આજે જો તારક મહેતા આપણી વચ્ચે હોત તો દરરોજ ટ્રોલ થતા હોત!
એક મહિલા વાચકે મહેતા સાહેબને પત્ર લખેલો કે ‘હું તમારી જૂની વાચક હતી, પણ હવે પછી તમને ક્યારેય વાંચીશ નહિ.’ હાજરજવાબી તારક મહેતાએ સામો ફટકો માર્યો: ‘એનાથી મારે કે તમારે કશું ગુમાવવાનું નથી…’
વાત એ આત્મકથાની છે જેના પછી અમારા જેવા હજારો લોકો તારક મહેતાના અઠંગ ફેન બની ગયેલા. તો સામે પક્ષે ઘણા વિરોધીઓ પણ બની જ ગયા હશે! ત્યારે ફેસબુક-ટ્વીટર પર ધડાધડ કોમેન્ટો છાપી શકાતી ના હોવાથી એક્ઝેટ ખ્યાલ તો ના આવે પણ ઉપર ઉદાહરણ આપ્યું એમ ઘણા વાચકો ચર્ચાપત્રો લખતા હશે કદાચ! આ આત્મકથા એવો “એક્શન રિપ્લે” હતો જે હિંમત લગભગ મહાન કવિ નર્મદની “મારી હકીકત” સિવાય કોઈ લેખકે દાખવી નહોતી. નર્મદનો તો આત્મકથા લખાયા પછી બહિષ્કાર થયેલો અને એ પુસ્તક પ્રગટ થયા પછી પણ વરસો સુધી છુપાવી રાખવું પડેલું. તારક મહેતા જેવી આત્મકથા આજે કોઈ લખતા તો શું વાચતા પણ બીવે.
હોશિયાર ગુજરાતી લેખકો આત્મકથામાં પોતાની યશોગાથા અને સંઘર્ષની વાતો કરવામાંથી ઊંચા નહોતા આવતા ત્યારે તારક મહેતાએ જે એક્શન બતાવી એનો રિપ્લે હજી આટલા વર્ષે પણ જોવા નથી મળ્યો. કારણ કે, ત્યારે લેખકો જરાક પ્રસિદ્ધ થતા જ કોઈને કોઈ વિચારધારાની સોડમાં છુપાય જવાનું પસંદ નહોતા કરતા. એમને વાચકોને વહાલા થવા પોતાની નક્કર માન્યતાઓ સાથે બાંધછોડ કરતા નહોતું આવડતું. કેમ કે, અત્યારના અડધા પોણા લેખકો કરતા અમારા તારક મહેતા વધારે પાવરફુલ હતા. એટલે જ કદાચ એમણે ફલાણા ઢીકણા સંબંધો સાચવવા દંડવત નહોતા કર્યા!
એકવાર આપણા મહેતા સાહેબે લખેલું કે ‘લોકો મારા દ્વિઅર્થી નાટકો જોવા હોંશેહોંશે પહોંચી જાય છે અને ભરપૂર મજા લીધા બહાર નીકળીને પહેલો ચર્ચાપત્ર પણ મારા વિરુદ્ધ જ લખે છે.’ આવા જોરાવર હતા હો મહેતા સાહેબ! તત્કાલીન સરકારોના બન્ને બાજુના મોટા નેતાઓ એમના મિત્ર હોવા છતાં પોતે જ્યાં કટાક્ષ કરવાનો હતા ત્યાં કરી જ લેવાનો. પોતાના જ રાજકારણી મિત્રોની ઠેકડી ઉડાડવામાં પણ કોઈ છોછ ના રાખવો. બીજી બાજુ ધાર્મિક લાગણીઓ તો ત્યારે પણ દુભાય જ જતી. ક્યારેક આ બાજુની તો ક્યારેક પેલી બાજુની! પણ તારક મહેતાએ કોઈની ય સાડીબાર રાખ્યા વિના અને ખાસ તો કોઈ પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના લખ્યું. (બાકી આપણે જેને સ્પષ્ટવક્તા માનતા હોઈએ એ કોઈ એક પક્ષને ચચરાવી દેવા જ ચરકતાં હોય એમ પણ બને!)
ખૈર, એ જમાનામાં એમની વિરુદ્ધ કોઈ ફતવો બહાર નહોતો પડ્યો. કે એમને વાચવાથી સંસ્કૃતિનો નાશ થશે એવી કોઈ બીક યુવાનોને નહોતી. એટલે જ અમે કોઈ પૂર્વગ્રહ વિના એમને વાચ્યા, એમના ચાહક બન્યા, ક્યારેક એમની નકલ કરવાની કોશિશ પણ કરી અને સ્વભાવમાં પણ એમને ઉતારવાની કોશિશ કરી. અમે ગર્વથી કહીએ છીએ કે અમે એ જમાનાના મર્દ લેખકોને વાંચીને મોટા થયા છીએ એટલે અમારે કોઈ જ ઓપિનિયન ઘડવા માટે વોટ્સએપના મેસેજની જરૂર નથી. કદાચ એટલે જ… જો ભી કિયા, હમને કિયા શાન સે…
-હેપ્પી બર્થડે ગુરુ તારક મહેતા… જહાંપનાહ…તોહફા કબૂલ કરો!🙏❤️🎂
-Bhagirath Jogia
Leave a Reply