જિંદગીના બત્રીસ વરસ જીવીને તારવેલું જોગીજ્ઞાન
– આયુષ્યની ત્રીસી વટાવ્યા પછી માણસ થોડોક કન્ફ્યુઝ થઈ જાય છે. અહીંથી જવાય આધ્યાત્મિકતા તરફ અને અહીંથી જવાય મહત્વાકાંક્ષાઓ તરફ…જૉ કે સમાંતરે દૂધ અને દહીં બન્નેમાં પગ રાખી શકો તો ઉત્તમ!
– બત્રીસમેં વર્ષે એટલું તો સમજાય જાય છે કે નાનપણની દુનિયા અને મોટપણની દુનિયા બિલકુલ અલગ છે. નાનપણમાં દરેક સંબંધો પ્યારા જ લાગતા. મોટપણમાં માણસ સંબંધોને ફિલ્ટર કરતા શીખી જતો હોય છે. કોણ દોસ્ત સાચો ને ક્યાં સગાઓ ખોટા એ સમજીને પણ ચૂપ રહીને મંદ મંદ હસતા રહેવાની પ્રકિયાને જગત “સ્માર્ટનેસ” કહે છે!
– હવે નાનપણમાં જે ક્રિકેટર અને એક્ટર બનવાના સપના જોયા હતા, એ સાવ બાલિશ લાગે છે. અને કુદરતે જે ખોળામાં ભેટરૂપે આપ્યું એની કદર કરવામાં માણસ લઘુતાગ્રંથિ અનુભવે છે. કેમ કે, મૂળ તો પોતાની નબળાઈઓ જાહેરમાં સ્વીકારી શકતો નથી.
– બત્રીસમેં વર્ષે પ્રેમમય હૃદય પણ જરાક પોલા પથ્થર જેવુ થઈ જાય છે. કોઈક બે ટકોરા મારે તો અંદરથી સાચું હૃદય લાલચટ્ટક લોહી સાથે ધબકતું થાય, પણ ટકોરા મારવા આવે એ બધા સાચા નથી હોતા, અને સાચા હોય એ ટકોરા મારી શકે એ સુખદ પરિસ્થિતિથી જોજનો દૂર જતા રહયા હોય છે! એટલે પ્રેમ બસ આપણી જાત માટે અને પરિવાર માટે છલકાય એ જ ઉત્કૃષ્ઠ પ્રેમ! એ ય ના થાય તો પોતાની જાત માટે પ્રેમ વિકસાવી લેવો જ પડે. એ જ ડિપ્રેશનથી દુર રહેવાનો અંતિમ ઉપાય છે!
– હું ચમત્કારોમાં નથી માનતો, ખાસ ધાર્મિક પણ નથી. પણ કુદરતી અધ્યાત્મમાં તો માનું જ છું. કારણ કે, જે વિચાર્યું હતું એ થયું નહિ, અને જે થયું એ અતિશય ઉત્તમ ભેટ હતી કુદરતની. પણ કહે છે ને એમ સંતોષ મળે તો એ માણસ શેનો! ગમે એમ કરીને દુઃખી રહેવું એ જગતનો નિયમ છે. અને એ અંગત દુઃખમાંથી જ કલાકારો જગતભરનું સાહિત્ય, ફિલ્મો, કવિતાઓ કે અન્ય કળાઓ વિશ્વને અર્પણ કરી ગયા!
– બત્રીસ વર્ષનું ‘જોગીજ્ઞાન’ એટલું જ કે હું આ કરી નાખું ને તે કરી નાંખું એ બધા મનના વહેમ છે. બાકી તો કુદરત ધારે ત્યારે હવામાં ઉછાળે ને ધારે ત્યારે જમીન પર પટકી નાંખે. આપણે આપણી મોજમાં ગમે ત્યાં હીંચકયા કરવું.
– જન્મદિવસે વ્હાલના ધોધથી નવડાવવા બદલ આપ સૌ દોસ્તો માટે…..એહસાન મેરે દિલ પર તુમ્હારા હૈ એય દોસ્તો!🙏❤️
– Bhagirath Jogia
Leave a Reply