હ્ર્દય : સમજો તો મીઠાશ, અને ના સમજો તો કડવાશ
નાનપણમાં કે યુવાનીમાં કોઈ બાળક કે યુવાન કાટ કે નફ્ફટ હોતો નથી. કાચ જેવું હ્ર્દય હોય છે એનું. શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ-યુવાનો ભોળા બહુ હોય છે. જરાક કોક હોંકારો દે તો ગદબ પાછળ બકરી હાલતી હોય એમ હાલી જાય, કોકના સમાન માંડે ઊંચકવા, કોકના છોકરાવ તેડી લ્યે, હમજયા વગર!
પણ વાસ્તવિક દુનિયા અલગ છે, એવું તો યુવાનો કોલેજની બહાર નીકળતા જ સમજી જતા હોય છે. ચારે બાજુ પૈસાના ખેલ, લકઝરીયસ ગાડી અને મસમોટા બંગલાઓ અને ફાઈવ સ્ટાર પાર્ટીઓની રેલમછેલ. (ભારતની ગરીબી સમજતા યુવાનો એટલા તો પુખ્ત હોય છે કે આવી રોયલ લાઈફ એન્જોય કરનારાઓ તો માંડ બે પાંચ ટકા વસ્તી છે. બાકી તો…છતાં ઉંચી ને અઘરી મહત્વાકાંક્ષાઓ પાળે એનું નામ તો યુવાની. બાકી તો જગતમાં આ ઝાકમઝોળ હોત જ નહીં, ચારેબાજુ અંધકાર જ હોત ને!)
પછી શરૂ થાય છે ખેલ…કોમળ હાર્ટને હર્ટ કરવાનો કાતિલ ખેલ. પ્રેમનો ખેલ, પ્રોફેશનનો ખેલ, સંબંધોનો ખેલ, નબળા હૃદયના હોય એને ડિપ્રેશનમાં પટકી નાંખવાનો ખેલ, થોડાક સાહસી અને બેબાક હોય એને કટ્ટર પ્રોફેશનલ લાઈફમાં ફિટ કરીને સંવેદનહીન બનાવી દેવાનો ખેલ. આ ખેલ, પેલો ખેલ, ફલાણો ખેલ અને ઢીંકણો ખેલ.
હૃદયની ધમનીઓમાં પુરપાટ વહેતા ગરમ લોહીની સાથે મગજમાં એક ખૂનન્સ પણ દોડતું હોય છે. ખૂનન્સ હોય છે, મહેનત છતાંય ના મળેલી સફળતાનું, અંગત દોસ્તોએ કરેલા દગાનું, જેમને દિલથી ચાહ્યા હોય એ સબંધો થકી વપરાયને ફેંકાઈ ગયેલા કચરાનું. જે ગઈકાલ સુધી પોતાના હતા એ બે સાચી વાત કહેતા જ પરાયા બની ગયા એનું પણ ખૂનન્સ.
અને પછી સંવેદનશીલ માણસ તૂટી જાય છે. “યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહિ…” ગાતો થઈ જાય છે, અલબત્ત એકલતામાં. કોઈ આશાવાદી વળી ગાતો હશે કે- બહોત અંધેરા છાયેગા હમારે બાદ મહેફિલ મેં, ક્યા ક્યા ના ચિરાગ જલાઓગે રોશની કે લિયે…” અંતે એક ફિલ્મમાં ડાયલોગ આવે છે કે- કોણ કહે છે કે ફક્ત દિલ તૂટે છે? સાલ્લું, શરીરનો એક એક ભાગ ચૂરો ચૂરો થઈ જાય છે.
દિલમાં આમ ના હોયને તેમ ના હોય કહીને ખીખિયાતા કરતા રેશનલિસ્ટસ પણ દગો કે કોઈક અન્ય રીતે પછડાટ ખાય ત્યારે એમનેય છાતી ભારે લાગે છે. પેટમાં કશુંક ચૂંથાવા માંડે છે. ભૂખ મરી જાય છે. ઊંઘ ઊડી જાય છે. નહેરુ જેવા વિદ્વાન રેશનલિસ્ટનું હ્ર્દય ચીન સામે દગો ખાધા પછી બેસી ગયેલું. અને પછી નહેરુ કાયમી ધોરણે દુભાયેલા-પીડાયેલા જ રહ્યા, જીવ્યા ત્યાં સુધી!
જગતમાં બધાને જ શાંતિ જોઈએ છે, જલસો જોઈએ છે. મસ્ત મજ્જાનું ઘર, ગાડી, સુખી પરિવાર. લેકિન કભી કિસીકો મૂક્કમલ જહાં નહિ મિલતા…રામ હોય કે કૃષ્ણ દરેકનું દિલ તૂટ્યું જ છે. સિદ્ધાર્થનું દિલ સંસારથી વ્યથિત થઈ ગયું તો સંસાર છોડીને ગૌતમ બની ગયા. મહાવીરનું હ્ર્દય સંસારથી ભરાય આવ્યું તો એવો સંન્યાસ લીધો કે કોઈએ બન્ને કાનમાં કાંટા ભરાવી દીધા તો ય તપસ્યા ના તૂટી. સોનચિરિયા ફિલ્મમાં છોભાયેલા હૃદયથી પીડિત સુશાંત સિંહ ને જ્યારે દુશ્મન છરી મારે છે ત્યારે એ ઉહકારો ય નથી કરતો. આવુ હોય છે હૃદયનું દર્દ!
ખૈર, દાસ્તાન-એ-હાર્ટનો સાર એટલો કે મહત્વકાંક્ષી બનો, પણ શક્યતમ હૃદયને સંવેદનશીલ છે. રગોમાં વહેતા લોહીની સાથે થોડી લાગણી પણ મિક્સ કરો. હરિવંશરાય બચ્ચન કહે છે એમ “મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા…”
બાકી વેદના પીડા તો રહેવાની છે જ. અને ઘણી વાર હાડકા ભાંગી ગયાના દર્દ કરતા તૂટી ગયેલા દિલનું દર્દ ભારે પીડા આપે છે. હૃદયની નળીઓમાં લોહીનો ફ્લો કે બ્લોક થકી સાક્ષાત હાર્ટ એટેક કરતા છલક છલક છલક થતી લાગણીને વહેવાનો રસ્તો ના મળે તો અથવા કોઈક ક્ષણે સપનાઓમાં અવરોધ બનીને બેઠેલા બ્લોક પણ હાર્ટ એટેક કે એ નહિ તો એના સમકક્ષ પેઈન ભેટ ધરી દે છે ધરાર!
બાકી તો, અંતે, હૃદયની પીડાનું એવું છે કે છાતીના પાટિયા બેસી જાય એવી પીડાનો ભાર હોય, છતાં ડોકટર કહેશે કે કાર્ડિયોગ્રામ નોર્મલ છે, રિલેક્ષ!!!
– Bhagirath Jogia
Leave a Reply