લવ મેરેન્જ V/S એરેન્જ મેરેજ વાયા પપ્પાની પરમિશન: હંગામા કયું હૈ બાપ્પા!
આપણા વિદ્વાન હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે વનેચંદના વરઘોડા નામના પ્રોગ્રામમાં કહેલું કે, ‘અમારે ત્યાં તો કન્યાવાળા જોવા આવવાના હોય ત્યારે ઘરમાં હેઠે દોરડા ના હોય એવા ટેલિફોન આવી જાય. અને જો મુરતિયો બી.કોમ છે એમ કહે તો સમજવું કે મેટ્રિક પાસ હોય તો હોય!’ એમણે તો એમની ભાષામાં આવી ફાંકાફોજદારી બાબતે લાંબુ વર્ણન કરેલું, પણ એ હવે આજના જમાના સંદર્ભે સમજીએ.
હજી કેટલાય પરિવારો એવા જોયા છે જ્યાં દીકરાને પરણાવવાની વાત આવે એટલે કન્યાપક્ષ સામે નર્યું જુઠાણું જ પેશ કરતા હોય. અમારા દીકરાનો તો આટલો પગાર છે ને અમારે આ બંગલો પોતાનો ને ફલાણો શો રૂમ પણ અમારો પોતાનો. ઘણીવાર તો આવા એરેન્જ મેરેજમાં વચેટિયાઓ પણ પોતાને કોઈનું ઘર બંધાયાનો જશ મળશે એ લોભમાં ખોટી વાતોમાં હા એ કરતો જાય. કન્યાવાળા વિશ્વાસમાં આવી જાય તો દીકરીના સપનાઓ ભાંગીને ભુક્કો થઈ જાય. તો પછી??? આ એરેન્જ મેરેજમાં છેતરપીંડી થઈ કહેવાય કે નહિ?
આજેય ઘણા કુટુંબમાં દીકરીની ઈચ્છા વગર જ ગમે ત્યાં ચોકઠું ગોઠવાય જાય છે. હવે તો, દીકરીઓ પોતાનો ઓપિનિયન આપી શકે એવી હિંમત કરી શકે છે. છતાંય અમુક કેસોમાં માત્ર કુમારના પૈસા, આવડત અને કુટુંબનો મોભો જોઈને જ લાકડે માંકડું વળગાડી દેવાતું હોય છે. નૈતિકતા તો ઠીક, આપણા જ લોહીની દીકરી કે બહેન સાથે એ હળાહળ અન્યાય નથી?
આ પૂર્વધારણા બાંધવાનો હેતુ એટલો જ કે હમણાં હમણાં આપણે ત્યાં નવો જ વિષય મેદાનમાં આવ્યો છે. કે—લવમેરેજમાં વાલીઓની સાઈન ફરજિયાત થઈ જવી જોઈએ. આ વિષયની ચર્ચાનો હેતુ એટલો જ કે કન્યાઓ સાથે છેતરપીંડી અને ખાસ તો લવ જેહાદ ના થવો જોઈએ. ચર્ચાની સાથે દિમાગના એક પછી એક પાનાઓ ખોલતા જઈએ તો ખ્યાલ આવી જાય કે આખો વિષય ગતકડું જ છે. (કાયદો અત્યારે છે નહીં ને ભવિષ્યમાં બનવાની શક્યતાઓ હાલમાં તો દેખાતી નથી. કેમ કે, ભારતીય બંધારણના આર્ટિકલ 21 “રાઈટ ઓફ લાઈફ અને પર્સનલ લિબર્ટી” મુજબ એની વિરુદ્ધ કોઈ પણ સરકાર કોઈ પણ વિધાનસભા કે લોકસભામાં અધ્યાદેશ લાવી શકે નહીં. સિવાય કે બંધારણમાં જ ફેરફાર થઈ જાય. અર્થાત આમ ના થાય ત્યાં સુધી તો કાયદો નહિ, પણ ફક્ત “ચર્ચાનો વિષય” માત્ર જ!)
નો ડાઉટ ઘણા ઉડન ખટોલા જેવા છોકરાઓ ભોળી પારેવડીઓને ફસાવી દેવામાં ઉસ્તાદ હોય છે. લગ્ન પછી કન્યાની જિંદગી બગડી જ શકે છે. પણ ઉપર લખ્યું એમ આવા જોખમો તો એરેન્જ મેરેજમાં વધારે રહેલા છે. બાકી મોસ્ટ ઓફ લવ મેરેજમાં તો ઉલટું બે પાત્રો પહેલેથી એકબીજાને ઓળખતા હોય. ખામીઓ, ખૂબીઓ જાણતા હોય. ખાસ તો મનમેળ તો હોય, હોય અને હોય જ! વળી, હવે તો સસ્તા નેટની કૃપાથી છોકરો-છોકરી સતત કોલ, મેસેજ કે ઇવન વિડીયો કોલ થકી એકબીજા સાથે સંપર્કમાં રહીને ગાઢ પરિચયમાં આવી શકે છે. તો પછી એવા પાત્રો લગ્ન કરી લે એમાં મમ્મી પપ્પાઓને શું કામ વાંધો હોવો જોઈએ?
હા, પેરેન્ટ્સ એ કુમારને ઓળખતા હોય અને ખરેખર ઉડન ખટોલા ટાઈપ જ હોય તો પોતાની કન્યાને સમજાવી શકાય, એને અરીસો ધરી શકાય. પણ પછીય એ અડગ રહે તો સાઈન કર્યા વગર જ એને પોતાને ગમતા પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ છે જ. ઇવન છૂટ આપવાની પણ જરૂર નથી. (યાદ રાખો, બંધારણમાં આર્ટિકલ 21.) હકીકતમાં તો, આપણી દીકરીએ કોઈ ગમતા પાત્ર સાથે ભાગીને લવમેરેજ કરવા પડે એ આપણી ટ્રેજેડી છે એની નહિ. કેમ કે, પેરેન્ટ્સ તરીકે આપણે આપણા બાળકોનો વિશ્વાસ જીતવામાં સદંતર નિષ્ફળ ગયા છીએ એમ સાબિત થાય. દીકરી વંઠેલ નથી, પણ આપણે અક્કડતાથી છલોછલ છીએ.
કૃષ્ણ-રૂકમણી અને શિવ-પાર્વતી તો આપણા સનાતન મૂલ્યોના અજય-અમર ઉદાહરણો છે. કૃષ્ણ-રૂકમણીના ભાગીને થયેલા પ્રેમલગ્ન વિશે તો લગભગ દરેકને ખ્યાલ હોય જ! પણ શિવને તો સસરા દક્ષ સાથે સંબંધ જ બગડી ગયેલો. છતાંય મહાદેવ પાર્વતીએ લગ્ન કરી લીધાં. વળી, આજના સામાજિક એન્ગલથી જોઈએ તો એ બન્નેમાં પણ “પ્રેમ” સિવાય ક્યાં કોઈ સમાનતા જ હતી! દક્ષ રાજાને પણ એમ જ લાગતું હશે કે મહાદેવ તો ભાંગ પીવે ને, ગળામાં નાગ લટકાવે. આના દોસ્તો તો બધાય ભૂત છે પાછા! અને ભોળાનાથની જાનમાં ભૂતડાઓને નાચતા જોઈને એમના સાસુ તો બેભાન થઈ ગયેલા…છતાંય આજે શિવ પાર્વતીની જોડીને તો એરેન્જ મેરેજમાં લગ્નગીતોમાં પણ યાદ કરવામાં આવે છે. કારણ કે, એ નિર્વિવાદ વર્લ્ડ બેસ્ટ જોડી છે જ!
પણ તકલીફ એ થઈ કે આપણી સામાજિક ગાડી ધીમે ધીમે ઉર્ધ્વગતિ કરવાને બદલે અધોગતિ કરવા લાગી. ફેમિલીએ પસંદ કરેલા પાત્રને ન પરણે ને પોતાની ચોઇસના પાત્ર સાથે પરણે એને “વંઠેલ” ગણવામાં આવ્યા. વળી, આપણી તો ઘણી જૂની ફિલ્મોમાં બતાવ્યું છે એમ છોકરો ભલે ગમે એવો ખાનદાની હોય પણ “આ ઉંમરે દીકરીઓને કશી સમજ ના પડે…’ એમ કહીને લાગણીસભર હૃદયનું લોહી જ બંધિયાર બનાવી દેવામાં આવે. પછી દીકરીઓ મન મારીને પપ્પાએ પસંદ કરેલા ગમે એ કહેવાતા ખાનદાની છોકરા સાથે પરણાવી દેવામાં આવે. પણ જો એમાં સુખની ગેરેન્ટી હોત તો દર વર્ષે ડિવોર્સનો આંકડો કેમ સતત વધતો જાય છે? દરેક ખૂણેથી ગણતરી અને તપાસો કર્યા, દસ સજ્જનો પાસેથી કુમારના રીવ્યુ લીધા પછી, હજાર માણસની હાજરીમાં થતા લગ્નો કેમ વધુ ને વધુ ફોક થતા જાય છે?
કારણ છે મનમેળનો અભાવ…રૂપિયા, ખાનદાની કે વ્યસનમુકત જેવા કુમારોના ગુણોથી પોરસાતા ભાવિ સાસુ સસરાઓ મનમેળ બાબતે આજે 21મી સદીમાં ય કોઈ ખાસ વિચારતા જ નથી. કુમારને એના ઘરેથીય સ્પષ્ટ સૂચના હોય કે-બહુ બકબક નહિ કરવાનું. અત્યારની છોકરીઓ ફટ દઈને સગાઈ તોડી નાંખે છે… પણ પછી વર્ષે બે વર્ષે તો ધડાકો થાય જ. મનમેળ કે તનમેળ હોય નહીં તો ઝઘડાઓ શરૂ થાય, લફરાઓ શરૂ થાય ને અંતે જો છોકરી હિંમતવાન કે આર્થિક રીતે પગભર હોય તો ડિવોર્સ સુધી કોર્ટમાં વરઘોડો વાજતે ગાજતે જાય. બાકી મન મારીને ડિપ્રેશનમાં જીવ્યા કરે. મતલબ કે જે ઈજ્જત સાચવવા આટલા ખર્ચા ને ધમપછાડા કર્યા હતા એ તો અંતે આમાં પણ ગઈ જ ને! એના કરતાં…
મોટાભાગની છોકરીઓ હવે સ્માર્ટ થઈ ગઈ છે. કોની સાથે અફેર કરાય, કોની સાથે દોસ્તી કરાય ને કોની સાથે સાચો લવ કરીને મેરેજ કરાય એવી “ઐશ્વર્યા રાય” કે “કેટરીના” ટાઈપ સ્માર્ટ હો! અરે ઇવન, કોને મેસેજનો જવાબ અપાય કે કોનો મેસેજ ઉપરથી જ જોઈને ઓપન કર્યા વિના લટકતો રહેવા દેવાય એટલે સુધીની ગણતરી હોય. તો એવી છોકરીઓ તો મોટેભાગે પાત્રને ઓળખવામાં ભૂલ નહિ જ કરે. લગ્ન માટે પણ ટાઈમ લઈને સમજી વિચારીને જ લગ્ન કરશે. પછી ભવિષ્યમાં કોઈક બાબતે ઊંધું પડે ગાડું તો એ નસીબની વાત છે! હવે આવા કિસ્સાઓમાં પેરેન્ટ્સ પરવાનગી ના આપે તો સમજવું કે 25 વરસની દિકરીમાં જેટલી બુદ્ધિ છે એટલી 50 વર્ષના પેરેન્ટ્સમાં નથી. તો પછી પેરેન્ટ્સની સાઈન ફરજિયાત શેના માટે?
વળી, ભોળી છોકરી ક્યાંક ફસાય જવાની બીક હોય તો એને ગાઈડ કરો પણ અંતે લગ્ન માટે પરમિશન તો ખુશી ખુશી આપવી જ જોઈએ. એ ભવિષ્યમાં ય દિલ ખોલીને વાત કરી શકે એવી હૂંફ આપો. તો કોઈ પેરેન્ટ્સની વ્હાલી દીકરીએ આપઘાત નહિ કરવો પડે. (એરેન્જ મેરેજમાં ય પેરેન્ટ્સ દીકરીઓને ઈજ્જત ઈજ્જતની પીપુડી વગાડતા રહેતા હોય એમાં તો કેટલીય છોકરીઓ જુવાની માણવાની ઉંમરે ગુજરી જાય છે જ ને!)
ખૈર, આવી ચર્ચાઓમાં તો પક્ષ-વિપક્ષે જેટલા માથા એટલી દલીલો. પણ માતા-પિતાઓએ એક વાત કંઠીની જેમ ગળે બાંધી લેવી કે દીકરીના શરીરમાં તમારું લોહી વહેતું હોવા છતાં, એટલું તો યાદ રાખવું જ કે એનું શરીર અને એનું મન તમારું નથી, એ તમારી માન્યતાઓ અને સંસ્કારો કે પૂર્વધારણાઓની બહાર હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ:
જોખમ જો બન્ને પ્રકારના મેરેજમાં રહેલું હોય તો ય એરેન્જ મેરેજ કરતા લવમેરેજ ઓછા જોખમી જ છે. એમાં કમસેકમ આપણી વ્હાલસોયી બહેનો દીકરીઓ મન મારીને તો નહીં જ જીવે. ભુલ કરશે તો એ ભૂલમાંથી જાતે શીખશે. નહિ કે જીવનભર હૃદય રૂંધીને મનમાં કહેશે કે-મારા ફેમિલીના કારણે…..
– ડો. ભગીરથ જોગિયા
Leave a Reply