બધી વાતે એકસ્ટ્રા ઓર્ડિનરીની આશા રાખનાર ઊંધા માથે પછડાટ ખાય છે!
સલમાન ખાન જ્યારે બોડી બનાવતા નહોતો શીખ્યો ત્યારે 1985માં એક વીસ વર્ષનો હટ્ટોકટ્ટો યુવાન પડછંદ કાયાના ચોસલા બનાવીને “ટારઝન”ના વેશે બૉલીવુડમાં એન્ટ્રી કરી ગયો. એ ફિલ્મમાં બિકીનીધારી રૂપકડી કિમિ કાટકરની સાથે ઘણાને આ ટારઝન ઉર્ફે હેમંત બિરજે ગમી ગયો. એ પછી “વિરાના” જેવી થોડીક ફિલ્મોમાં એને રોલ મળ્યો. અને ધીમે ધીમે એ સાઈડમાં ફેંકાતા સાઈડ રોલ કરતા કરતા સાવ જ અદ્રશ્ય થઈ ગયો.
હમણાં એના એક રોડ એક્સિડન્ટ પછી આવો કોઈ “હીરો” બૉલીવુડમાં હતો એની લોકોને જાણ થઈ, એ પણ ચંદ લોકોને જ! પછી વાત બહાર આવી કે આ હેમંત બિરજેની “પર્સનાલિટી” જ એવી સોલિડ કે કોઈ હીરો એની સાથે કામ કરવા જ તૈયાર ન થાય. એક ફિલ્મ પછી ગોવિંદાએ એની સાથે કામ કરવાની ના પાડી દીધી. ધર્મેન્દ્ર જેવા બોડી બિલ્ડરે લઘુતાગ્રંથિ સાથે કહ્યું કે-હું આની સામે ઊંચું જોઈને ડાયલોગ નહિ બોલું. (હેમંત બિરજેની હાઈટ સવા છ ફિટ.) આમ, જે હાઈટ બોડી થકી બનેલી પર્સનાલિટી હીરોની ઓળખ હોય, એ જ એની દુશ્મન બની ગઈ.
થોડા સમય પહેલા મજબૂત અભિનેતા ઝીશન ઐય્યુબે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે- ઝીરો અને ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બન્નેમાં મેં શાહરુખ અને આમિર સાથે કામ કર્યું છે. આ બન્ને ફિલ્મોના એક એક સીન એટલા બારીકાઈથી સ્પેશિયલ બનાવવામાં આવ્યા કે ફિલ્મો અડધે પહોંચતા જ મને થઈ ગયું કે આ ફિલ્મો ફ્લોપ જવાની… આમિરે તો પછી વરસોના વરસ આપીને બનાવેલી લાલ સિંહ ચઢ્ઢાનો પણ દાટ વાળી દીધો.
ગઈકાલે જેના બર્થડેથી સોશિયલ મીડિયા ઉભરાય ગયું એ “કેપ્ટન કુલ ધોની” ક્યારેય બેટિંગમાં ટેક્નિકલી પરફેક્ટ નથી બની શક્યો, ઇવન સેહવાગ પણ. છતાં મોટી મોટી ટેક્નિકમય ધુરંધરો મેદાનમાં ઢોળાય જાય ત્યારે આપણે આ ખિલાડીઓને યાદ કરવા જ પડે છે…
આવા તો અઢળક ઉદાહરણો આસપાસની દુનિયામાં જોવા મળશે. જે કલાકાર, લેખક કે ઇવન, બિઝનેસ મેન સફળ હોય એ સાવ પરફેક્ટ નહિ જ હોય. એ થોડો અસ્તવ્યસ્ત હશે, બિન્દાસ હશે. દુનિયાએ દોરેલી સીધી લીટી પર પેન ઘૂંટવાને બદલે આડાઅવળા પગલે, પણ પોતાની નેચરલ રિધમમાં ચાલતો હશે. (એલન મસ્કને નજર સામે લાવો.) નરેન્દ્ર મોદીઓ કે શાહરુખ ખાનો પોતપોતાના ફિલ્ડમાં પણ “એકસ્ટ્રા ઓર્ડિનરી” નથી. છતાં, બન્ને પોતપોતાના ફિલ્ડમાં પોતાની “અપુર્ણતાઓ”ને કારણે જ ટોચ પર છે.
કુદરતની દુનિયામાં કશું પરફેક્ટ હોતું નથી, ઝાડ ઉભી લીટીની જેમ ઉગતા નથી, બાળકો પેન્સિલ પકડે ત્યારે ચિતરડા ભમરડાં જ કરતા હોય છે, ચોમાસામાં ચાર મહિના પરફેક્ટ ધારે ધારે ગણતરીનો વરસાદ પડતો નથી. મહાન કલાકારોએ દોરેલા પેઇન્ટિંગ તરત સમજાય એવા “સીધા” હોતા નથી. દરિયો કે નદી પણ એના તરંગી વહેણ થકી જ સુંદર લાગે છે. મહાન જીનિયસ ભેજાઓ સમાજમાં કે સગાંવહાલાંઓ સાથે પરફેક્ટ જેન્ટલમેન બની શકતા નથી.
ટૂંકમાં, દુનિયા કુદરતની હોય કે માણસની, વેવલાવેડા કે કચકચ કરીને ધરાર સ્પેશિયલ બનવા જાઓ તો શક્ય છે કે કુદરત અને માણસ બન્નેથી દૂર થઈ જાઓ. તરંગી બનો, નેચરલ બનો, ઉટપટાંગ બનો…એ જીવતા રહેવા કરતા પણ “જીવંત” રહેવાની એક કુદરતી રિધમ છે!🙏
– Bhagirath Jogia
Leave a Reply