ્રિલ ફૂલ્સનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં વસંત વિષુવવૃત્ત અથવા વસંતનો પ્રથમ દિવસ સાથે જોડાયેલો હતો, આ દિવસે જ્યારે કુદરતે લોકોને અણધાર્યા બદલાવથી મુર્ખ બનાવે છે તેવી લોક્વાયા થી આ દિવસની શરુઆત થઇ હતી.
એક માન્યતા પ્રમાણે 18 મી સદીથી આ દિવસે બ્રિટનનાં સ્કોટલેન્ડમાં ગૌક નામના પક્ષીનો શિકાર કરવામાં આવે છે. આ પક્ષીને મુર્ખ માનવામાં આવે છે. પછી ટેલી ડે નામની રમત રમે છે જેમાં બનાવતી અલગઅલગ પુંછડીઓ બનાવી પાછળ લગાડાય છે.
પહેલાના સમયમાં લોકો એકબીજાને પત્ર લખીને ખોટા સમાચાર આપીને કે સંદેશાઓ દ્વારા એપ્રિલફૂલ બનાવતા હતા. ક્યારેક આ મજાકમસ્તી જીવનભર હસાવે તેવી યાદગાર બની જતી તો ક્યારેક તેના કારણે જીવનભર કડવાશ પણ ભરાઈ જતી. મસ્તી મજાક જો હદમાં રહી પરિસ્થિતિને અનુરૂપ કરવામાં આવે તોજ તેની મઝા માણી શકાય છે.
મનોહર અને તેની પત્ની કાવ્યાને મજાક મસ્તીની ભારે ટેવ હતી. બીજાઓને કેમ મુર્ખ બનાવવા એ બંને પતિપત્નીને બરાબર આવડતું હતું. કાયમી હસીમજાક બધા મિત્રો ટેવ સમજી સહન કરી લેતા હતા. પરંતુ એક વખતની મજાક બીજાને ભારે પડી જતા બાકીના મિત્રોએ તેમનો કાયમી સાથ છોડી દીધો.
ધીરજ અને ભૈરવીના નવાનવા લગ્ન થયા હતા. ગામડાની સીધી સાદી ભૈરવી લગ્ન પછી શહેરમાં રહેવા આવી અને ધીરજના મિત્ર મનોહરના મિત્રવર્તુળમાં જોડાઈ. બહુ ભોળી ભૈરવી ઝડપથી બીજાઓની વાતોમાં આવી જતી તેની જાણ મનોહર અને કાવ્યાને હતી. આથી એપ્રિલ ફૂલના દિવસે તેને મુર્ખ બનાવવી એ બંનેએ નક્કી કરી લીધું.
ધીરજના નોકરીએ ગયા પછી કાવ્યા તેના ઘરે પહોચી ગઈ અને તેને સમાચાર આપ્યા કે ઘરે ધીરજના કુટુંબીઓ દસ જણ જમવાના છે તો રસોઈ બનાવી રાખે. કારણ આ વખતે માત્ર મનોહરના ઘરેજ ફોન હતો.
બીચારી ભૈરવી ગભરાઈ ગઈ તેને ઉતાવળથી મહામહેનતે બધાની રસોઈ બનાવી. ત્યાંજ મનોહરનો ફોન આવ્યો કે “ઘરે આવતા ધીરજના સ્કુટરને અકસ્માત નડ્યો છે એને સિટી હોસ્પિટલ લઇ જવાયો છે.”
કાવ્યા ગભરાઈ ગઈ, બધીજ રસોઈ અને ઘર એમજ રહેવા દઈ સીધી હોસ્પિટલ તરફ ભાગી. આ સમયે તે પ્રેગનેન્ટ પણ હતી. જોકે હજુ મિત્રોને આ વાતની જાણ નહોતી. આ સ્થિતિમાં સવારથી કઈ પણ ખાધા વિના કામ કરતી હતી ઉપરથી આવા આઘાત આપતા સમાચાર, વિચારમાં રસ્તો ક્રોસ કરવા જતા એક કાર સાથે અથડાઈ પડી. આ એક્સિડન્ટમાં આવનાર બાળક જન્મ પહેલાજ છીનવાઈ ગયું. એક નાની મજાક બધાને ભારે પડી ગઈ.
“કોઈને હલકી તકલીફ પડે કે થોડો ઉચાટ થાય તેવી સ્થિતિ ઉભી કરાય તો એને મજાક કહેવાય. પરંતુ એના કારણે જાન માલ ક સંબંધોનું નુકશાન કદીયે આવકાર્ય નથી.”
અત્યારના આધુનિક સમયમાં વધારે લોકોને આસાનીથી એપ્રિલ ફૂલ કે ડે હોક્સ્સ બનાવવા માટે ખુબ આસાન બની ગયું છે.. અખબારો, રેડિયો અને ટીવી સ્ટેશનો અને વેબ સાઈટ્સને કારણે વધુ લોકો મુર્ખ બની રહ્યા છે. ૧૯૫૭માં વિશ્વવિખ્યાત સમાચાર ચેનલે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા બતાવ્યું હતું કે સ્વિત્ઝરલેન્ડમાં એક સ્થળે સ્પગેટીની ખેતી થાય છે. તે ઝાડ ઉપર ઉગે છે. લોકોને ઝાડમાંથી નૂડલ્સ કાપવાના ફૂટેજ બતાવ્યા અને અસંખ્ય દર્શકોને મૂર્ખ બનાવ્યા હતા.
આ સમાચાર આવતા લોકોએ પુસ્તકોના પાનાં ઉથલાવી નાખ્યા. વધારામાં હાસ્યાસ્પદ સ્થિતિ ત્યારે સર્જાઈ કે લોકો બીબીસીને ફોન કરીને આ ખેતી કેવી રીતે કરાય છે તેના વિષે માહિતી માગવા લાગ્યા.
અમેરિકાની ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ બર્ગરકિંગ માટે અહીના પ્રખ્યાત સમાચાર યુએસએટુડે એક વખત પહેલી એપ્રિલના દિવસે જાહેરાત કરી કે ડાબોડી લોકો માટે બર્ગરકિંગે ખાસ પ્રકારના બર્ગર સેન્ડવીચ વગેરે બનાવ્યા છે જે હવે ઉપલબ્ધ છે. લોકો બર્ગરકિંગમાં આવા બર્ગર માટે ઉમટી પડ્યા હતા.
૧૯૯૬ માં, ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ ટાકો બેલએ જ્યારે લોકોને જાહેરાત કરી કે ફિલાડેલ્ફિયાના લિબર્ટી બેલને તેઓ ખરીદી રહ્યા છે. અને તેનું નામ બદલીને ટાકો લિબર્ટી બેલ રાખવાનું છે. આવી બધી જાહેરાતો ખુબ હાસ્યાસ્પદ અને રમુજી લાગે છે. ફિલ્મોમાં પણ આ દિવસને યાદ કરીને ગીત બનાવાય છે તેને અનુરૂપ મૂર્ખતા ભરી હરકતો કરાય છે.
એપ્રિલ ફૂલ દિવસને એક એવા દિવસ તરીકે મનાવવામાં આવે છે જ્યારે લોકો દ્વારા એકબીજાની સાથે મજાક અને સામાન્ય રીતે મૂર્ખતાપૂર્ણ હરકતો કરવામાં આવે છે. પરિવાર, પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ વગેરે સાથે અનેક પ્રકારની મસ્તી અને અન્ય વ્યવહારિક મજાક કરવામાં આવે છે.
“જ્યારે પણ સમય મળે હસીખુશીને અપનાવી જીવન રંગીન બનાવી લેવું કઈ ખોટું નથી. નિર્દોષ મજાક મસ્તી માટે આ દિવસ ખોટો નથી. બસ તેનાથી કોઈને નુકશાન ના થવું જોઈએ.”
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply