જબ બરસાએ રંગ સજનવા ભીગે મોરી ચુનરી
આનંદ અને ઉત્સાહ વધારે તે ઉત્સવ, હોળી અને ધૂળેટીથી વધારે મોટો ઉત્સવ કયો?
મસ્તી અને રંગની છોળો જ્યાં ઉછળે, વેર ઝેરને જ્યાં અગ્નિમાં હોમી દેવાય એજ સાચો ઉત્સવ છે. હોળી ભારતનો ૫૦૦૦ થી વધારે વર્ષો જુનો વાર્ષિક તહેવાર છે. બીજી રીતે આ પરંપરાગત હિન્દુ પવિત્ર દિવસ એ વસંતના આગમનને આવકારવા માટે શરુ થયો હતો. ફાગણ મહિનાની પૂનમે સાંજે હોળી પ્રગટાવી આ તહેવારની ઉજવણી કરાય છે. ત્યારબાદ બીજા આખા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી મનાવાય છે.
ધુળેટીને “રંગોનો તહેવાર” અથવા “પ્રેમનો તહેવાર” તરીકે પણ ઓળખાય છે. રાધારાણી અને શ્રીકૃષ્ણના પવિત્ર પ્રેમને આ તહેવાર સાથે સાંકળી દેવાયો છે. રંગ માત્ર લાલ પીળા કે કેસરી નથી અહી તો પ્રેમના રંગોની વાત છે. તહેવારો તો હૈયાની લાગણીઓને બહાર વહેતી મુકવાનું જાહેરમાં વહેચવાનું બહાનું છે.
જોકે આ બધા તહેવારોની સાચી મઝા વાતાવરણની અનુકુળતાએ આવે છે. અમેરિકામાં તેમાય ઇસ્ટ કોસ્ટની કડકડતી ઠંડીમાં ફેબ્રુઆરીમાં સંબંધોનો ગરમાવો ભરવા આવતી વેલેન્ટાઈન જેમ નવયુવાનો સાથે દરેકમાં ઓછોવત્તો સળવળાટ લાવે છે. માર્ચમાં આવતો સેન્ટ પેટ્રિક ડેની ઉજવણી માટેની ઠેરઠેર યોજાતી પરેડ પછી સ્પ્રિંગની શરૂવાત થાય છે બરાબર આજ સમયે ભારતમાં હોળીનો થનગનતો તહેવાર આવે છે. જેમ ભારતમાં વસંતના વધામણાં થયા છે તેમજ અહી સ્પ્રિંગ આવતા ઠંડી અને બરફમાં ઢબુરાઈ ગયેલું જગજીવન પાછું અંકુરવા લાગે છે.
પરદેશમાં દરેક પોતાના તહેવારો દિલથી ઉજવી જાણે છે, આજ કારણે બેવડો આનંદ પામી શકે છે. બાકી અહી દેશ જેવી મજા નથી વિચારી દુઃખી થનારા પણ મળી આવશે. જે પણ મળે તેને ખુશીથી સ્વીકારવું એજ સાચો ઉત્સવ.
ભારતથી હજારો માઈલો દુર આવેલા આ દેશમાં લગભગ બધાજ તહેવારો ધામધુમથી ઉજવાય છે. જે ગર્વ સાથે સંસ્કૃતિની જાળવણી માટે અગત્યનું કહેવાય. અમેરિકા વધારે કરીને ઇમિગ્રન્ટથી બનેલો દેશ છે. આથી દરેક જાતની સંસ્કૃતિ અહી જોવા જાણવા મળે છે. દરેકને આવકારવા અહીની પ્રણાલી બની ગઈ છે. આથી આપણા હિંદુ તહેવારોમાં પણ અમેરિકન લોકો ઉત્સાહ પૂર્વક ભાગ લેતા જોવા મળે છે. પછી ભલેને તે હોળી હોય નવરાત્રી કે દિવાળીની પાર્ટીઓ બધેજ વિના સંકોચે મિત્રો સાથે એક રંગ થઈને અમેરિકન મેક્સિકન કે આફ્રિકન અમેરિકન જોવા મળે છે.
સહુથી સુંદર હોળી ધૂળેટી અમેરીકાના વેસ્ટમાં આવેલા સ્ટેટ ઉથાઃ ના સ્પેનીસ ફોર્કમાં આવેલા રાધા કૃષ્ણના મંદિરમાં ઉજવાય છે. જેને અમેરિકાની સાથે વિશ્વની સૌથી મોટી હોળી-ધૂળેટી તરીકે ઓળખાય છે.
આ તહેવારની શરૂઆત ૧૯૮૯મા અહી કરાઈ હતી. દર વર્ષે આ ઉજવણી માટે આવનારાઓની સંખ્યામાં બહુ ઝડપથી વધારો થઇ રહ્યો છે. ૨૦૧૦ માં ૨૦,૦૦૦ લોકો જે ૨૦૧૨માં ૬૦,૦૦૦ ની સંખ્યા થઇ ગઈ હતી. આ વર્ષોમાં તે સંખ્યામાં પણ વધારો થઇ ગયો છે. ફેસ્ટીવલને હવે કાઉન્ટીની પણ સહાય મળી રહી છે. આટલા બધા ધસારાને પહોંચી વળવા પોર્ટેબલ બાથરૂમ અને આરામ કરવા માટેના રૂમની વ્યવસ્થા કરાવાય છે.
બંધાએલા અલગ અલગ સ્ટેજ ઉપર પરંપરાગત નૃત્ય અને કલાઓ દર્શાવાય છે. યોગાના કલાસીસ ચલાવાય છે. અને શ્રીકૃષ્ણ સબંધિત કથાઓ અને જ્ઞાન અપાય છે. ફૂડ માટેની પણ વ્યવસ્થાઓ કરાએલી હોય છે. બધુ સુવ્યવસ્થિત રીતે આયોજિત જોવા મળે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવનાર દરેકની બેગ ચકાસવામાં આવે છે. બહારથી રંગો લાવવા ઉપર પ્રતિબંધ મુકાય છે. જેથી માદક રંગો કે દ્રવ્યો કોઈ લાવી શકે નહિ. દુરદુરથી આ ઉત્સવમાં ભાગ લેવા આવતા લોકોને હોવાને કારણે સ્પેનિસ ફ્રોકની હોટેલ્સ બધી ભરાઈ જાય છે.
હરે ક્રિશ્નાના મંદિરમાં ઉજવાતો આ તહેવાર હવે અમેરિકન પ્રજામાં પણ ખુબ પ્રચલિત બની રહ્યો છે અને તેમની સંસ્કૃતિનો ભાગ બની રહ્યો છે.
આ ફેસ્ટીવલ ઓફ કલર્સની ઉજવણી અમેરિકાના ઘણા શહેરોમાં થાય છે. જેમાં કેલીફોર્નીયા મોખરે રહ્યું છે. જેમાં રીવરસાઈડ કેલિફોર્નિયા અને લોસ એન્જેલસ આગળ છે. અહીની પ્રજાને પણ ધર્મ સાથે કોઈ વાંધો હોતો નથી આ તેમના વિચારોની મહત્તા છે. તેમ છતાં તેમના મત પ્રમાણે ” હોળી- ધૂળેટી એ ધાર્મિક તહેવાર નથી. આ આધ્યાત્મિક અને સંસ્કૃતિક તહેવાર છે. અહી જીવંત આધ્યાત્મિકતા રહેલી છે. “આજ કારણે આ તહેવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવતો રહ્યો છે.
વેસ્ટ વર્જિનિયાના ઇસ્કોન સ્થિત ગોલ્ડન ટેમ્પલમાં, પેન્સીલવેનિયાના વ્રજ ભૂમિના મંદિરમાં પણ ધુળેટીમાં ભગવાન કૃષ્ણને સાથે ભક્તોને રંગ ઉડાડી ધૂળેટી રમાડાય છે. આ સમયે અહી ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી માત્ર કોરા રંગોથી ધૂળેટી રમાય છે.
પ્રભુપાદના પેલેસ ઑફ ગોલ્ડ ટેમ્પલ વર્જીનીયામાં સુંદર સુંદર ઢોળાવવાળી લોન પર આખો દિવસ આ ફેસ્ટીવલ ચાલે છે. જે ઘણા પ્રવાસીઓનું આકર્ષણ બની રહે છે. હરેરામા હરે ક્રિશ્નાની ઘુન ચારે બાજુ ગુંજતી સાંભળી આપણને બરાબર એવુજ પ્રતીત થાય કે વૃંદાવનની ગલીયોમાં ઘૂમી રહ્યા છીએ.
નિશ્ચિત સમયે હવામાં રંગ ઉડાડવાનું નક્કી કરાએલું હોય છે છતાં ઉત્સાહી ખૈલૈયાઓ કોઈની રાહ ના જોતા હવામાં રંગો દેલાવી આખાય આકાશને રંગીન કરી મુકે છે.
અમેરીકાના ઇસ્કોન મંદિરમાં અમેરિકન ભક્તો વધારે પડતા જોવા મળે છે. તેમની માટે આ ઉત્સવ ભગવાન કૃષ્ણને સમર્પિત માને છે, આથી તેમની ભીડ વધારે જોવા મળે છે. હવે તો ઘણી યુનીવર્સીટીમાં પણ આની ઉજવણી રંગોથી રંગાઈને કે નૃત્ય પ્રોગ્રામ આયોજિત કરાઈને કરવામાં આવે છે. ભારતીય યુવક યુવતીઓ ની સાથે સફેદ અમેરિકન વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. આવા સમયે માત્ર ચામડીના અને વાળના રંગ ભેદને જો ભૂલી જઇયે તો આખુજ કલ્ચર ભારતીય રંગે રંગાએલું જોવા મળે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થયા પછી, હોળીને આ દેશમાં ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
ભારતીયો અને ધાર્મિક સંગઠનો દ્વારા રચિત વિવિધ સમાજો અને લોકો આ ઉત્સાહથી ઉછળતા તહેવારને ઉજવવા અને સાંસ્કૃતિક મૂળની નજીક રહેવા માટે બનતો પ્રયાસ કરે છે. એ માટે સંગીત કાર્યક્રમો અને હોળી સેલિબ્રેશન ,ડીનર વગેરેનું આયોજન કરાય છે. કાઉન્ટીની પરમીશન લઈને મંદિર કે પાર્કની ખુલ્લી જગ્યામાં હોળી પ્રગટાવી પૂજન કરે છે. ત્યાર બાદ સૂકા રંગો અથવા જ્યાં વેધર ગરમ હોય ત્યાં રંગોની પિચકારીઓ થી ધૂળેટી રમાય છે.
આ તહેવાર માટે ખૂબ ઉત્સાહ ખાસ કરીને શહેરોમાં જોવા મળે છે. જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થયા છે. હોળી ઉજવણી ન્યૂયોર્ક શહેરમાં પણ ધૂમ મચાવે છે. અહીં જેક્સન હાઈટ જ્યાં મોટાભાગે ઇન્ડીયનોની વસ્તી છે ત્યાં હોળીની પરેડ નીકળે છે. જેમાં લોકો ખુબ મઝા માણે છે. રંગોથી ઉત્સવની ઉજવણી કરે છે. ભારતથી ખાસ બૉલીવુડ અભિનેતાઓ પણ બોલાવાય છે. જેના કારણે લોકોમાં ઉત્સાહ અને ઉત્તેજના વધી જાય છે. જેમાં નૃત્ય પ્રદર્શન, ફેશન શો અને સંગીત સમારોહ સાથે અવનવી ભારતીય વાનગીઓ તહેવારને રંગીન બનાવે છે.
– રેખા પટેલ (યુએસએ)
Leave a Reply