બહારથી સુંદર દેખાતો સમાજ જ્યારે બીમાર પડે છે ત્યારે “ભીડ” બની જાય છે!
લોકડાઉનની એ ત્રાસદીમાં આપણે જ્યારે ટીવી પર ઇટાલી-અમેરિકાની કોરોનામાં બરબાદી પર નાચી રહ્યા હતા, ત્યારે આપણા જ ભારતવાસીઓ સડકો પર ભૂખે મરી રહ્યા હતા, કારણ કે એ લોકો ક્યારેય ભારતીય સમાજનું અંગ બની ના શક્યા. એ પ્રજા “મજૂર” બનીને રહી ગઈ. આપણે જેમના પરસેવાથી બનેલા મકાનોમાં લોકડાઉનની મહેફિલો માણતા હતા, એ મજૂરો બેરોજગાર થઈને યેનકેન પ્રકારે પોતાના વતનમાં પહોંચવા મથી રહ્યા હતા!
સુખના સમયમાં રાષ્ટ્રવાદની સૂફીયાણી વાતો કરવી અલગ વાત છે. પણ જ્યારે માથે કોરોનાની આફત આવી ત્યારે આપણે પહેલા તો હિંદુ-મુસ્લિમ ફેસબુક અને વોટ્સએપમસ લડીને અધમુઆ થઈ ગયા. એમાંથી બચ્યા તો “મજૂરો”નું કામ જ છે, સડકો પર મરવાનું. એના લીધે કંઈ દેશને થોડો કોરોનામાં મરવા દેવાય? એવી બાબતો પર ચર્ચાવીરો બનીને મરી ગયા! કોરોનાની અને બેકારીની વાતો મૂકી દીધી તડકે ને કોર્પોરેટના ઈશારે નાચતી ન્યુઝ ચેનલોમાં તબલિગી તબલિગી રમીને આપણે રાષ્ટ્રવાદી બનવાના ડોળમાં “ભીડ” બની ગયા!
સાચેસાચ કોરોના માથે આવ્યો ત્યારે ભાન થયું કે આ તો કાળમુખો કોઈ ધર્મ કે જ્ઞાતિ જોયા વિના ધડ દઈને ફેકસામાં ઘુસી જાય છે. નસીબદાર હોઈએ તો સરકારી હોસ્પિટલમાં બેડ મળે, અને ઘરમાં રોકડા રૂપિયા રમતા હોય તો બજારમાં રેમદેસીવીર! ઓક્સિજન માટે પાંચ જગ્યાએ પહોંચ જોઈએ અને વેન્ટિલેટર માટે ફકત શ્વાસની કિસ્મત! અને તકલીફ એ હતી કે જેમના સગાઓના શ્વાસ અધવચ્ચે અટક્યા હોય એમને સમજાવી શકાતું નહોતું કે—જાઓ, બીજા દેશોમાં જઈને ત્યાંની હાલત જોઈ આવો…
એક ભયાનક લાંબુ વાવાઝોડું આવીને પસાર થઈ ગયું. ત્રણ કે ચાર મહિનાનું. જેના કિસ્મત હતા એ બચી ગયા અને શ્વાસની લેણદેણ પૂરી થઈ ગઈ હતી એ હિંદુ, મુસ્લિમ, સવર્ણ કે દલિત બધા જ કોઈ ભેદભાવ વિના પહોંચી ગયા સ્વધામ! નસીબદાર હતા એ લોકો જે હોસ્પિટલમાં પહોંચીને કે પોતાના ઘરમાં સ્વજનોની વચ્ચે મર્યા. બાકી કમનસીબ મજૂરો તો ઘરે પહોંચતા પહેલા જ વગર કોરોનાએ ભૂખે મર્યા કે પછી જીવનથી લોથપોથ થઈને જીવતેજીવ જ મર્યા!
પણ મૂળ સબક એ લેવાનો હતો જે આપણે સદીઓથી લઈ શક્યા નથી કે—અસલમાં આપણે રાષ્ટ્રવાદી નથી. આપણી દેશભક્તિ ફક્ત ક્રિકેટની મેચ કે સરહદી લડાઈઓમાં હાંફીને અટકી જાય છે, બાકી આપણા જ વર્તુળથી બહાર નીકળીને ભારતના ઘણા હિસ્સાઓ આપણે ધરાર આંખ આડે પાટા બાંધીને જોઈ શકતા નથી. એટલે જ આફતોના વાવાઝોડા આવે ત્યારે આપણે દેશ કે સમાજ મટીને હિંસક પશુ જેવી “ભીડ” બની જઈએ છીએ!🙏
– Bhagirath Jogia
Leave a Reply