મજબૂરી
જીવતરને કંઇ ટેભા ભરતી મજબૂરી,
પથ્થર દિલની સેવા કરતી મજબૂરી.
ટોળા , પૈસા ભેગા કરવા રસ્તા પર,
અચરજ પહેરી રાસે કૂદતી મજબૂરી.
લાવો મોબાઈલમાં લઇ લો એક ફોટો,
બળજબરીથી કેવી હસતી મજબૂરી!
મત્લો મળ્યો શે’રો મળશે,મક્તો પણ,
રાતના કાજળને અવગણતી મજબૂરી.
લાંબા કરવા હાથો જાણે નાક કપાય,
મોટાઈમાં લાજે મરતી મજબૂરી.
એનું કોઈ સ્થાન નથી લઈ શકતું દોસ્ત,
આખા ઘરની ચીંતા કરતી મજબૂરી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply