બ્રાન્ડ મોદી: દરેક સફળ માણસના ‘મેજીક’ પાછળ કોઈકને કોઈક ‘લોજીક’ હોય જ છે!
– ભારતમાં 2014 પછી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા?
– ના, અમુક પ્રોબ્લેમ સોલ્વ થયા છે ને અમુક પ્રોબ્લેમ ઉલટું વધ્યા છે.
– તો પછી નરેન્દ્ર મોદીની હજી સુધી આજેય બ્રાન્ડ પાછળનું કારણ શું?
– એ જ કે, જનતાને ભરોસો છે કે પ્રોબ્લેમ તો છે પણ એનું સોલ્યુશન ‘મોદી’ જ છે.
ક્રિકેટમાં કોહલી આઉટ ઓફ ફોર્મ હોય કે ફિલ્મોમાં શાહરુખ-સલમાન સતત બકવાસ ફિલ્મો આપતા હોય પણ વાત જ્યારે 300 રનની હોય કે 300 કરોડની ત્યારે બહુ વખણાયેલા પંત કે રાજકુમાર રાવ ને નવાઝુદ્દીન સિદ્દીકી કરતા કોહલી-શાહરુખ પર જુગાર રમવો વધારે સહેલો છે. એનો અર્થ એ નથી કે નવા યુવાનો બધા ફાલતુ જ છે, એનો અર્થ એ પણ નથી કે કોહલી-શાહરુખ પરનો ભરોસો ખોટો છે, પણ મુદ્દો એટલો જ છે કે જૂની ને જાણીતી બ્રાન્ડ ભારતમાં ને ખાસ તો ગુજરાતીઓ લોકો વધારે પસંદ કરે છે.
હાસ્યચિંતક શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ ‘કેલોકોને ખાતરી હોય,આમાં પૈસા પડી નહિ જાય. અને આવશે પાછી મજા, વાતો ભલે એકની એક હોય!’ આવી જ એક બ્રાન્ડ ભારતના રાજકારણમાં ઉભરીને આવેલી નામે “ધી નરેન્દ્ર મોદી”
નરેન્દ્ર મોદીએ એક અદભુત સફળતા એવી મેળવી છે જેનો તાગ હાલમાં તો કોઈ વિપક્ષ પાસે દેખાતો નથી. ભારતની રાજનીતિમાં દરેક પક્ષ ભલે ગરીબી, રોજગારી, મોંઘવારી ને વિકાસની સૂફીયાણી વાતો કરતો હોય પણ હકીકત એ છે કે આ દેશની રાજનીતિમાં જીતવાનું એક જ ફેક્ટર છે-જ્ઞાતિવાદ. મોદીએ 2002 પછી ગુજરાતમાં અને 2014 પછી ભારતમાં એક અનોખું કામ એ કર્યું કે દરેક જ્ઞાતિઓમાંથી એક ચોક્કસ વસ્તીને ‘હિંદુત્વ’ના વરખમાં વાળી લીધું. હૃદયમાંથી હિંદુત્વ અને વિકાસનો મારો થાય, પણ બહુ હળવેકથી જ્ઞાતિવાદના ચોક્કસ સમીકરણોની કેમેસ્ટ્રી એવી રચાય કે 40-50 ટકા લોકો કાયમી ફેન બની જ રહે. વળી, સામે જે લડવા આવે એના કપાળે કોઈની કોઈ જ્ઞાતિ કોમનું સ્ટીકર વળગેલું જ રહે!
હવે, બહુ સરળ લાગતી આ કેમેસ્ટ્રી રચવી સાવ સહેલી નથી. હિન્દુત્વની રાજનીતિના જનક એવા અટલ-અડવાણી પણ આ મોરચે મહદંશે નિષ્ફળ જ ગયેલા. કેમ કે ધાર્મિકતાના સમીકરણો કાગળ પર રચવાથી ચેમ્પિયન બનાતું નથી, વર્ષોની સાધના પછી જનતાની દુઃખતી રગ પકડી લીધા પછી પણ કિસ્મતનો ચમત્કાર જોઈએ. આ ચમત્કાર કહો કે સાધના કહો, નરેન્દ્ર મોદીએ એના ફળ ચાખી લીધા છે. એ ફળ પણ અમથા નથી ટકી રહ્યા. એની પાછળ “ટાઈટ રોપ વોકિંગ” જેવી અપવાદરૂપ જ કોઈકને આવડે એવી ગણતરીઓ પણ જોઈએ.
1990 આસપાસ જ્યારે ભાજપના મોટાભાગના યુવાનેતાઓ વાજપેયી-અડવાણીની ગુડબુકમાં રહેવા ફાંફા મારતા હોય ત્યારે એક નરેન્દ્ર મોદી એમની ગુડબુકમાં તો રહે છે, પણ એક હદથી વધારે ક્યાંય મોઢું નથી ખોલતા કે કોઈના સાવ અંગત બની જવાય એટલા નજીક નથી આવતા. જાણે મનમાં સમજતા હોય કે આ બધા કરતા મારે આગળ નીકળી જવાનું છે.કેમ કે, સંબંધો સહારો આપે એ ક્યારેક ધક્કો મારીને પાડી પણ દે એ દુનિયાનો અફર નિયમ છે. પાછળના બધા પુલો બાળીને કોઈ બેકગ્રાઉન્ડની ચાહના રાખ્યા વગર ‘એકલા ચલો’ ટાઈપ ઓળખ મોદીએ ઉભી કરી છે.
કદાચ એ જ સ્વૈચ્છિક “એકલતા”નું પરિણામ હશે કે મોદી સરકાર પર આરોપો મૂકી શકાય કે સરકારની ટીકા કરી શકાય એવા હજાર મુદ્દાઓ મળી રહે પણ વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી પર કીચડ ઉછાળવા જાય એ પોતે જ ખરડાય જાય. કેમ કે એ વ્યકિતગત પ્રભાવને હરાવી દેવો એ કાચા પોચાનું કામ નથી. એના માટે જેમ મોદી પાંચને પછાડીને પાંચમા પુછાતા થયા એમ એમને પછાડીને કોઈકે આંખોમાં આંખો નાખવી પડે.
એવું પણ નથી કે ‘વિકાસ-પુરુષ’ કહેવાતા મોદીના રાજમાં બધે રેલમછેલ જ થઈ હોય. ઊલટું, મોદી ગુજરાત છોડીને દિલ્હી ગયા પછી ગુજરાતના ભાગે આવેલા નબળા નેતૃત્વને કારણે એક પછી એક ઇન્ડેક્સમાં ગુજરાત પાછળ જ પડતું ગયું. કોરોનાની વિશ્વવ્યાપી વેદનાને બાદ કરીએ તો પણ હદ બહારની બેરોજગારી હોય કે સરકારી સ્કૂલો ને હોસ્પિટલોનું કથળેલુ સ્તર હોય, ત્યાં સુધી કે કુપોષણમાં આપણે બિહાર સાથે સરખામણી કરવી પડે ને ભણતર અધૂરું મૂકી દેતા બાળકોમાં આપણે યુપી કરતા પણ પાછળ! પેપર લીક, સરકારી નોકરીઓ ને મોંઘવારી તો બહુ દૂરની કોડી છે. છતાં પરફોર્મન્સ ભાજપ સરકારનું બગડે છે પણ બ્રાન્ડ “મોદી”નું નહિ.
એક દેખીતું કારણ એ પણ છે કે 2019 પછી સતત મંદીમાં ઊંડા ખુંપી રહેલા ભારતમાં તમે સત્તાધીશોની ટીકા કરો ને વિપક્ષને આવકારો તો ય સમજાશે કે વિપક્ષી નેતાઓ પણ આ બધા મુદ્દે સરકારને ઘેરી શકે છે, પણ આ સમસ્યાઓનું સોલ્યુશન સમજાવીને ખીલી શકતા નથી. અંતે, થાય એવું કે મહારાષ્ટ્રના પ્રોજેકટ રાતોરાત ગુજરાતમાં આવી ચડે તોય દિલ્હીમાં સાહેબ બેઠા હશે તો ગુજરાતમાં કામ આવશે એવુ ય બહુમતી જનતાનો મત હોય છે.
એટલે જ ગુજરાતમાં ભાજપ સરકાર ઘણા મોરચે ફેઈલ ગયા પછી, આખું મંત્રીમંડળ બરખાસ્ત કર્યા પછી ય ઇલેક્શન આવતા નવા મુખ્યમંત્રી સહિત ઘણા સિનિયરોએ સાઈડમાં બેસી જવું પડે ને ગુજરાતમાં 27 વર્ષ જૂની સરકાર ટકી રહેશે કે બદલાય જશે એ આધાર માત્ર ને માત્ર બ્રાન્ડ મોદી પર જ હોય! કોર્પોરેટર પણ હું, ધારાસભ્ય પણ હું, હું જ મુખ્યમંત્રી અને હું જ પ્રધાનમંત્રી! આ કોન્ફિડન્સ રાખીને માત્ર અને માત્ર પોતે જ ફોક્સમાં રહેવું એ સહેલું કામ નથી. સરકાર તો 80 સીટોએ પણ બને ને 120 સીટોએ પણ બને. એ કોઈ મોટી વાત નથી. પણ 36 સભાઓ એટલે કરવી પડે કે ભારતભરમાં વિપક્ષ તો ઠીક પોતાના જ પડખે બેઠેલા દુશ્મનો સામે “ધી નરેન્દ્ર મોદી”ની ઓળખ ટકાવી શકાય.
પોતે જ પોતાના હાથે નિયુક્ત કરેલા નેતાઓને ચૂપ કરીને “વન મેન શો”ની એવી ઇમેજ ઉભી કરે કે જાણે વિપક્ષને કહેતા હોય કે “જે છું એ હું જ છું. હવે વાત કરો…” અને જનતા ય ક્લિન ચિટ આપી જ દે કે “જે હોય તે. સાહેબ તો બરોબર જ છે ને!”
પણ અગાઉ કહ્યું એમ આ “ટાઈટ રોપ વોકિંગ” છે. એકબાજુ આંધળા ભક્તોની ટોળી હોય ને બીજીબાજુ સતત ટાંટિયો ખેંચીને પાડી દેવા મથતા દુશ્મનો! સહેજ ચુક્યા કે પડ્યા ઊંડી ખીણમાં. ને મોટા માથાઓ ખીણમાં પડે ત્યારે એનો કોઈ હાથ ના પકડે પણ તમાશો જોઈને ખીખિયાટા કરે. કદાચ આવું જ્ઞાન આ અમારા કરતા મોદી સાહેબમાં વધારે હશે એટલે જ 72 વર્ષની ઉંમરે 36 સભાઓ કરતા હશે!
એવું ય નથી કે મોદી ક્યારેય હારતા જ નથી. લોકસભાની બે ચૂંટણીઓ બાદ કરીએ તો વિધાનસભાની દરેક રાજ્યની ચૂંટણીઓ “બ્રાન્ડ મોદી” પર જ લડાતી હોવા છતાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હોય એવા પાંચ સાત રાજ્યો જ છે. દિલ્હી અને દક્ષિણના રાજ્યો તો હજી મોદીના પ્રભાવથી દુર જ છે પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે રાજસ્થાન અને બિહારમાં પણ એક ચહેરાથી સો ટકા સફળતા મળી નથી જ. છતાંય કહ્યું એમ આજે જુદા જુદા ક્ષત્રપો પણ સાહેબની દૂરંદેશી દ્રષ્ટિ પારખીને મહાગઠબંધન કરતા થઈ ગયા છે. એનું કારણ??? એ જ કે “હિંદુત્વ”નું વર્તુળ દોરીને અંદર ફેંકેલા જ્ઞાતવાદી સમીકરણો! અને આ વર્તુળ એવું છે જેમાં મોદી સિવાય અન્ય કોઈ નેતાઓ પ્રવેશવા જાય તો સાપ મરતા પહેલા જ લાઠી તૂટી જાય.
ખૈર, સાહેબ વિશે તો લખ્યું છે ને લખાયા કરશે. કોઈ ટીકાઓ કરશે, કોઈ ભક્તિ કરશે, પણ સાહેબ તો કદાચ કહેતા જ હશે કે મારા તેજથી ક્યાં તો દાઝો ક્યાં તો ભાગો! અંતે…
એક વિદ્વાન પત્રકારને કોઈએ પૂછેલું કે…
‘નરેન્દ્ર મોદીને કોણ દિલ્હીથી હટાવી શકશે?’
પત્રકાર ઉવાચ,
‘2014 વખતે નરેન્દ્ર મોદીનો પ્રભાવ આખા દેશમાં ચમત્કારીક ફેલાયેલો હતો એવો પ્રભાવ કોઈ નેતા ભવિષ્યમાં ઉભો કરે નહિ ત્યાં સુધી બ્રાન્ડ મોદી અજેય છે.’
– Bhagirath Jogia
Leave a Reply