મખમલી રેશમ ત્વચા સ્પર્શી હવા લાગી મને,
એક મૂર્છિત વ્રુક્ષને એની દવા લાગી મને.
એમનો આભાર , મુજને મંચ પર જગ્યા મળી ,
પણ કલાકો બેસવાની, આ સજા લાગી મને.
આપના ચરણો પડે તો ખુશબોના ઝરણા ફૂટે,
દોસ્ત ! તારું શહેર તો મીઠી જગા લાગી મને.
રુઠવાનો એમ વારંવાર તારો આ સ્વભાવ,
ખૂબ સારી એક ૠતુ બેવફા લાગી મને.
મારી ચડતીમાં અમારા દુશ્મનોનો હાથ છે,
જેમની હર બદદુવાઓ પણ દુવા લાગી મને.
લાંચ રૂશ્વત, વાહવાહી, જંગ, નફરત, નગ્નતા
સાવ પાવન લોકમાં એવી પ્રથા લાગી મને.
હાથ બે મળ્યા પછી પ્રશ્નો થયા, મળ્યા ઉકેલ,
આ મિલનને મિત્રતાની, ભરસભા લાગી મને.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply