સુખ અને દુઃખ:
અયોધ્યામાં રામચંદ્રજી પરણીને આવે છે અને આખું અયોધ્યા ખુશીથી નાચી ઉઠે છે. કોઈ જ પ્રકારનું દુઃખ, કોઈ જ અભાવો હવે અયોધ્યામાં રહ્યા નથી. લોકોને એમ થઈ ગયું કે વિધાતા આનાથી વધારે કોઈ સ્વર્ગની કે કોઈ સુખની રેલમછેલ કરી જ ના શકે. આનંદનો વરસાદ લોકોને ભીંજવીને તરબોળ કરી રહ્યો હતો. ત્યારે રામને વિચાર આવ્યો હશે કે ઉઘાડ લાવવા માટે હવે કદાચ ચૌદ વર્ષના વનવાસની જરૂર છે. કારણ કે, અતિશય વરસાદની જેમ જ અતિશય સુખ સારું નથી હોતું. અતિશય સુખ પ્રપંચ ઉભા કરે છે અને પ્રપંચ પ્રસન્નતા છીનવી લે છે.
રાજા દશરથ જ્યારે સભામાં અનાયાસે અરીસામાં પોતાનો ત્રાસો થઈ ગયેલો મુગટ જોઈ લે છે ત્યારે જ એમને નિવૃત થઈને રામનો રાજ્યાભિષેક કરવાનો વિચાર આવી ગયો હશે. આખી જિંદગી રોફ છાંટયો હોય, તમારી હાજરી માત્રથી ઘરમાં સન્નાટો થઈ જતો હોય અને પત્ની કે બાળકો તમારા ઈશારે જીવતા હોય ને પછી ‘તમને કંઈ ખબર નથી પડતી…’ જેવા વાક્યો સફેદ વાળ ઊગી ગયેલા કાને સંભળાય ત્યારે સમજવું કે હવે આપણો મુગટ ત્રાસો થઈ ગયો છે.
તુલસીદાસજીએ કહ્યું એમ ભુતકાળના પડછાયાઓના બંધન તોડીને નાચવા માંડો. પણ આપણે એ બંધનો તોડી શકતા નથી. આ દુનિયાના લોકો બહુ ઉદાર છે એટલે આપણને પૂજે છે. પણ સતત પૂજાયા કરવાની ટેવ ના પાડવી. બાકી પોતાનાઓની જ નિંદાનો ભોગ બનશો. પોતાની ધૂનમાં ગુલતાન શિવ પોતાના સસરા દક્ષ સામે ઊભા ના થયા એમાંથી પૂજાવાનો મોહ હોય એવા લોકોએ શીખવાનું છે.
બહુ ઊંચા શિખરે પહોંચી જવાની બે સમસ્યાઓ છે. એક તો દુનિયા તમને બહુ નાની લાગશે. અને બીજી દુનિયાને ય તમે સાવ પામર જંતુ લાગશો.
લોકોની વાણી-વર્તનમાં સાતત્યની આશાઓ બહુ ના રાખવી. આજે એ તમને પગે લાગવા દોડશે. સન્માન કરીને, શાલ ઓઢાડીને કહેશે કે અમે શાલ ઓઢાડ્યા પછી બાપુનું ઉપડી ગયું. બાપુનું તો ઉપડી ગયું, પણ તમારું સાવ બેસી ગયું એનું શું! વળી, કોઈ બીજામાં એમને મહાનતા દેખાશે તો હડી કાઢતા ત્યાં પગે લાગવા ધક્કામુક્કી કરશે..
સુખી થવાનો માર્ગ આમ તો સાવ સરળ છે. પોતાના ત્રાંસા થઈ રહેલા મુગટને ઓળખીને નવી પેઢીને સોંપી દેવો. આખી જિંદગી તમે જે કર્યું હોય એ, પણ માથે સફેદી દેખાવી શરૂ થાય ત્યારે જેને જેને જાણ્યે-અજાણ્યે અન્યાય કર્યો હોય એમની માફી માંગતા શીખી લેવું. ખાસ તો, વર્ષોથી નડતા આવ્યા છે એવા પરંપરારૂપી પથ્થરો ફેંકી જ દેવા. ભૂતકાળના પડછાયાઓના બંધનથી મુક્ત થઈને નાચવાનું શરૂ કરો અને પ્રપંચ છોડીને પ્રસન્નતા પામો…
(મોરારીબાપુના બે-ત્રણ પ્રવચનમાંથી ચૂંટેલા સોનેરી પુષ્પો…)
– Bhagirath Jogia
Leave a Reply