તને જોયા વગર પણ કૈ’ શકાયું,
ખુદા તું છે જ “કાયાથી” મનાયું.
અમારા શે’રને આંખોએ ગાયું,
જીગરમાં એ રીતે ઉતરી જવાયું.
મશીનોએ કલમ,કાગળ છીનવ્યા,
તો દિલને ટેરવાથી પણ લખાયું.
મહોબ્બતનો જ એક રસ્તો રહ્યો છે,
અહીં આવી તમારા થઇ જવાયું.
અમે ઘરમાં છીએ કહ્યું હવાએ,
તો દરવાજાને કોંણે ખટખટાયું?
હવે મોઢા ઉપર તાળા રહે છે,
નથી બોલી શક્યા ને ના હસાયું.
તમે કાપી અમારી પાંખ “સિદ્દીક”,
છતાં ઉડ્યા, વિચારોથી ઉડાયું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply